Western Times News

Gujarati News

મ્યુનિ.કોર્પાેરેશને “વડીલ સુખાકારી” યોજના જાહેર કરી

(પ્રતિનિધિ)અમદાવાદ, શહેરમાં કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટે મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા ધનવંતરિ રથ યોજના, ડોક્ટર મિત્ર, સંજીવની તથા ૧૦૪ સેવા શરૂ કરવામાં આવી છે. જેના ઘણાં જ સકારાત્મક પરીણામ મળી રહ્યાં છે. આગામી ઠંડી તથા તહેવારોના દિવસ દરમ્યાન કોરોના સંક્રમણમાં વધારો ન થાય તેમજ સીનીયર સીટીઝન્સને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે “વડીલ સુખાકારી સેવા” શરૂ કરવામાં આવી રહી છે.

રાજ્ય અધિક સચિવ ડો.રાજીવકુમાર ગુપ્તાના જણાવ્યા મુજબ વયોવૃદ્ધ વડીલ અને ખાસ કરીને હાઈપર ટેન્શન, મધુપ્રમેહ, કિડનીના રોગ હોય તે લોકોની વિશેષ કાળજી લેવા માટે ખાસ વ્યવસ્થા શરૂ કરવામાં આવી રહી છે.

આ યોજના અંતર્ગત ૩ પેરા મેડિકલ સભ્યોની ટીમ આવા વડીલોની ઘરે બેઠા આરોગ્ય ચકાસણી કરશે. જેમાં શરીરનું તાપમાન, લોહીનું દબાણ, ઓક્સીજન લેવલ, નાડીના ધબકારા તથા બ્લડ સુગરની તપાસ કરવામાં આવશે તથા દર્દીના અન્ય રોગોની માહિતી પણ નોંધવામાં આવશે.

સાથે સાથે વડીલોની રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે ઈમ્યુનીટી બુસ્ટર આપવામાં આવશે. જે વડીલોને કોવિડના લક્ષણ જણાય તેમને ઘરે જ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે તથા રીપોર્ટ પોઝીટીવ આવે તેવા સંજાેગોમાં સંજીવની ટીમને જરૂરી સારવાર તબદીલ કરવામાં આવશે.

આ યોજના અંતર્ગત ૧૦૦ ટીમ કાર્યરત કરીને દરરોજ બે હજાર વડીલોને આવરી લેવામાં આવશે. વડીલોના આરોગ્ય ચકાસણીની તમામ વિગતો જાળવવા તથા તેનું વિશ્લેષણ કરવા માટે મોબાઈલ આધારીત સોફ્ટવેર ડેવલપ કરવામાં આવ્યું છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.