Western Times News

Gujarati News

જયદીપ ડાંગરના ભત્રીજા પર હુમલો કરનારા ચાર લોકો ઝડપાયા

રાજકોટ: ગુરૂવારના રોજ બપોરના સમયે લક્ષ્મી વાળી મેઇન રોડ પર આવેલા રૂપાલી પાનની દુકાન પાસે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરના ભત્રીજા જયદીપ ડાંગર પર કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલામાં જયદીપ દિલીપભાઈ ડાંગર નામનો યુવાન ઈજાગ્રસ્ત થતાં તેને શહેરની મધુરમ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ દ્વારા આઈપીસીની કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૬ (૨), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા ગુજરાત પોલીસ એક્ટ ની કલમ ૧૩૫ (૧) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ઘટનાની ગંભીરતાને જોતા ભક્તિનગર પોલીસ દ્વારા રાજકીય આગેવાનના ભત્રીજા ઉપર હુમલો કરનારા વ્યક્તિઓની ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરવામાં આવી છે. ભક્તિનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જેડી ઝાલાએ જણાવ્યું હતું કે, ગુરૂવારના રોજ જયદીપ ડાંગર નામના યુવાન સાથે જસાભાઈ ઝાપડા નામના વ્યક્તિની સામાન્ય બોલાચાલી થઈ હતી. જે બાબતનો ખાર રાખી જસાભાઈ તથા તેના પુત્રો તેમજ ભત્રીજાએ મળી જયદીપ ડાંગર તેમજ સંદીપ ડાંગર નામના વ્યક્તિ સાથે ઝઘડો કરી તેમની ઉપર હુમલો કર્યો હતો.

હુમલો કરી તેમને તલવાર ધોકા જેવા હથિયારથી માર માર્યો હતો. બનાવની જાણ થતાની સાથે જ ભક્તિનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ગુનાનું પંચનામુ કરી જરૂરી વ્યક્તિઓના નિવેદન નોંધી આરોપી જસમતભાઈ મેહુલભાઈ ઉમેશભાઈ તેમજ ઉદયભાઇની ધરપકડ કરવામાં આવેલી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી જસમતભાઈ ઝાપડા વિરુદ્ધ અગાઉ પાસાની કલમ હેઠળ કાર્યવાહી પણ થઈ ચૂકી છે. આમ આરોપી પોતે ગુનાહિત માનસિકતા ધરાવતા હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે જે ચાર આરોપીઓની ધરપકડ કરી છે તેમાં જસમતભાઈ તેમજ તેમના બે પુત્રો તેમજ એક ભત્રીજા નો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર કોંગ્રેસ ના પ્રમુખ અશોક ડાંગર ના ભત્રીજા પર હુમલો થયા બાદ ખુદ મીડિયા સાથેની વાતચીતમાં અશોક ડાંગરે જણાવ્યું હતું કે તેમના ભત્રીજા ઉપર હુમલો કરનારા વ્યક્તિઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.