Western Times News

Gujarati News

અમદાવાદમાં ડેન્ગ્યુ ચીકનગુનિયાના કેસમાં વધારો

લાંભા વોર્ડમાં ચિકનગુનિયાના દસ કેસઃગોતામાં ડેન્ગ્યુના ૧૩ કેસ નોંધાયા

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : સ્માર્ટ સીટી અમદાવાદમાં પાણીજન્ય રોગચાળાની સાથે સાથે મચ્છરજન્ય રોગચાળાએ પણ માથુ ઉંચક્યુ છે. શહેરમાં થયેલ ત્રણ ચાર ઈંચ વરસાદ બાદ યોગ્ય સાફસફાઈનો અભાવ તથા વરસાદી પાણીના ભરાવાના કારણે મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે. શહેરના દક્ષિણ ઝોનમાં પાણી અને મચ્છરજન્ય એમ બંન્ને પ્રકારના રોગચાળાએ માઝા મુકી છે. જ્યારે પશ્ચિમ અને નવા પશ્ચિમ ઝોનમાં ડેન્ગ્યુનો રોગચાળો વકરી રહ્યો છે.

અમદાવાદ શહેરમાં પ્રદુષિત પાણી સપ્લાય થવાના કારણે ઝાડા-ઉલ્ટી, કમળો અને ટાઈફોઈડના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. શહેરના દાણીલીમડા, બહેરામપુરા, લાંભા, વટવા, અમરાઈવાડી, સરસપુર, કુબેરનગર સહિતના વિસ્તારોમાં કમળાનો રોગચાળો વકરી રહ્યો છે. જુલાઈ મહિનામાં કમળાના ૪પ૩ કેસ નોંધાયા હતા. જ્યારે ઓગષ્ટ મહિનાના પ્રથમ ત્રણ દિવસમાં જ કમળાના પ૮ કેસ કન્ફર્મ થયા છે.

ચાલુ વર્ષ દરમ્યાન કમળાના ૧પ૦૦ કેસ નોંધાયા છે. ર૦૧૯ના વર્ષમાં ટાઈફોઈડનો આતંક જાવા મળ્યો છે. તથા જુલાઈ મહિનાના અંત સુધીમાં ટાઈફોઈડના ર૬૦૦ જેટલા કેસ બહાર આવ્યા છે. જુલાઈ મહિનામાં ટાઈફોઈડના ૬૩૯ કેસ નોંધાયા હતા જ્યારે ઓગષ્ટના પ્રથમ ત્રણ દ્યિવસમાં ૬૦ કેસ બહાર આવ્યા છે. શહેરમાં વકરી રહેલી પ્રદુષિત પાણીની સમસ્યાના કારણે પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે. મ્યુનિસિપલ આરોગ્ય ખાતા દ્વારા પાણીના સેમ્પલ ચકાસણી માટે લેવામાં આવે છે. જેના પરિણામે અત્યંત ચોંકાવનારા છે.

સુત્રોએ જણાવ્યા અનુસાર ર૦૧૯માં આરોગ્ય વિભાગ દ્વારા ૧૧ હજાર સેમ્પલની ચકાસણી કરવામાં આવી હતી જે પૈકી ૭૪પ સેમ્પલ અનફીટ સાબિત થયા છે. ર૦૧૭ અને ર૦૧૮ અનફીટ સેમ્પલોનું પ્રમાણ વધારે હોવાથી નિષ્ફળતા છુપાવવા માટે ચકાસણી માટે લેવામાં આવતા સેમ્પલોની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે.

શહેરમાં ગણ સપ્તાહ દરમ્યાન થયેલ ત્રણચાર ઈંચ વરસાદના પગલે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. સાથે સાથે મેલેરેયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો રોગચાળો પણ વધી ગયો છે. જુલાઈ મહિનામાં મેલેરીયાના ૬૮૦ કેસ નોંધાયા હતા. જેની સામે ઓગષ્ટ મહિનામાં માત્ર ત્રણ દિવસમાં જ મેલેરીયાના ૧ર૦ કેસ બહાર આવ્યા છે. જ્યારે ડેન્ગ્યુના દસ કેસ નોંધાયા છે.

શહેરના નવા પશ્ચિમ ઝોનમાં ડેન્ગ્યુના કેસ વધી રહ્યા છે. ચાલુ વર્ષ દરમ્યાન ડેન્ગ્યુના ૧ર૯ કેસ નોંધાયા છે. જે પૈકી ૪ર કેસ નવા પશ્ચિમ ઝોનમાંથી બહાર આવ્યા છે. ચાંદલોડીયા વોર્ડમાં ડેન્ગ્યુના ૧૦ અને ગોતા વોર્ડમાં ૧૩ કન્ફર્મ કેસ નોંધાયા છે. જુલાઈ મહિનામાં ડેન્ગ્યુના ૮ર કેસ બહાર આવ્યા હતા. ડેન્ગ્યુના રોગચાળા માટે ઘરમાં જ સફાઈ રાખવી જરૂરી છે.

ર૦૧૯ના વર્ષમાં ચિકનગુનિયાના ૪૮ કેસ નોંધાયા છે. જે પૈકી જુલાઈ માસમાં જ ૧પ કેસ બહાર આવ્યા હતા. દક્ષિણ ઝોનમાં ચિકનગુનિયાના સૌથી વધુ ૧૬ કેસ નોંધાયા છે. ઝોનના લાંભા વોર્ડમાં ચિકનગુનિયાના દસ કેસ કન્ફર્મ થયા છે.

મ્યુનિસિપલના સુત્રોએ જણાવ્યુ હતુ કે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના રોગચાળો સપ્ટેમ્બર મહિનાથી શરૂ થાય છે. આગામી બે-ત્રણ મહીનામાં ડેન્ગ્યુના કેસ વધી શકે છે. મ્યુનિસિપલ આરોગ્ય ખાતા દ્વારા તકેદારીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. મેલેરિયા વિભાગ દ્વારા ફોગીંગ ઝુબેશ શરૂ કરવામાં આવનાર છે. સાથે સાથે યોગ્ય માત્રામાં દવા પણ છંટકાવ કરવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.