Western Times News

Gujarati News

રાજકોટમાં ૨૬૦૨ મેડિકલ બેડમાંથી ૧૯૭૭ ખાલી

રાજકોટ: રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર તથા સંબંધિત વિભાગ દ્વારા કોરોનાને કાબુમાં રાખવા અનેક પગલાઓ લેવામાં આવ્યા છે. જેમાં કોરોના દર્દીઓને સરકારી સ્તરે સારવાર મળી રહે તે માટે રાજકોટ જિલ્લામાં મેડિકલ બેડની ૨૬૦૨ સુવિધાઓ ઉપલબ્ધ છે. જેમાં ૧૯૮૯ બેડમાં ઓકિસજનની અને ૫૨૮ વેન્ટિલેટર બેડની સગવડો છે. જેમાં ભરેલા બેડ ૬૨૫ અને ખાલી બેડ ૧૯૭૭ છે. રાજકોટ જિલ્લામાં ૨૬૦૨ મેડિકલ બેડ આવેલા છે તેમાં પીડીયુ હોસ્પિટલના ૫૯૦, સમરસ હોસ્ટેલના ૫૬૦, ઈએસઆઈએસમાં ૪૧, કેન્સર હોસ્પિટલમાં ૧૯૨, ગોંડલમાં ૫૪, જસદણમાં ૨૪, ધોરાજીમાં ૩૫ અને પ્રાઇવેટ હોસ્પિટલમાં ૧૧૦૬ બેડનો સમાવેશ થાય છે.

રાજકોટ જિલ્લામાં ઓકિસજન સહિતના ૧૯૮૯ મેડિકલ બેડ આવેલા છે તેમાં પીડીયુ હોસ્પિટલના ૫૩૮, સમરસ હોસ્ટેલના ૩૪૦, ઈએસઆઈએસમાં ૪૧, કેન્સર હોસ્પિટલમાં ૧૭૭, ગોંડલમાં ૫૫, જસદણમાં ૨૪, ધોરાજીમાં ૩૫ અને પ્રાઇવેટ હોસ્પિટલમાં ૧૧૦૬ બેડનો સમાવેશ થાય છે. રાજકોટ જિલ્લામાં વેન્ટિલેટર સહિતના ૫૨૮ મેડિકલ બેડ આવેલા છે તેમાં પીડીયુ હોસ્પિટલના ૨૦૧ અને પ્રાઇવેટ હોસ્પિટલમાં ૩૨૭ વેન્ટિલેટર બેડનો સમાવેશ થાય છે.

મહત્વનું છે કે, જે રીતે દિવાળી બાદ કોરોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે તંત્ર પણ એલર્ટ બન્યું છે અને અલગ અલગ વિસ્તારોમાં ટીમો બનાવી કામગીરી હાથ ધરી છે. નોંધનીય છે કે, બુધવારે શહેરમાં નવા ૬૯ કેસ નોંધાયા હતા, જ્યારે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ૫૮ પોઝિટિવ દર્દી નોંધાયા છે.

સારવાર દરમિયાન રાજકોટ હોસ્પિટલમાં ત્રણ દર્દીનાં મોત થયા છે. રાજકોટ શહેરમાં તંતીપાર્ક, ગ્રીન વ્યૂ એપાર્ટમેન્ટ રવિપાર્ક, કોટેચાનગર, પ્રણામીપાર્ક, મવડી રોડ, જલજીત સોસાયટી, કસ્તૂરી પ્રાઇડ અમીન માર્ગ, સરદારનગર એસ્ટ્રોન ચોક પાસે, બંસરી સોસાયટી કાલાવડ રોડ, ન્યૂ અવધપાર્ક નવા થોરાળા, રેલવે કોલોની જામનગર રોડના વિસ્તારને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કરાયા છે જ્યારે જસદણ ગોંડલ, જેતપુરમાં માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.