Western Times News

Gujarati News

તું મારી વાત ના માને અને બીજા કોઈ કહે તો તું એમ કરે…

પંકિતા જી. શાહ

મને ખબર છે, આમેય હું કહીશ એમ તું નહીં જ કરે. મારો વ્યૂ તને હંમેશા ખોટો જ લાગે છે. તું બીજા કહેશે એમ કરીશ. આવું ઘણું બધું સાંભળ્યું હશે.

ઘણીવાર એક જ વાત બે અલગ અલગ વ્યક્તિ કહે તો એકની વાત સાથે સહમત ના થઈએ પણ એ જ વાત બીજી વ્યક્તિ કહે એમાં સહમત થઈએ, સાચી લાગે એનું કારણ શું? એનું કારણ એક જ છે વિશ્ર્‌વાસ. જે વ્યક્તિ વાત કહે છે એ વ્યક્તિનાં વિચાર, એનું વ્યક્તિત્વ. કારણકે ખબર હોય કે આ વ્યક્તિ હંમેશા પોતાનાં જ સ્વાર્થની વાત કરશે એવી વ્યક્તિ પર વાત સાચી હોય છતાં પણ ભરોસો ઓછો બેસે છે.

એક પતિ – પત્ની હતાં. પત્ની હંમેશા દરેક વાતમાં પતિને સલાહ આપે. આમ કરો. તેમ કરો. પણ પતિ તેની દરેક વાત માને નહીં. એકવાર પત્નીએ કહ્યું, તમે મારી વાત કેમ નથી માનતા અને બીજા કહે તો તરત માનો છો?

ત્યારે પતિએ કહ્યું, કે તારી વાત નહીં માનવાનો સવાલ જ નથી. પણ તું જે કરવાનું કહે છે એમાં ફક્ત ને ફક્ત તું તારો અને મારો જ વિચાર કરે છે. આપણાં બંનેનો વિચાર કરવો સારો છે પણ ઘરમાં બીજા પણ સભ્યો છે. આપણો કોઈ ર્નિણય એવો ના હોવો જોઈએ કે જેમાં ફક્ત આપણને ફાયદો થાય અને બીજાને નુકસાન. તારી જે વાત ન્યુટ્રલ હોય છે એ હું કરું જ છું.

જ્યારે કોઈ પણ ર્નિણય પક્ષપાત રીતે લેવાય તેમાં એકને ફાયદો તો બીજાને નુકસાન જાય છે. ઘણીવાર એવી પણ વ્યક્તિ હોય છે કે જેની પર એટલો ભરોસો મૂકી શકાય છે કે એ જે ર્નિણય લેશે તે બધાંને માન્ય રહેશે.

ક્યારેક લાગણીમાં આવીને ખોટા ર્નિણયો લઈ લેવાય છે અને પછી પસ્તાવો થાય છે. કોઈ પણ ર્નિણય લેતાં પહેલાં એની દરેક બાજુનાં પાસા વિચારી લેવા જોઈએ. પણ હા કોઈપણ વાતને લઈને એટલું બધું ના વિચારવું જોઈએ કે હાથમાંથી સમય જ જતો રહે.

બે મિત્રો હતાં. એમાં એક મિત્ર હંમેશા કોઈ પણ ર્નિણય જેમાં એ ર્નિણય ના લઈ શકતો હોય એ ર્નિણય લે તે પહેલાં તેનાં એક ખાસ મિત્રને પૂછે. એટલે એકવાર એનાં કલિગે કહ્યું, યાર તું તારાં ર્નિણયમાં કેમ તારાં ફ્રેન્ડને ઈન્વોલ્વ કરે છે? ત્યારે એ મિત્રએ કહ્યું, કે મને વિશ્વાસ છે કે એ જે ર્નિણય લેશે એ બરાબર જ હશે. એ ક્યારેય મારું ખરાબ નહીં ઈચ્છે. મારી જગ્યાએ પોતાની જાતને મૂકીને એ મારો ર્નિણય લેશે. ક્યારેક હું લાગણીમાં આવી જાઉં છું ત્યારે મને ખબર નથી પડતી કે શું કરવું. ત્યારે હું મારાં આ મિત્રની સલાહથી ર્નિણય લઉ છું. અને હજી સુધી મને ક્યારેય એનાથી નુકસાન કે તકલીફ નથી થઈ. હું આંખ બંધ કરીને એની પર વિશ્વાસ કરી શકું છું.

નસીબદાર છે એ લોકો જેનાં જીવનમાં એવાં મિત્રો છે કે જેની પર આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકાય છે.

ફક્ત અંગત સ્વાર્થ ખાતર ર્નિણય લેતાં લોકોની વાતમાં બહુ ઓછાં લોકો સહમત થાય છે. કારણકે દરેક વ્યક્તિની એક સિક્સ સેન્થ હોય છે જેનાંથી વ્યક્તિનાં વિચારોનો ખ્યાલ આવી જાય છે.

advt-rmd-pan

એક ભાઈ એક સંત પાસે આવ્યા. ભાઈએ સંતને કહ્યું, ગુરુજી હું ધર્મ બહુ નથી કરી શકતો. મંદિર નથી જઈ શકતો. ત્યારે સંતે કહ્યું, ભાઈ તમે જે કરો છો એ સાચો ધર્મ જ છે. તમે ક્યારેય કોઈની સાથે ખોટું નથી કર્યું. તમે ચાર ભાઈઓ છો એમાં સૌથી મોટા તમે છો. તમારાં સંતાનના ઘરે પણ સંતાન છે છતાં પણ તમે બધાં જ એક છત નીચે સાથે રહો છો અને હળી મળીને ધંધો કરો છો. એનું કારણ તમે જ છો.

કારણકે તમે ક્યારેય તમારો પોતાનો સ્વાર્થ નથી જોયો. તમે ક્યારેય કોઈને અન્યાય નથી થવા દીધો. તમારી તટસ્થતાનાં લીધે જ તમારી દરેક વાતમાં બધાં જ સહમત થાય છે અને તમે બધાં ભેગા રહો છો. છેલ્લે… ફક્ત પોતાનો જ સ્વાર્થ વિચારતી વ્યક્તિ અંતમાં તો એકલી જ પડી જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.