Western Times News

Gujarati News

કોરોના સામેની લડાઈમાં હાઈકોર્ટના નિર્દેશો આવકારદાયક

File

સરકારે નાગરિકો પ્રત્યે કુણુ વલણ દાખવતા હાઈકોર્ટે લીધેલી ગંભીર નોંધ: ગુજરાત હાઈકોર્ટના ઐતિહાસિક ચુકાદાને વ્યાપક આવકાર: માસ્ક નહીં પહેરનાર હવે કોવિડ સેન્ટરમાં ફરજ બજાવશે: અગાઉ માસ્ક નહીં પહેરનારને દંડ વસુલવાના મુદ્દે પણ હાઈકોર્ટે સરકારને મહત્વપૂર્ણ નિર્દેશો આપી રૂા.૧ હજારનો દંડ વસુલવા આદેશ આપ્યો હતો: નેતાઓ ભીડ એકઠી કરતા હવે તેઓની સામે પણ કડક પગલાં ભરાશે: કોરોના સામેની લડાઈમાં નાગરિકો પણ સમજદાર બને તે જરૂરી

દેશભરમાં શિયાળાની શરૂઆત થતાંની સાથે જ કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહયો છે. કોરોનાની રસી હવે હાથવેંતમાં જ છે ત્યારે નાગરિકોની લાપરવાહી પરિસ્થિતિને વધુ વિકટ બનાવી રહી છે તેના પરિણામે આજે ગુજરાત, રાજસ્થાન સહિત અનેક રાજયોમાં ફરી એક વખત નિયંત્રણો લાદવામાં આવી રહયા છે અને રાત્રિ કરફ્‌ર્યુ પણ કડકાઈથી લાગુ કરી દેવાયો છે.

સરકારે બહાર પાડેલી ગાઈડલાઈનનો ખુલ્લેઆમ નાગરિકોએ ભંગ કરતા ફરી એક વખત કોરોનાના કેસો વધવા લાગતા સરકારી તંત્ર સફાળુ જાગ્યુ છે. આ પરિસ્થિતિમાં ગુજરાત હાઈકોર્ટે કડક ટિપ્પણી કરી સરકાર પાસે જવાબ માંગ્યો છે અને માસ્ક નહીં પહેરનારને કોવિડ કેર સેન્ટરમાં સેવા કરવા માટે મોકલી આપવાનો નિર્દેશ આપ્યો હતો રાજય સરકારે પ્રારંભમાં ગુજરાત હાઈકોર્ટના આ આદેશ ના અમલ અંગે અસમંતી દર્શાવી હતી પરંતુ હાઈકોર્ટે આ અંગેનો હુકમ જ કરી દેતા અને આ માટે રાજય સરકારને પરિપત્ર બહાર પાડવાનો પણ આદેશ આપી દીધો છે.

ગુજરાત હાઈકોર્ટના આ આદેશ ને મોટાભાગના નાગરિકોએ આવકાર્યો છે અને સુપર સ્પ્રેડર બનીને ખુલ્લેઆમ ફરતા નાગરિકો સામે કડક કાર્યવાહી કરવાની આ પહેલને આવકારદાયક ગણાવી છે. અગાઉ માસ્ક નહીં પહેરનાર પાસેથી રપ૦ થી પ૦૦ રૂપિયાનો દંડ વસુલાતો હતો પરંતુ હાઈકોર્ટે રૂા.૧૦૦૦ વસુલવાનો આદેશ આપ્યો હતો આમ ફરી એક વખત ન્યાય તંત્રએ કોરોના સામેની લડાઈમાં મહત્વપૂર્ણ નિર્દેશો આપી સરકારી તંત્રને દિશા બતાવી છે.

ચીનમાંથી ફેલાયેલા કોરોના વાયરસે વિશ્વના અનેક દેશોમાં વ્યાપક પ્રમાણમાં પગપેસારો કરી લાખો નાગરિકોને સકંજામાં લીધા છે. અમેરિકા, રશિયા, ભારત સહિતના દેશો કોરોના સામે લડાઈ લડી રહયા છે. અમેરિકામાં સૌથી વધુ ખરાબ સ્થિતિનું નિર્માણ થયું છે. ભારતમાં પણ કોરોનાના કેસો ઘટયા બાદ ફરી એક વખત તેમાં વધારો થઈ રહયો છે.

રશિયાએ સૌ પ્રથમ કોરોનાની વેકસીન શોધ્યાનો દાવો કર્યો છે અને તેની રસીનું વિતરણ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. વિશ્વના મોટાભાગના દેશોમાં કોરોના સામેની લડાઈમાં સરકારે ગાઈડ લાઈન જાહેર કરી છે. સ્થાનિક નાગરિકો આ ગાઈડ લાઈનનો ચુસ્તપણે અમલ કરી રહયા છે જે દેશમાં ગાઈડલાઈનનો અમલ થતો નથી તે દેશમાં કોરોનાની સ્થિતિ વિકટ બની રહી છે.

અમેરિકામાં પણ કંઈક આવું જ જાેવા મળી રહયું છે. હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ માટે હવે બેડ ખાલી નથી અમેરિકામાં સૌથી વધુ કોરોનાથી મૃત્યુ નોંધાયા છે અને કેસ પણ સૌથી વધુ અહીંયા જ નોંધાયા છે. ભારતમાં કોરોના સામેની લડાઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉન જાહેર કર્યું હતું.

લોકડાઉન દરમિયાન તમામ ધંધા-રોજગારો બંધ થઈ ગયા હતાં જાેકે લોકડાઉનના કારણે કોરોના વધુ ફેલાતો અટકી ગયો હતો. પરંતુ ત્યારબાદ અનલોકમાં તબક્કાવાર છુટછાટો આપી હતી અને તમામ ધંધા-રોજગારો ફરી ધમધમતા થયા હતાં આ ઉપરાંત જનજીવન પણ પુનઃ ધબકતું થઈ ગયું હતું.

અનલોકમાં અપાયેલી છુટછાટોના પરિણામે તથા દિવાળીના તહેવારોમાં નાગરિકોએ ગાઈડ લાઈનનો ખુલ્લેઆમ ભંગ કરી બજારમાં ખરીદી કરવા નીકળી પડયા હતાં સંખ્યાબંધ લોકો માસ્ક ફરતા જાેવા મળ્યા હતાં આ દ્રશ્યો જાેઈ પ્રબુધ્ધ નાગરિકો ચોંકી ઉઠયા હતાં સરકારી તંત્ર પણ મુક પ્રેક્ષક બનીને તમાશો જાેતું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આખરે આ લાપરવાહીનું પરિણામ આવવાનું શરૂ થઈ ગયું છે. ફરી એક વખત ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહયો છે. ગુજરાતની સાથે સાથે દિલ્હી, રાજસ્થાન સહિતના રાજયોમાં પણ આજ પરિસ્થિતિ જાેવા મળી રહી છે.

ગુજરાત સરકારે સર્જાયેલી પરિસ્થિતિના પગલે અમલમાં મુકેલી છુટછાટોમાં ફરી એક વખત નિયંત્રણો લાદવાની શરૂઆત કરી દીધી છે. સૌ પ્રથમ અમદાવાદ શહેરમાં સપ્તાહના અંતિમ દિવસોમાં કરફ્‌ર્યુ લાદી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ હવે રાજયના ચાર મોટા શહેરોમાં રાત્રિ કરફ્‌ર્યુનો અમલ શરૂ કરી દેવાયો છે.

અનલોકમાં છુટછાટો આપવામાં સરકારોએ અતિશયોકિત બતાવી હોય તેવું ખુલ્લેઆમ ચર્ચાઈ રહયું છે છુટછાટ દરમિયાન મોડી રાત સુધી મોટા શહેરોમાં ખાણી-પીણીના બજારો ધમધમવા લાગ્યા હતાં અને તેમાં સરકારી ગાઈડ લાઈનનો પણ અમલ જાેવા મળતો ન હતો. અગાઉ રાત્રિ કરફ્‌ર્યુનો અમલ હતો પરંતુ અનલોકમાં અપાયેલી તબક્કાવાર છુટછાટમાં પણ રાત્રિ કરફ્‌ર્યુ ઉઠાવી લેતા કેટલાક નાગરિકો સરકારના આ પગલાંની ટીકા કરતા હતાં. રાત્રિ કરફ્‌ર્યુના કારણે ધંધા-રોજગારને કોઈ અસર થવાની ન હતી તેમ છતાં રાત્રિ કરફ્‌ર્યુ ઉઠાવી લેવામાં આવતા લોકો મોડી રાત સુધી ફરતા જાેવા મળ્યા હતાં. આજે રાજયમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસનો આંક ૧પ૦૦થી વધુ નોંધાઈ રહયો છે જે ચિંતાજનક બાબત છે.

advt-rmd-pan

રાજયમાં વધી રહેલા કોરોનાના કેસોની વચ્ચે સરકારી તંત્ર હોસ્પિટલોમાં બેડ વધારવાની કવાયત કરી રહી હતી ત્યારે ગુજરાત હાઈકોર્ટે કોરોના વાયરસ સામે વધુ એક વખત મહત્વપૂર્ણ નિર્દેશો આપી દીધા છે. અગાઉ માસ્ક નહીં પહેરનાર સામે રાજયભરમાં અલગ અલગ દંડ વસુલવામાં આવતો હતો.

હાઈકોર્ટે સૌ પ્રથમ આ મુદ્દે સરકારી તંત્રને સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો. કોરોના વાયરસને અટકાવવા માટે સૌથી મહત્વપૂર્ણ માસ્ક પહેરવું ફરજીયાત છે અને માસ્ક નહીં પહેરનાર સામે ગુજરાત હાઈકોર્ટે રૂા.૧૦૦૦ નો દંડ વસુલવા માટેનો સ્પષ્ટ આદેશ આપી દીધો હતો હાઈકોર્ટના આ આદેશ બાદ દંડ વસુલવાની કામગીરી શરૂ થઈ હતી તેમ છતાં દિવાળીના તહેવારોમાં સરકારી ગાઈડ લાઈનનો ભંગ થતાં પરિસ્થિતિ વિકટ બનવા લાગી છે. ફરી એક વખત હાઈકોર્ટે કોરોના વાયરસને ગંભીરતાથી ન લેનાર, માસ્ક નહીં પહેરનાર નાગરિકો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપી દીધો છે.

હાઈકોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે માસ્ક નહીં પહેરનાર નાગરિકો ઝડપાય તો તેને કોવિડ સેન્ટરમાં નોન મેડીકલ ફેસીલીટી સેવા માટે ફરજ પર મુકવાનો આદેશ કર્યો છે. એકલું માસ્ક જ નહીં પરંતુ સોશ્યલ ડીસ્ટન્સ સહિત તમામ નિયમોનું પાલન કરવું જરૂરી છે અને તેનો ભંગ કરનાર સામે હવે આ કાર્યવાહી થશે. રાજય સરકારે અગાઉ હાઈકોર્ટના આ નિર્દેશની સામે સવાલો રજુ કર્યાં હતાં .

પરંતુ કોરોના વાયરસની હજુ રસી બજારમાં આવી નથી ત્યારે તેને વધુ ફેલાતો અટકાવવો ખૂબ જ જરૂરી છે અને આ માટે કડક કાર્યવાહી કરવી ખૂબ જ આવશ્યક છે. હાઈકોર્ટના આ આદેશનો હવે ચુસ્તપણે અમલ થશે. ગુજરાતમાં ખાસ કરીને શહેરોમાં આ નિયમનો તાકિદે અમલ કરવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટે અગાઉ પણ કોરોના સામેની લડાઈમાં મહત્વપૂર્ણ નિર્દેશો આપેલા છે. ખાસ કરીને ભીડ એકત્ર કરતા નેતાઓની ટીકા કરવામાં આવી છે.

હાઈકોર્ટે આપેલા મહત્વપૂર્ણ નિર્દેશો છતાં હજુ પણ રાજયમાં કેટલાક નેતાઓ ખુબ જ બેદરકાર બનીને લોકોની ભીડને એકઠી કરી રહી છે. ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં જ રાજયના પૂર્વ મંત્રી કાંતિ ગામીતની પૌત્રીના સગાઈમાં માનવ મેદની એકઠી થઈ હતી અને આ ઘટના સમગ્ર રાજયમાં ભારે ચર્ચાસ્પદ બની છે. ગુજરાત હાઈકોર્ટે આ અંગે રાજય સરકારને શું કાર્યવાહી કરી તે અંગે પુછતા જ હવે સરકારી તંત્ર સતર્ક બન્યું છે અને આ અંગેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.