Western Times News

Gujarati News

દેશમાં વેક્સિન પહોંચાડવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ

મુંબઈ, ભારતમાં ઘર આંગણે જ કોરોના વાયરસની વેક્સીન વિકસાવવાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. હવે આ વેક્સીનને દેશના ખુણે ખુણા સુધી પહોંચાડવાની પણ તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે. મુંબઈ એરપોર્ટ પર તો વેક્સીન મેનેજમેન્ટની તૈયારીઓ પણ હાથ ધરી દેવામાં આવી છે. આ ઉપરાંત દેશના અનેક એરપોર્ટ્‌સને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના જનરલ મેનેજર જે.પી. સિંહે જણાવ્યું હતું કે, અમારાં તમામ એરપોર્ટ તૈયાર છે. સરકારનો નિર્દેશ મળતાં જ અમે વેક્સિન લોજિસ્ટિક્સનું કામ શરૂ કરી દઈશું. દિલ્હી એરપોર્ટના મીડિયા રિલેશન મેનેજર સર્વોત્તમે કહ્યું હતું કે, અમે સંપૂર્ણપણે તૈયાર છીએ. અમારી પાસે ૧.૫ લાખ મેટ્રિક ટન કોલ્ડ ચેઈન સ્ટોરેજની ક્ષમતા છે.
મુંબઈ તો આ મામલામાં પણ બે ડગલાં આગળ છે. અહીં છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વેક્સિન મેનેજમેન્ટ માટે ઝડપથી એક ટાસ્કફોર્સ બનાવાઈ રહી છે. આ ફોર્સ એરપોર્ટ પર ગ્રાહકો, કંપનીઓ અને સરકારી સંસ્થાઓ વગેરે વચ્ચે સેતુનું કામ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે વેક્સિન વિકસિત અને ઉત્પાદન કરી રહેલી ત્રણ ટીમ સાથે ઓનલાઈન બેઠક કરી હતી, જેમાં જિનોવા બાયોફાર્મા, બાયોલોજિકલ ઈ અને ડૉ. રેડ્ડીના પ્રતિનિધિઓ સામેલ હતા. આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ અપીલ કરી હતી કે, વેક્સિન સાથે સંકળાયેલી તમામ બાબતો લોકોને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરો. આ દરમિયાન મોદીએ વેક્સિનની મંજૂરીને લગતી પ્રક્રિયા અને બીજા મામલામાં સૂચનો માંગ્યાં હતાં.

દુનિયાની વસતી આશરે સાત અબજ છે. પ્રતિ વ્યક્તિ બે ડોઝના હિસાબે આ તમામ માટે ૧૪ અબજ ડોઝની જરૂર પડે. ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના સીઈઓ એલેક્ઝાન્ડર ડે જુનૈકે કહ્યું હતું કે, દુનિયાભરમાં વેક્સિન ટ્રાન્સપોર્ટેશન જ સૌથી જટિલ કામ છે. આ માટે ૧૧૦ ટન ક્ષમતા ધરાવતા જમ્બો જેટબોઈંગ-૭૪૭ વિમાનોએ ઉડાન ભરવી પડશે.

અહેવાલો પ્રમાણે, આકરી સુરક્ષા વ્યવસ્થા સાથે આ ટાસ્કફોર્સ ઓછા તાપમાન ધરાવતા સ્ટોરનું મેનેજમેન્ટ કરશે. નિયામક સંસ્થાઓ પાસેથી જરૂરી મંજૂરી લઈને વેક્સિનના પરિવહનમાં લાગતા સમયને ઓછો કરવા પર ધ્યાન અપાશે. ઉત્પાદનથી લઈને લોકોને વેક્સિન લગાવવા સુધી કોલ્ડ સ્ટોરેજ ચેઈનની વ્યવસ્થા જોશે. મુંબઈ એરપોર્ટ પર અઠવાડિયાના સાતેય દિવસ ૨૪ કલાક ચાલનારું કસ્ટમર કેર સર્વિસ સેન્ટર બનશે. ત્યાં દેશમાંથી આયાત-નિકાસ થનારી વેક્સિન સાથે સંકળાયેલી તમામ મુશ્કેલીઓના ઉકેલ મળશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.