Western Times News

Gujarati News

અમદાવાદ મહાનગરપાલિકાની મુદત સફળતાપૂર્વક પૂર્ણ થતાં યોજાયેલ રાત્રી ભોજ સમારંભમાં ઉપસ્થિત રહેતાં મુખ્યમંત્રી

મેયર બંગલાનું નવું રિસ્ટોરેશન નિહાળી, નવા બનેલાં કોન્ફરન્સ હોલનું ઉદ્ઘાટન કરતા મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદ નગરપતિ નિવાસના નવા રિસ્ટોરેશનને નિહાળી નવાં બનેલા કોન્ફરન્સ હોલનું આજે સાંજે ઉદ્ઘાટન કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુદત પૂર્ણ થતા છેલ્લા પાંચ વર્ષમાં કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલ તથા પૂર્ણ થયેલ વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ લો ગાર્ડન ખાતે આવેલ નગરપતિ નિવાસ ખાતે યોજાયેલ સમીક્ષા બેઠકમાં જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ સૌથી વધુ અસર થઇ હતી પરંતુ એસ.વી.પી. હોસ્પિટલ સહિતની હોસ્પિટલો દ્વારા જે શ્રેષ્ઠતમ સારવાર શહેરીજનોને પૂરી પાડવામાં આવી તેનાથી શહેરમાં સંક્રમણને મોટા પાયા પર અટકાવી શકાયું છે.

તેમણે કોર્પોરેશન દ્વારા ૧૫ લાખ વૃક્ષોનુ વાવેતર, કચરાના નિકાલની વ્યવસ્થા, જાહેર પરિવહન વ્યવસ્થા, રિવરફ્રન્ટ, ફ્લાવર શો વગેરે જેવી સુવિધાઓ ઊભી કરી ‘જ્યાં માનવી ક્યાં સુવિધા’ નો મંત્ર ચરિતાર્થ કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, અમદાવાદ શહેર માણવાલાયક સાથે જીવવાલાયક બની ઝડપથી વિકસતું શહેર બન્યું છે.

તેમણે શહેરીજનો માટે વિવિધ સુવિધાઓ ઊભી કરી શહેરને ઉત્તમ થી સર્વોત્તમ બનાવાની નેમ વ્યક્ત કરતાં કહ્યું કે, ‘અમે જે કહ્યું છે, તે કર્યું છે.’

કાયદા રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના કાળમાં કરેલા કાર્યની સરાહના કરતાં કહ્યું કે, ૧૦૪ વાનને ફોન કરતાં જ તમારા ઘરના આંગણે આવીને ઊભી રહે અને તાત્કાલિક આરોગ્ય સારવાર મળે તેવું સુદ્રઢ વ્યવસ્થા તંત્ર કોર્પોરેશન દ્વારા ઉભુ કરાયું છે.

અમેરિકા, ઈઝરાયેલ, ચાઇના વગેરે દેશોના વડાઓ છેલ્લાં થોડા સમયમાં અમદાવાદની મુલાકાતે પધાર્યા છે તે દ્રષ્ટિએ અમદાવાદ શહેર હવે ‘ઈન્ટરનેશનલ ડેસ્ટિનેશન બન્યું છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અમદાવાદ મહાનગરપાલિકાની મુદત સફળતાપૂર્વક પૂર્ણ થતાં આજના છેલ્લા દિવસે નગરપતિ નિવાસ ખાતે યોજાયેલા ભોજન સમારંભમાં પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ રાત્રી ભોજ સમારંભમાં મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઈ પટેલ, કાયદા રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા, ભાજપના વરિષ્ઠ આગેવાન શ્રી આઇ.કે.જાડેજા, અમદાવાદના ધારાસભ્યશ્રીઓ, ડેપ્યુટી મેયર દિનેશભાઈ મકવાણા, કોર્પોરેટરશ્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.