Western Times News

Gujarati News

જે દેશનું છે તે દરેક દેશવાસીનુ, જેનો લાભ દરેકને મળવો જોઈએ: મોદી

નવી દિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં ભાગ લીધો. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુ કે જે પણ આ દેશનું છે, તે દરેક દેશવાસીનું છે અને તેનો લાભ દરેકને મળવો જોઈએ. પીએમ મોદીના આ નિવેદનને પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ દ્વારા આપવામાં આવેલા આ નિવેદનને જવાબ માનવામાં આવી રહ્યો છે. જેમાં તેમણે દેશની સંપત્તિ લઘુમતીઓના પહેલા અધિકારની વાત કહી હતી.

શતાબ્દી સમારોહને સંબોધિત કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સરકારના કાર્યોનું વર્ણન કર્યુ. સાથે જ તે યોજનાઓને ગણાવી જેના દ્વારા દેશના દરેક નાગરિકને લાભ મળી રહ્યો છે.

આ દરમિયાન પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યુ, સર સૈયદનો સંદેશ કહે છે કે દરેકની સેવા કરો, ભલે તેનો ધર્મ અથવા જાતિ કોઈ પણ હોય. આવી જ રીતે દેશની દરેક સમૃદ્ધિ માટે તેનો દરેક સ્તર પર વિકાસ હોવો જરૂરી છે. આજે દરેક નાગરિકને કોઈ ભેદભાવ વિના વિકાસનો લાભ મળી રહ્યો છે. પીએમએ કહ્યુ કે નાગરિક સંવિધાનથી મળેલા અધિકારોને લઈને નિશ્ચિંત રહે, સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ જ સૌથી મોટો મંત્ર છે. જે દેશનું છે, તે દરેક દેશવાસીનુ છે અને તેનો લાભ દરેકને મળવો જોઈએ.

પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે યુપીએના પહેલા કાર્યકાળમાં એક નિવેદન આપ્યુ હતુ, જેની પર ઘણો વિવાદ થયો હતો. ડિસેમ્બર 2006માં રાષ્ટ્રીય વિકાસ પરિષદની બેઠકને સંબોધિત કરતા મનમોહન સિંહે કહ્યુ હતુ કે દેશના લઘુમતીઓનો અહીંના સંસાધનો પર પહેલો હક છે.

મનમોહન સિંહે પોતાના સંબોધનમાં કહ્યુ હતુ, સમાજના તમામ પછાત અને અલ્પસંખ્યક વર્ગો ખાસ કરીને મુસલમાનોને વિકાસના લાભમાં બરાબરની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે તેમનુ સશક્તિકરણ કરવા જવાની જરૂર છે, દેશના સંસાધનો પર પહેલો હક તેમનો જ છે.

ભારતીય જનતા પાર્ટી વિપક્ષમાં હતી અને આ નિવેદનને લઈને ઘણો હોબાળો કર્યો હતો. ભાજપ તરફથી કોંગ્રેસ અને તત્કાલીન યુપીએ સરકાર પર મુસ્લિમ તુષ્ટિકરણનો આરોપ લગાવ્યો હતો. માત્ર ત્યારે નહીં પરંતુ લાંબા સમય સુધી ભાજપ આ નિવેદનને ઉછાળતી રહી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.