Western Times News

Gujarati News

ભરૂચના મુલદ ટોલ પ્લાઝા પર સ્થાનિકો પાસેથી ટોલ વસૂલવા સામે યુથ કોંગ્રેસનો વિરોધ

આવેદનપત્ર પાઠવી ૪૮ કલાક માં ટોલ મુક્તિની કાર્યાવાહી કરવા અલ્ટીમેટમ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી.             

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચના નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર મુલદ ટોલ ટેક્સ પર સ્થાનિક વાહનો પાસેથી ટોલ લેવાનો મામલે ભરૂચ જીલ્લા યુથ કોંગ્રેસે જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આગામી ૪૮ કલાકમાં સ્થાનિક વાહનો પાસેથી ટોલ વસુલાતનો નિર્ણય પરત નહિ લેવાયતો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

આગામી ૧લી જાન્યુઆરી થી સમગ્ર દેશ માં ટોલબુથ પર ફાસ્ટેગ ફરજીયાત કરવા નો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.તે અંતર્ગત ભરૂચ ના મૂલદ  ટોલ બુથ પર પણ ટોલ વસુલવામાં આવનાર છે.જેમાં સ્થાનિકો પાસે પણ ટોલ વસુલવાના અહેવાલ ના પગલે ભરૂચ જીલ્લામાં વિરોધ વંટોળ ઉભો થયો છે. જે સામે ભરૂચ જીલ્લા યુથ કોંગ્રેસે વિરોધ દર્શાવી સ્થાનિકો પાસે ટોલ વસુલવાનો નિર્ણય પરત ખેંચવાની  માંગ સાથે ભરૂચ જીલ્લા કલેકટર અને એન.એચ.આઈ.એ ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.જીલ્લા કલેકટર કચેરી સંકુલ ખાતે  કોંગી અગ્રણીઓ અને કાર્યકરોએ એકત્રિત થઈ ટોલ ટેક્સ નાબૂદ કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવી મૂક્યું હતું.

યુથ કોંગ્રેસ દ્વારા કલેકટરને પાઠવવામાં આવેલ આવેદનપત્ર માં જણાવાયુ છે કે ભરૂચ જીલ્લાના ઝાડેશ્વર ગામની હદમાં આવેલ નેશનલ હાઈવે નંબર ૪૮ ભરૂચ – અંકલેશ્વરને જોડતો ઈ.ટી.સી બેઝથી ભારત કેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં જોગવાઈ કરી બનાવવામાં આવેલ કેબલ બ્રીજ નજીક ગેર કાયદેસર ટોલનાકું બનાવવામાં આવેલ છે.ઈ.ટી.સી બેઝ માં ટોલ વસુલવાની કોઇ જોગાવઈ છે નહી તેમ છતા ગેરકાયદેસર ટોલનાકુ ઉભુ કરી પ્રજા પાસે વધારાના નાણા પડાવવા સડયંત્ર રચેલ છે.ઈ.ટી.સી બેઝ કેબલ બ્રીજ તૈયાર થયાને અંદાજીત ૩૬ માસની ઉપર સમય વીતી ગયેલ હોય શરૂઆતમાં ભરૂચ વાસીઓ પાસેથી ટોલ ઉધરવાનુ ચાલુ કરેલ

પરંતુ વાંરવાર રજુઆત કરતા ટોલ વસુલ કરવાનું બંધ કરેલ પરંતુ હાલ અચાનક રાતો રાત ૦૧/૦૧/૨૦૨૧ થી ભરૂચ વાસીઓ પાસેથી પણ ટોલ વસુલવામાં આવશે તેવો કાયદો લાગુ કરેલ છે.જે સદંતર ભરૂચની પ્રજાના હિત વિરૂધનું છે.આ બ્રીજની નજીક પણ કેટલીક વસ્તી છે સોસાયટીઓ છે,કોમર્શિયલ ધંધાદારી વેપારીઓ છે . અંકલેશ્વર – ઝઘડીયા કંપનીઓમાં કામદારો નોકરીયાતો રોજે રોજ અપડાઉન કરે છે.

ઉગ્ર રજુઆત છે કે તાત્કાલીક ધોરણે આ ટોલ નાબુદ  કરવામાં આવે  ભરૂચના સ્થાનિક રહીશ હોવાનો પુરાવો બતાવી વિના ટોલ વસુલે અવરજવર કરવા દેવામાં આવે.આગામી  ૪૮ કલાકની સમયમર્યાદામાં તેનો અમલ નહિ  કરવામાં આવે તો ટોલ વસુલાત વિરુદ્ધ ભરૂચ જીલ્લા યુવા કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન ચલાવવાની ચીમકી પણ ઉચ્ચરવામાં આવી છે.

આવેદનપત્ર પાઠવવામાં ભરૂચ જીલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ સાથે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા,પાલિકા વિપક્ષના પૂર્વ નેતા શમસાદઅલી સૈયદ,શહેર કોંગ્રેસ પ્રમુખ વિક્કી સોખી,મહિલા પ્રમુખ જ્યોતિબેન તડવી સહિત અન્ય અગ્રણીઓ અને કાર્યકરો  ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.