Western Times News

Gujarati News

ઝઘડિયા તાલુકાના ૧૮ ગામોને જોડતો માર્ગ તદ્દન બિસ્માર બન્યો

સતત ઓવરલોડ તેમજ પાણી નિતરતી ચાલતી રેતીની ટ્રકો ના કારણે હજારો સ્થાનિક ગ્રામજનો ખરાબ માર્ગનો ભોગ બની રહ્યા છે.

છેલ્લા પાંચ વર્ષમાં કરોડો રૂપિયા આ રોડ પર ખર્ચ કર્યા બાદ પણ ઓવરલોડ તેમજ પાણીની નિતરતી રેતી વહનના કારણે રોડ પાછળ ખર્ચેલા રૂપિયા પાણીમાં ગયા છે.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ઝઘડિયા તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલી રેતીની લીઝોના કારણે કાંઠા વિસ્તારના ગામોના સરદાર પ્રતિમા હાઈવેને જોડતા ગ્રામ્ય રોડ ઓવરલોડ તેમજ પાણીની નીતરતી રેતી વહનના કારણે તદ્દન બિસ્માર બન્યા છે. રાજપારડી થી વણાકપોર ભાલોદ, ટોઠીદરા, તરસાલી રોડ તથા ઉમલ્લા થી અશા, પાણેથા,ઈન્દોર, વેલુગામ રોડ બિસ્માર બન્યા છે.વિકસિત ગુજરાતના દાવા તો ઘણા થયા પંરતુ આજે પણ અંતરિયાળ વિસ્તારોમાં વિકાસને પહોંચતા પહોંચતા સમય લાગી રહ્યો છે તે કડવી વાસ્તવિકતા છે.

ઝઘડીયા તાલુકાના રાજપારડી થી ભાલોદ, ટોઠીદરા,તરસાલી, ઓર પટાર રોડ તથા ઉમલ્લા‌ થી પાણેથા,ઈન્દોરને જોડતો માર્ગ એટલી હદે બિસ્માર બન્યો છે કે ગામ માં કોઈ મહેમાન તો દૂર ની વાત રહી યુવાનોને છોકરીઓ પણ હવે આ રસ્તાના કારણે આપતા ન હોવાનું સામે આવી રહ્યું છે.ઝઘડિયા તાલુકાના ઉમલ્લાથી પાણેથા, ઇન્દોર સહિતના ૧૮ થી વધુ  ગ્રામ્ય વિસ્તારોને જોડતો માર્ગ આજે તદ્દન બિસ્માર હાલત માં જોવા મળી રહ્યો છે.

સતત ઓવરલોડ રેતીના ચાલતા વાહનોના કારણે આ માર્ગ પર મસમોટા ૪ થી ૫ ફૂટ ઊંડા ખાડા અને ઉબડ ખાબડ થઇ ગયો છે.આખો માર્ગ ગાડી ચલાવવા તો દૂર ની વાત રહી પગપાળા ચાલવા લાયક પણ રહ્યો નથી તેવી પરિસ્થિતિનું સર્જન થઈ રહ્યું છે.ખેતી અને નોકરી પર નિર્ભર અહીંયાના લોકો માટે આ માર્ગ જાણે કે આફત સમાન બન્યો છે.

ગામના યુવાનોને હવે છોકરીઓ પણ આ ગામડાઓના ખરાબ રસ્તાઓના કારણે મળતી ન હોવાના બનાવો સામે આવી રહ્યા છે.આ ગામોને જોડતા માર્ગ પર કોઈ ભૂલે ચુકે મહેમાન પ્રવેશી જાય તો આખું જીવન ફરી મહેમાન ગતિ માણવા ન આવે તેમ અહીંયા ના રસ્તા જોઈને સ્પષ્ટ રીતે કહી શકાય તેમ છે.

આ રસ્તા પર તમે જાઓ તો માર્ગ પર કાર ચાલે છે કે દરિયામાં કોઈ હોડી તેમ અનુભવ થાય છે, ખેતરોમાં પાક તૈયાર થયા બાદ કોઈ વાહન થકી તેને શહેરમાં પોહોંચાડવો હોય તો વાહન ચાલક પણ રસ્તા જોઈને ડબલ ભાડું અથવા તો આવતા જ ન હોવાનું પણ બને છે.

આ રસ્તા અંગે આ ગ્રામજનોએ અનેક વાર તંત્રમાં રજુઆત કરી પંરતુ તંત્રની કહેતા ભી દીવાના સુનતા ભી દીવાનાની નીતિ જાણે કે આ વિસ્તારના હજારો લોકો માટે નર્ક સમાન બની રહી છે, ખરાબ માર્ગ ના કારણે ૧૮ થી વધુ ગામના લોકો ને નથી એસ.ટી બસ ની સુવિધા મળતી કે નથી ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ અહીંયા સરળતા થી પહોંચી શકતી,આ તમામ તકલીફોમાં આ ગ્રામજનો હાલમાં જાય તો જાય ક્યાં તેવી સ્થિતિ માં મુકાયા છે.

હાલ તો રસ્તા અંગે જ્યારે તંત્રને લોકો પૂછે છે તો કામ ટુક સમય માંજ શરૂ જ થવાનું છે તેવા લોલીપોપ અધિકરીઓ દ્વારા પકડાવવા માં આવે છે, ચૂંટણીઓમાં જનતાના મત લઈ ન દેખાતા નેતાઓએ પણ આ દ્રશ્યો જોઈને યાદ રાખવુ જોઈએ કે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓ નજીક માં જ છે જે જનતા તમને ચૂંટે છે એ જ જનતા તમને ઘરે ભેગા પણ કરવાની ક્ષમતા ધરાવે છે એટલે વહેલી તકે જાગૃતિ દર્શાવી સાચા અને ખરા અર્થમાં જન સેવકો પ્રજાને પડતી આ પ્રકારની તકલીફો દુર કરે એ ઈચ્છનીય છે.

ઝઘડિયા તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલ લીઝો ના ગામડાના અને સરદાર પ્રતિમા થી કાંઠા વિસ્તારને જોડતા ગ્રામીણ રસ્તાઓની હાલત ખરાબ હોવાના કારણે આજરોજ ઝઘડીયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જો સત્વરે ઉમરલા થી વેલુગામ પાણેથા ઈન્દોર ના રસ્તાની મરામત કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.