Western Times News

Gujarati News

અમદાવાદ સહિત રાજયભરમાં હાઈએલર્ટ

File Photo

ગુજરાત અને મહારાષ્ટ્રમાં આત્મઘાતી આંતકવાદી હુમલાના ષડયંત્રના પગલે પોલીસતંત્ર સતર્ક

(પ્રતિનિધિ) અમદાવાદ : જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ રદ કરાયા બાદ પાકિસ્તાનમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે અને ભારતમાં હુમલા કરવા માટે ખોફનાક ષડયંત્ર ઘડવામાં આવ્યું છે અને આ હુમલાની સંપૂર્ણ જવાબદારી આઈએસઆઈને સોંપવામાં આવતા સમગ્ર દેશમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે ખાસ કરીને સૌથી વિકસિત રાજય ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિશેષ તકેદારી રાખવા કેન્દ્રીય ગૃહમંત્રાલયે બંને રાજય સરકારોને આદેશ આપ્યો છે

જેના પગલે અમદાવાદ શહેરમાં ગઈકાલથી જ હાઈએલર્ટ જાહેર કરી શહેરમાં પ્રવેશતા તમામ માર્ગો સીલ કરી દેવામાં આવ્યા છે અને શહેરમાં પ્રવેશતા તમામ વાહનોનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે આ ઉપરાંત રાજયમાં આવેલા તમામ ધાર્મિક સ્થાનો તથા જાહેર સ્થળો પર સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ હટાવી દેવામાં આવતા ભારત દેશમાં તેને આવકાર મળી રહયો છે પરંતુ બીજીબાજુ અલગતાવાદી નેતાઓ તેનો વિરોધ કરી રહયા છે સાથે સાથે પાકિસ્તાનમાં પણ ભારત સરકારના આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે અને ધમકીઓ પણ આપવામાં આવી રહી છે પાકિસ્તાન ભારત સાથે પરોક્ષ યુદ્ધ લડી રહયુ છે. આતંકવાદી સંગઠનો દ્વારા ભારતમાં ભાંગફોડ કરવામાં આવી રહી છે જેની સામે ભારતીય લશ્કર પણ એલર્ટ છે.

૩૭૦ની કલમ હટાવ્યા બાદ પાકિસ્તાન પ્રેરિત આંતકવાદી સંગઠનો એક થઈ ગયા છે. ભારતમાં ખાસ કરીને તા.૧પમી ઓગસ્ટે પુલવામાં જેવો આત્મઘાતી હુમલો કરવા માટે ષડયંત્ર રચવામાં આવ્યું છે પાકિસ્તાની જાસુસી સંસ્થા આઈએસઆઈએ આ હુમલાની જવાબદારી લીધી છે અને હુમલા માટે જૈસે મોહંમદ અને ઈન્ડીયન મુજાહીદના વડાઓ સાથે બેઠક કરવામાં આવી હતી એટલું જ નહી પરંતુ જૈસના કમાન્ડરને રાવલપીંડી પણ બોલાવવામાં આવ્યા હતાં.

સ્વાતંત્ર દિને ભારતમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં તથા દિલ્હીમાં મોટા પ્રમાણમાં આત્મઘાતી હુમલો કરવા માટે પાકિસ્તાન પ્રેરિત આંતકવાદી સંગઠનો ષડયંત્ર રચીને ભારતમાં ઘુસણખોરી કરવા માટે તૈયાર છે આ અંગેના ઈનપુટ મળતાં ભારતની જાસુસી સંસ્થા દ્વારા હાઈએલર્ટ જાહેર કરાયું છે. ભારતીય જાસુસી સંસ્થાને મળેલી માહિતી મુજબ પાકિસ્તાનમાંથી આંતકવાદી સંગઠનના ૯ જેટલા ખૂંખાર આંતકવાદીઓ ભારતમાં ઘુસ્યા છે અને તે ૧પમી ઓગસ્ટે ત્રાટકી શકે છે

આ માહિતીના પગલે કેન્દ્રીય ગૃહવિભાગના અધિકારીઓની તબક્કાવાર બેઠકો યોજાઈ રહી છે અને ગુજરાત મહારાષ્ટ્રની સરકારોને જાણ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની ચેતવણીના પગલે ગુજરાત સરકાર એલર્ટ બની ગઈ છે અને ગૃહવિભાગની બેઠકો પણ યોજવામાં આવી  રાજયના પોલીસવડાને આ અંગે એલર્ટ રહેવાની સુચના અપાતા રાજયભરના ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરી દેવામાં આવી છે. ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદ શહેરમાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.


આંતકવાદી હુમલાની દહેશતના પગલે સમગ્ર અમદાવાદ શહેરમાં ગઈકાલથી જ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને તમામ અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પ્રવેશતા નારોલ સહિતના તમામ માર્ગોને સીલ કરીને ચેકપોસ્ટો ગોઠવી દેવામાં આવી છે અને અમદાવાદ શહેરમાં પ્રવેશતા તમામ વાહનોનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.

અમદાવાદ શહેરમાં તમામ જાહેર સ્થળો તથા ધાર્મિક સ્થાનો પર પોલીસનો વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અમદાવાદ ઉપરાંત ગાંધીનગરમાં પણ વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં તમામ શંકાસ્પદ વ્યકિતઓ પર નજર રખાઈ રહી છે આ ઉપરાંત નાઈટ પેટ્રોલીંગ પણ સઘન બનાવવામાં આવ્યું છે. અમદાવાદ શહેર સહિત રાજયભરમાં સ્વાતંત્ર પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ઉજવણીના તમામ સ્થળો પર ચેકિંગ શરૂ કરી દેવાયું છે.

અમદાવાદ ઉપરાંત રાજયના પવિત્ર ધાર્મિક સ્થાન અંબાજી, સોમનાથ, દ્વારકા, પાવાગઢ, સહિતના સ્થળો પર ખાસ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે અને દરેક શ્રધ્ધાળુઓનું ચેકિંગ કરવામાં આવી રહયું છે. રાજયના પોલીસવડા દ્વારા અપાયેલા હાઈએલર્ટના પગલે રાજયભરની પોલીસ સતર્ક બની ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.