Western Times News

Gujarati News

રૂ.૧૨ કરોડના ખર્ચે  ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળના નૂતન ભવનનું લોકાર્પણ

ગુજરાત મીડિયેએશન (મધ્યસ્થી) દ્વારા કેસોના નિકાલ લાવવામાં  દેશમાં અગ્રેસર છે : સુપ્રીમકોર્ટના જસ્ટિસ શ્રી એસ.એ.બોબડે

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના ગુજરાત હાઈકોર્ટ પરિસરમાં રૂ.૧૨ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ નૂતન ભવનનું આજે આજે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અને રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ શ્રી એસ.એ.બોકડેએ કાયદા મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને કાયદા રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહજી જાડેજાની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યુ હતું.

જસ્ટીસ શ્રી બોબડેએ જણાવ્યું કે, ગુજરાત લવાદ-મધ્યસ્થી દ્વારા કેસોના સુખદ સમાધાન માટે દેશભરમાં અગ્રેસર છે. ગુજરાતે લોક અદાલત જેવા ઉપક્રમો દ્વારા મોટા પ્રમાણમાં કેસોનો નિકાલ કર્યો છે.            તેમણે કહ્યું કે, ગુજરાતના વડોદરામાં ગાયકવાડ શાસનમાં પણ મીડીયેશનની વ્યવસ્થા હતી તે દ્રષ્ટિએ ગુજરાતમાં મધ્યસ્થીથી કેસનો નિકાલ લાવવાનો ગુજરાત બહુ જુનો ઇતિહાસ ધરાવે છે.

તેમણે કહ્યું કે, વધતી વસતી અને સ્થળાંતરને કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનાં પ્રશ્નો ઉપસ્થિત થાય છે તેવા સમયે કોર્ટ અને ન્યાય ખૂબ મહત્વના બની જાય છે.           લોકોને મોંઘા વકીલો રોકવા અને ન્યાયની પ્રલંભ પ્રક્િયાને કારણે જે હાલાકી ભોગવવી પડે છે ક્યારે કાનૂની સેવા સત્તા મંડળ અને કાનૂની સહાય મદદ સામાન્ય નાગરિક માટે ખૂબ અગત્યની બની જાય છે.

ગુજરાતમાં કાનૂની સેવા સત્તા મંડળથી ૫ લાખથી વધુ લોકોને લાભ મળ્યો છે, તેમ જણાવી ગુજરા ત લૉ યુનિવર્સિટીમાં મીડિયેશનના ડીગ્રી કોર્સ શરૂ કરવા અને મીડિયેશનના ચુકાદાઓ અંગે બાર કાઉન્સિલ દ્વારા જર્નલ શરૂ કરવાની ખેવના વ્યક્ત કરી હતી.

ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળમાં કાર્ય કરી ચૂકેલા સુપ્રીમકોર્ટના જસ્ટિસ શ્રી એમ.આર.શાહ, આર. સુભાષ રેડ્ડીએ પ્રાસંગિક પ્રવચન કરી કાનૂની સેવા સત્તામંડળ એ માત્ર કાનૂની સલાહ માટેનું નહીં પણ સરકાર દ્વારા સેવા સેતુ જેવા પ્રજાકીય લાભો-યોજનાઓ લોકો સુધી પહોંચાડવાનું પણ કાર્ય કરે છે તેનો આનંદ વ્યકત કર્યો હતો. ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી ન્યાયમૂર્તિશ્રી અને ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળના પેટ્રન ઇન ચીફ શ્રી અનંત એસ.દવેએ પણ આ અવસરે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. કાયદા મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ તકે જણાવ્યું કે, કાનૂની સેવા સત્તા મંડળ એ એકેડમી નથી, પરંતુ સેવા સંસ્થા છે. છેલ્લા એક વર્ષમાં તેના દ્વારા ૧૫ હજાર કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા સેવા સત્તા મંડળને જરૂરી સગવડો પુરી પાડવામાં આવી છે કારણ કે, રાજ્ય સરકાર માને છે કે, વ્યક્તિ કે સંસ્થા સારું કાર્ય ત્યારે જ કરી શકે કે જ્યારે તેને સારી સગવડો આપવામાં આવે. આથી જ રાજ્યની તાલુકા અને જિલ્લા કોર્ટો  પણ સુવિધાયુક્ત હાઇકોર્ટ જેવી બનાવવામાં આવી છે.

કાયદા રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહજી જાડેજાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ સાથે હવે સૌને ન્યાયના મંત્રને લઈને ચાલી રહી છે. કાયદામંત્રી એ કાયદા રાજ્યમંત્રીશ્રી કહ્યું કે ચાલુ વર્ષે કાયદા વિભાગ માટે રાજ્ય સરકારે રૂપિયા ૧૬૫૦ કરોડના માતબશ્ર બજેટની જોગવાઇ કરી છે.

ઇદના પવિત્ર દિવસે ‘બુરાઈઓ દૂર થાય અને અચ્છાઇ આવે’ અને ‘નોંધારાનો આધાર’ બની સમાજના છેવાડાના માનવીને ઘર આગણે ન્યાય મળે તે માટે રાજ્ય સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી પ્રજાની શાંતિ, સલામતી અને સુરક્ષા એ રાજ્ય સરકારનું લક્ષ્ય છે તેમ જણાવ્યું હતું. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન શ્રી એસ.આર.બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, સને ૧૯૭૨માં કાનૂની સેવા સત્તા મંડળનો ખ્યાલ ઉદભવ્યો હતો, ત્યારબાદ તે અંગેનો કાયદા આવ્યો અને સને ૧૯૯૮માં ગુજરાતમાં કાનૂની સેવા સત્તા મંડળની સ્થાપના કરવામાં આવી હતી.

સર્વોદયનો ગાંધીજીનો સિદ્ધાંત ખ્યાલમાં રાખી કાનૂની સેવા સત્તા મંડળ રાજ્યના છેલ્લામાં છેલ્લા નાગરિક સુધી કાનૂની મદદ પહોંચે તે માટે કાર્યરત છે તેની વિગતો તેમણે આપી હતી.        આ લોકાર્પણ પ્રસંગે જસ્ટિસ એમ.આર.છાયા, ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ અને વર્તમાન જસ્ટીશશ્રીઓ, એડવોકેટ જનરલ શ્રી કમલભાઇ ત્રિવેદી, કાનૂની સેવા સત્તા મંડળના સભ્ય સચિવ શ્રી વીમલ કે. વ્યાસ, હાઇકોર્ટના અધિકારી ન્યાય જગતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.