Western Times News

Gujarati News

‘મેક ઈન ઈન્ડિયા’ના વિઝન હેઠળ સાકારિત થયેલી ૯૧મી કે-૯ વજ્ર ટેન્કને લીલી ઝંડી આપી પ્રસ્થાન

સમગ્ર વિશ્વમાં એલ એન્ડ ટી કંપનીએ એન્જિનિયરીંગ ક્ષેત્રે અશક્યને શક્ય બનાવીને દેશનું ગૌરવ વધાર્યું છેઃ વિજયભાઈ રૂપાણી

આવનારા સમયમાં ગુજરાતમાં ડિફેન્સના સાધનોનું નિર્માણ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ મેક ઈન ઈન્ડિયાના વિઝન હેઠળ એલ. એન્ડ ટી. હજીરા દ્વારા નિર્મિત થયેલી ૯૧મી કે-૯ વ્રજ ટેન્કને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ વેળાએ વજ્ર ટેન્કની આરતી ઉતારી પરંપરાગત પુજન-અર્ચન કરીને ટેન્ક પર સવાર થઈને અભિવાદન ઝીલ્યું હતું.

ગુજરાતની સાહસિક ભૂમિ પર એલ.એન્ડ ટી. કંપની ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને સાકારિત કરીને અભેદ્ય કિલ્લા સમાન વજ્ર ટેન્કનું ઉત્પાદન કરી રહી છે જે બદલ અભિનંદન પાઠવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર ભારત, મેક-ઈન ઈન્ડિયા, સ્કીલ ઈન્ડિયા, ડિઝીટલ ઈન્ડિયા જેવા અભિયાનો સૂત્રો સાથેનું આગવો દ્રષ્ટિકોણ આપીને દેશની જનતામાં નવી આશા-જોમનું સર્જન કર્યું છે. સમગ્ર વિશ્વમાં એલ એન્ડ ટી કંપનીએ એન્જિનિયરીંગ ક્ષેત્રે અશકયને શકય બનાવીને દેશનું ગૌરવ વધાર્યું છે.

ડિફેન્સના સાધનો પહેલા બહારથી આયાત કરવા પડતા હતા. હવે ડી.આર.ડી.ઓ. મારફતે સંશોધનો કરીને આપણે ત્યાં સાધનોનું નિર્માણ થાય તે દિશામાં સરકારે કાર્ય હાથ ધર્યું છે. સંરક્ષણ શસ્ત્રસરજામનું ભારતમાં નિર્માણ શરૂ કરીને કંપનીએ શ્રેષ્ઠતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું છે. આ કંપનીએ ગુજરાતમાં વિશ્વનું સૌથી મોટુ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ બનાવવાનું બીડુ ઝડપી પોતાની ઉચ્ચ ઈજનેરી ક્ષમતા સાબિત કરી છે. તેવી રીતે મોટેરા સ્ટેડિયમ જેવા આગવા  પ્રોજેકટો સહિત અનેક પુલ, રેલ, પાઈપલાઈનના પ્રોજેકટ નિર્માણના વિકાસકાર્યોમાં યોગદાન આપ્યું છે.

સંસ્કૃતની કહેવત ‘વજ્રાદપિ કઠોરાની મૃદુની કુસુમાતપિ’ને લાર્સન ટુબ્રો કંપનીએ ખરા અર્થમાં ચરિતાર્થ કરી હોવાનું જણાવતા મુખ્યમંત્રીશ્રીએ વજ્ર ટેન્ક દુશ્મનોના દાંત ખાટા કરશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. તેમણે કહ્યું કે, લેટેસ્ટ ટેકનોલોજીયુક્ત વેપન્સ આપણા દેશમાં બને તે દિશામાં આપણી સરકાર કામ કરી રહી છે. આવનારા સમયમાં ડિફેન્સ મેન્યુફેકચરીંગ ગુજરાતમાં થાય તે દિશામાં રાજ્ય સરકારના પ્રયાસો રહેશે તેમ ઉમેર્યું હતું.

સમગ્ર ભારતમાં ૫૨ ટકા ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટ મેળવીને ગુજરાતે મોખરાનંશ સ્થાન મેળવ્યું હોવાનું જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, દરેક કંપનીઓ લાંબાગાળાનું ઈન્વેસ્ટમેન્ટ કરી શકે તે માટે ગુજરાતે ડિફેન્સ પોલિસી, સોલાર પોલિસી જેવી દરેક ક્ષેત્ર માટે પોલિસીઓ બનાવીને તેના લાભો દરેકને મળે તે દિશામાં કાર્ય કર્યું છે.

હેવી ઈન્ડસ્ટ્રીઝને ઝડપી પાણી, ઉર્જા, જમીનો સહિતની સુવિધાઓ મળે તે માટે સિંગલ વિન્ડો સિસ્ટમ અપનાવી છે જેનાથી ગુજરાત બેસ્ટ ડેસ્ટીનેશન ઓફ ઈન્વેસ્ટમેન્ટ બન્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

આ વેળાએ હજીરા L&T કંપનીના ડિરેક્ટર જયંત પાટીલે જણાવ્યું કે, એલ એન્ડ ટી કંપનીએ કે-૯ વજ્ર ટેન્ક પ્રોજેક્ટની સૌથી પહેલી ટેન્ક બનાવી તેની મજબૂતી દુનિયાના અન્ય કોઈ દેશો પાસે નથી. આ ટેન્ક બનાવવાનાં માત્ર ૧૨-૧૫ ટકા સ્પાર્ટસ વિદેશથી આયાત કરવામાં આવે છે. આગામી ફેબ્રુઆરીના અંત સુધીમાં ૧૦૦થી વધુ ટેન્ક પુરી પાડવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.

હજીરા સ્થિત એલ.એન્ડ ટી. કંપનીના પ્લાન્ટ હેડ યોગેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, કંપની છેલ્લા ૩૭ વર્ષથી કાર્યરત છે. વર્ષ ૧૯૮૭માં મેન્યુફેકચરીંગ ક્ષેત્રે કાર્યરત રહીને તબક્કાવાર આજે ૭૫૦ એકરમાં  વિકસિત થઇને વિશ્વની ‘અનબિલીવેબલ’ કંપની બની છે. હાલ કંપનીમાં ૧૭૦૦૦ કર્મચારીઓ કાર્ય કરી રહ્યા છે. અમેરિકા કેનેડા જેવા મોટા દેશોમાં ઉપયોગમાં લેવાતા પેટ્રોલ-ડિઝલના રીએકટર અહી નિર્મિત થાય છે. કંપનીના કર્મચારીઓને અનેક સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીયકક્ષાના એવોર્ડ મળ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.

આ વેળાએ મુખ્યમંત્રીશ્રીએ આર્મર્ડ સિસ્ટમ કોમ્પલેક્ષનું નિરીક્ષણ પણ કર્યુ હતું.આ વેળાએ પોલીસ કમિશનરશ્રી અજય તોમર તથા મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાની, કંપનીના ઉચ્ચ અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.