Western Times News

Gujarati News

અમેરિકામાં બાયડન યુગનો પ્રારંભ

વિશ્વભરમાં લોકશાહીના પ્રહરી એવા અમેરિકામાં સૌ પ્રથમવાર શપથવિધિ સમારંભ પ્રસંગે લશ્કરના જવાનો તૈનાત: ભારતીય મુળના કમલા હેરીશ સૌ પ્રથમ મહિલા ઉપ રાષ્ટ્રપતિ બન્યા: ડોનાલ્ડ ટ્રમ્પ ત્રીજાે પક્ષ રચશે

બાયડનની ટીમમાં મહત્વના પદો ઉપર ભારતીય મુળના અગ્રણીઓનો સમાવેશ: શપથવિધિ સમારંભ પહેલા જ અમેરિકાએ પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી આપી: શપથવિધિ

સમારંભમાં પહોંચવા ટ્રમ્પે બાયડનને પ્લેન ન આપ્યું અને પોતે સમારંભ પૂર્વે વોશિંગ્ટનથી ફલોરિડા પહોંચી ગયા: બાયડનના મજબુત મનોબળથી ચીન સહિતના દેશો સતર્ક

જગત જમાદાર અમેરિકામાં સત્તા પલ્ટો થઈ ગયો છે અને વિવાદાસ્પદ ડોનાલ્ડ ટ્રમ્પે આખરે પ્રથમ વખત હાર સ્વીકારી નવા ચુંટાયેલા રાષ્ટ્રપતિ જાે બાયડનને શુભેચ્છા આપી હતી આમ અમેરિકામાં ટ્રમ્પ યુગના અંત સાથે બાયડન યુગનો ઉદય થયો છે.

જાેકે અમેરિકાના ઈતિહાસમાં સૌ પ્રથમવાર શપથવિધિ સમારંભ પ્રસંગે વોશિંગ્ટનમાં આર્મીના જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા હતા અને કોઈપણ નાગરિકને શપથવિધિ સમારંભ નજીક જવા દેવામાં આવ્યા ન હતા. કોરોના ઈફેકટ તથા ટ્રમ્પના ટેકેદારોએ કરેલી ધમાલની સાથે શપથવિધિ સમારંભમાં પણ ફરી એક વખત હુમલો કરવામાં આવે તેવી આશંકાથી સમગ્ર વોશિંગ્ટન લશ્કરના જવાનોની ચોકીમાં ફેરવાઈ ગયું હતું.

બાયડને રાષ્ટ્રપતિ પદના અને ભારતીય મુળના કમલા હેરીસે ઉપ રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ કર્યાં છે. શપથ પહેલા જ અમેરિકાના પેન્ટાગોનના ચીફે પાકિસ્તાન અને ચીનને કડક સંદેશો આપી દીધો છે અને સ્પષ્ટપણે જણાવ્યું છે કે ભારતમાં આંતકવાદ ફેલાવનારની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

અમેરિકામાં ૪૬મા રાષ્ટ્રપતિ તરીકે બાયડને શપથ ગ્રહણ કર્યાં તે પહેલા તેઓ ભાવુક બની ગયા હતાં. તાજેતરમાં જ ચુંટણીના પરિણામો આવ્યા બાદ ટ્રમ્પના ટેકેદારોએ વોશિંગ્ટનમાં તોડફોડ કરી સંસદ ભવનમાં આંતક મચાવ્યો હતો આ ઘટનાક્રમથી સમગ્ર વિશ્વ ચોંકી ઉઠયું હતું આ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે છેલ્લા ચાર દિવસથી વોશિંગ્ટન લશ્કરી છાવણીમાં ફેરવાયું હતું. પરંપરા મુજબ ચુંટાયેલા નવા રાષ્ટ્રપતિના પૂર્વ રાષ્ટ્રપતિ આવકારતા હોય છે પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે આ પરંપરા તોડતા અમેરિકામાં આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.

જાે બાયડનને શપથવિધિ સમારંભમાં પહોંચવા માટે પ્લેનની સુવિધા પુરી પાડવાની હોય છે પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ ઈન્કાર કરી દેતા જાે બાયડન ચાર્ટર પ્લેન મારફતે વોશિંગ્ટન પહોંચ્યા હતાં બાયડન વોશિંગ્ટન આવે તે પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પ હેલીકોપ્ટર મારફતે વ્હાઈટ હાઉસથી સીધા જ એરપોર્ટ પહોંચી ગયા હતાં એરપોર્ટ પર તેમની ગાર્ડ ઓફ ઓર્નર અપાયું હતું આ પ્રસંગે ડોનાલ્ડ ટ્રમ્પે તેમનું અંતિમ પ્રવચન આપ્યું હતું. મહત્વની બાબત એ છે કે અમેરિકાની પરંપરાથી આ સમગ્ર વિપરીત ઘટનાક્રમ થયો હતો.

જાે બાયડને બહુમતી મેળવ્યા બાદ તેમના શાસનમાં લેવાનારા મહત્વપૂર્ણ નિર્ણયોની વિગતો અમેરિકન નાગરિકો સમક્ષ રજુ કરી દીધી હતી જેના પરથી બાયડન ખુબ જ સ્પષ્ટ અને મજબુત મનોબળ ધરાવતા હોવાનું પ્રતિત થયું છે. બાયડનની ભારત તરફી નીતિના કારણે અમેરિકામાં વસતા ભારતીય મુળના નાગરિકો ઉત્સાહમાં આવી ગયા છે.

જાેકે અમેરિકામાં વસતા એનઆરઆઈના મત બાયડનને જ મળેલા છે. ટ્રમ્પે લીધેલા વિવાદાસ્પદ નિર્ણયોની અસર મતદાન પર થઈ હતી. ડોનાલ્ડ ટ્રમ્પ હાર પચાવી નહી શકતા તેમના ટેકેદારોએ ઉત્પાદ મચાવ્યો હતો પરંતુ બાયડને શપથ લીધા બાદ તુરંત જ તોફાની તત્વો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપી દીધો છે. ટ્રમ્પની આ હરકતોથી તેમના પક્ષમાં જ ભારે વિરોધ થયો છે અને તેમને હાંકી કાઢવામાં આવે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

બાયડને બહુમતી મેળવ્યા બાદ તેમની મજબુત ટીમ બનાવી દીધી છે આ ટીમમાં ભારતીય મુળના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરીસ સહિત નીરા ટંડેન, વનીતા ગુપ્તા, માલા અડીંગા, સહિતના ર૦ આગેવાનોનો સમાવેશ કર્યો છે. બાયડને તેમની વિઝા પોલીસીમાં બદલાવ કરવાનો સ્પષ્ટ નિર્દેશ આપી દીધો છે જેના પરિણામે ભારતીયોને મોટો લાભ થવાનો છે.

બાયડને સૌ પ્રથમ કોરોનામાં મૃત્યુ પામેલા નાગરિકોને શ્રધ્ધાંજલિ આપી હતી અને યુધ્ધના ધોરણે કોરોનાની સામે વ્યાપક ઝુંબેશ શરૂ કરવાની ખાતરી આપી હતી. ટ્રમ્પના ટેકેદારોએ અમેરિકાના વિવિધ રાજયોમાં ઉગ્ર દેખાવો કરવાનું ચાલુ રાખતા સમગ્ર દેશમાં પોલીસની સાથે લશ્કરને એલર્ટ કરી દેવાયુ હતું અને તોફાની તત્વો સામે કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

કેપીટલ હિલ્સમાં તોડફોડ કરનારને ઝડપી લેવા માટે સીસીટીવી કૂટેજ ચકાસવામાં આવી રહયા છે અને અત્યાર સુધીમાં ૧૦૦ જેટલા તોફાની તત્વોને ઝડપી લેવામાં આવ્યા છે. વોશિંગ્ટનની બોર્ડર સીલ કરી દેવામાં આવી હતી અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બાયડને રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ કર્યાં હતાં.

બાયડને સત્તાના સુત્રો સંભાળતા જ અમેરિકન નાગરિકોમાં આશાનો સુર્યોદય થયો છે. ટ્રમ્પના શાસનકાળનો સમય નાગરિકો ભુલવા માંગે છે. ટ્રમ્પના શાસનમાં કોઈપણ મક્કમ નિર્ણય લેવામાં આવ્યો ન હતો અને વિવાદાસ્પદ નિર્ણયોના કારણે નાગરિકો સતત મુશ્કેલીમાં મુકાતા હતાં. બાયડનના આવતાની સાથે જ સમગ્ર અમેરિકામાં તેમને આવકાર મળી રહયો છે. ખાસ કરીને અમેરિકાએ ભારત તરફી વલણ યથાવત રાખ્યુ છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે જીતવા માટે મિત્રતાનો દાવો કર્યો હતો પરંતુ તેમણે જ વિવાદાસ્પદ નિર્ણયો લઈ એનઆરઆઈને મુશ્કેલીમાં મુકયા હતા. પરંતુ બાયડનના આવતાની સાથે જ આ તમામ વિવાદાસ્પદ નિર્ણયોના સ્થાને નાગરિકોના હિતમાં નિર્ણયો લેવાનું શરૂ કરવામાં આવ્યું છે.

અમેરિકામાં કોરોનાના કારણે ભારે નુકશાન થઈ રહયું છે જેથી સૌ પ્રથમ કોરોના સામેની લડાઈને પ્રાથમિકતા આપવાનું નકકી કરાયું છે પરંતુ કોરોના માટે ચીનને જ જવાબદાર ગણી જરૂરી કાર્યવાહી કરવાનો પણ સંદેશો આપી દેવામાં આવ્યો છે આ ઉપરાંત અન્ય દેશોને પણ અમેરિકામાં આંતરિક દખલગીરી નહી કરવાની ચેતવણી આપી દેવામાં આવી છે.

પેન્ટાગોનાના ચીફ લોઈડ ઓસ્ટીને સ્પષ્ટ ચેતવણી આપી છે કે ભારતમાં આંતકવાદ ફેલાવતા આંતકવાદી સંગઠનો સામે કાર્યવાહી કરવામાં પાકિસ્તાન સંપુર્ણ નિષ્ફળ ગયું છે તેથી પાકિસ્તાન સામે જરૂરી તમામ કાર્યવાહી કરવાનો નિર્દેશ આપી દીધો છે. બાયડન સરકારે પાકિસ્તાનને આપેલી ચેતવણી ખુબ જ ગંભીર છે.

અમેરિકામાં પણ ભીષણ આંતકવાદી હુમલો થયેલો છે અને તેનો મુખ્ય સુત્રધાર બીન લાદેન હતો અમેરિકાના પૂર્વ પ્રમુખ ઓબામાએ લાદેનનો ખાત્મો કરવા માટે ખાસ ઓપરેશન કર્યું હતું અને અમેરિકાના કમાન્ડોએ લાદેનની ઝીણવટભરી માહિતી મેળવી પાકિસ્તાનમાં જ આશ્રય લઈ રહેતા લાદેનનો ખાત્મો બોલાવ્યો હતો. આ ઘટનાક્રમથી સ્પષ્ટપણે મનાઈ રહયુ છે કે પાકિસ્તાન આંતકવાદને પોષણ આપે છે. અમેરિકા આ વાત ભુલ્યુ નથી અને તેથી જ આજે સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે.

અમેરિકાએ પાકિસ્તાન ઉપરાંત ચીનને પણ સ્પષ્ટ સંદેશો આપ્યો છે અને જરૂર પડે કાર્યવાહી કરવાની પણ ચીમકી આપતા ચીન વધુ એલર્ટ થયું છે. બાયડનની ટીમમાં ર૦ જેટલા ભારતીય મુળના આગેવાનો હોવાથી ભારતને ખુબ જ મોટો ફાયદો થવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બાયડનના સંપર્કમાં આવી ગયા છ ેઅને તેઓ ટુંક સમયમાં મુલાકાત કરે તેવુ સ્પષ્ટ મનાઈ રહયું છે. ખાસ કરીને આંતકવાદના મુદ્દે અમેરિકા અને ભારત એક થઈને આગામી દિવસોમાં કાર્યવાહી કરશે તેવો સ્પષ્ટ સંકેત આપી દેવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.