ગુજરાતની આ યુનિવર્સિટીમાં પેપરલેસ પરિક્ષાઃ વિદ્યાર્થીઓએ ટેબલેટનો ઉપયોગ કરી જવાબો લખ્યા
ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટી દ્વારા ટેબલેટ અને સ્ટાઈલ્સ પેનના ઉપયોગ દ્વારા ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં ડીજીટલ પેપરલેસ પરીક્ષાઓનું આયોજન
આણંદ, પરીક્ષા પ્રક્રિયાને અત્યાધુનિક બનાવવાની દિશામાં એક કદમ આગળ વધીને ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટી દ્વારા ટેબલેટ અને સ્ટાઈલ્સ પેનના ઉપયોગ દ્વારા ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં ડીજીટલ પેપરલેસ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચારુસેટ દ્વારા પેપરલેસ મોડમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની બે વિભાગોની યુનિવર્સિટી લેવલની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં કુલ ૧૧ વિષયની ૧૮ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. આ પ્રક્રિયામાં ચારુસેટની પેપરલેસ પરીક્ષાની ટીમ સામેલ થઈ હતી.
ચારુસેટના રજીસ્ટ્રાર ડો.અતુલ પટેલના માર્ગદર્શન હેઠળ ઓએસડી એક્ઝામ સેક્શન ડો.અભિલાષ શુક્લ અને તેમની ટીમ દ્વારા આ ડીજીટલ પેપરલેસ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વાર ચારુસેટ દ્વારા ડિજિટલ પેપરલેસ પરીક્ષાઓનો આરંભ વર્ષ ૨૦૧૯થી કરવામાં આવ્યો છે અને હાલમાં ચારુસેટમાં તમામ પરીક્ષાઓ પેપરલેસ મોડમાં લેવામાં આવે છે.
આ નવતર પહેલ માત્ર ટેકનિકલ પ્રગતિ જ નહિ પરંતુ શિક્ષણમાં ટકાઉપણું અને કાર્યક્ષમતા પ્રત્યે પ્રતિબદ્ધતા સાથે ચારૂસેટનો પેન અને પેપર સાથેની પરંપરાગત પરીક્ષાઓમાંથી ડિજિટલ ફોર્મેટમાં પરિવર્તન કરવું એ એક વ્યૂહાત્મક અભિગમ છે. ટેબ્લેટ્સ અને સ્ટાઈલ્સ પેનનો ઉપયોગ વધુ ઈન્ટરેક્ટિવ અને ગતિશીલ મૂલ્યાંકનનો અભિગમ દર્શાવે છે,
જે ભવિષ્યમાં અત્યાધુનિક શિક્ષણ પ્રણાલી માટે માર્ગ મોકળો કરે છે. આ ઉપરાંત કાગળોની જરૂરિયાતને દૂર કરીને પર્યાવરણના સંરક્ષણમાં નોંધપાત્ર પ્રદાન આપે છે તેમજ કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડે છે જે ડિજિટલ ઈન્ટરફેસથી ટેવાયેલા વિદ્યાર્થીઓની ટેકનોસેવી પેઢી સાથે સુસંગત છે.