સંવેદનને શક્તિશાળી મન મૂર્તિ પૂજાથી થાય, અજ્ઞાત મનનું શુદ્ધિકરણ, અને ભાવપૂર્ણ થવાય
કેવું મન પ્રભુને ગમે?
આપણામાં એક કહેવત છે કે દાળ બગડી તેનો દિવસ બગડ્યો, અથાણું બગડે તેનું વર્ષ બગડે. પત્નિ બગડે તેનું જીવન બગડે અને મન બગડે તો આવતો નવો જન્મ પણ બગડે. તે ન્યાયે મનને શક્તિશાળી, સંવેદનશીલ, પ્રગમનશીલ અને લાગણીક્ષમ બનાવવા માટે વૈદિક મૂર્તિપૂજા ઋષિઓએ આપેલી દેણ છે.
મનનો ગ્રહણશીલતાએ ગુણ છે. મન જેનું ચિંતન કરે તેના જેવું થાય છે. કીટ ભ્રમર ન્યાયે રાવણની લંકા અશોકવાટીકામાં સીતા બેઠેલા છે. બેઠા બેઠા રામના ચિંતનમાં એટલા તદરૂપ થયા છે કે દેહભાન જ ભૂલી ગયા છે. તેમના જ્ઞાત મન એ અજ્ઞાત મને રામનું જ રૂપ ધારણ કરેલું છે, રામરૂપ થયા છે
તેવી સ્થીતીમાંથી થોડી સભાનાવસ્થા થતાં ચમક્યા છે. જાેડે ત્રિજટા બેઠેલી છે તેને પૂછ્યું સીતા શું થયું ત્યારે જવાબ આપ્યો કે હું રામ ચિંતનમાં રામરૂપ થઈ હતી ત્યારે મને ભય થયો કે હું રામ થઈ જઈશ તો રામનું સીતા વિના શું થશે તેના ભયથી ફફડી ઉઠી.
ત્યારે ત્રિજટા કહે છે સીતા તું રામ થઈશ તો રામ સીતા થઈ જશે. તે પણ તારા ચિંતનમાં તારું જ રૂપ ધારણ કરે છે. તમારું દામ્પત્ય જીવન અખંડ રહે છે એ ન્યાયે તમે જેવું ચિંતન કરશો તેવા જ બનશો, તેવા જ ગુણો ધારણ કરશો.
મનનો એ ગ્રહણશીલતાનો ગુણ છે. માટે મનને મૂર્તિપૂજામાં મૂકો. મૂર્તિ સર્વગુણ સંપન્ન અને સર્વ શક્તિમાન ઈશ્વરની જ આપવી, અવતારોની આપવી.
જેથી તે મન તેના ગુણો પકડી શકે શક્તિશાળઈ બની શકે. મૂર્તિપૂજામાં ચિત્ત એકાગ્રતામાં પહેલી-તનુપૂજા પછી ગુણ પૂજા અને છેલ્લે તત્વપૂજા છે. આપણી પૂજા છીછરી છે. ભગવાનનો દીવો કરીએ, અગરબત્તી કરીએ અને આરતી કરીને છૂટા થઈએ.
આટલાથી ન ચાલે એ કરવું ખોટું નથી પણ આગળ જવું જેમ એક છોકરીને પરણાવવા માંડવો હોય, ચોરી હોય, વાજિંત્રો હોય, બ્રાહ્મણો સ્વસ્તિ વાંચન મંત્રો બોલતા હોય, અગ્નિ પ્રગટાવ્યો હોય-આ બધું હોય એટલેથી લગ્ન થઈ ગયા તેમ નહિ.
એથી આગળ જવું પડે એટલે વરરાજા ચોરીમાં આવે પછી કન્યા પધરાવો થાય. બંને જણાને ગોર મહારાજ પૂજા કરાવે. ત્યાં સુધી પહોંચે તો પણ લગ્ન થયું ન કહેવાય. તેથી આગળ જવું પડે અને તે ત્યાં સુધી કે છોકરી પોતાનો હાથ પતિના હાથમાં મુકે ને બોલે ધર્મૈચ અર્થેચ કામેચ નાતિ ચરામિ. નાતિ ચરામિ, નાતિ ચરામિ.
આજથી હું તારી આમ થાય ત્યારે લગ્ન થયું કહેવાય, બહાર ભટકતા મનને મૂર્તિમાં સ્થિર કરવું પછી જેની મૂર્તિ છે તેના ગુણોનું ચિંતન કરવું. સર્વગુણ સંપન્ન સર્વ શક્તિમાન પ્રભુના આપણા ઉપરના ઉપકારો યાદ કરવા. જેમકે પ્રભુ તમે મારા શરીરમાં હું આઠ કલાક ઉંઘુ ત્યારે લોહી ફેરવો છો, શ્વાસ મારો ચલાવો છો, ખાધેલુ પચાવે છે, લોહી લાલ બનાવે છે,
હું આંખો વડે તમારી જ શક્તિથી જાેઈ શકું છું, તમારી જ શક્તિથી કાનો વડે સાંભળી શકું છું, એટલું જ નહિ મારા શરીરના સુક્ષ્મમાં સુક્ષ્મ પરમાણુઓને પણ તમે જ ગતિ આપો છો. મારા આખા શરીરમાં તમેજ વ્યાપક કૃતિશીલ છો-આવુ ચિંતન કરતાં કરતાં મન જ તે મૂર્તિનો આકાર પોતે લેશે.
તે ટાઈમે સર્વ શક્તિમાનની શક્તિ મનમાં આવશે અને મન શક્તિશાળી બનશે. મનના બે ભાગ છે. એક જ્ઞાત મન, બીજું અજ્ઞાત મન. જ્ઞાત મન જ્યારે કૃતિશીલ હોય ત્યારે બીજું અજ્ઞાત મન. જાગ્રત પણ નિક્રિય હોય તે સંસ્કાર ઉપાડે છે. આ અજ્ઞાત મન જન્માંન્તરના સંસ્કારો પકડીને આવેલું હોય છે, જ્ઞાત મનને શુદ્ધ કરવા સારું વાંચન, સારો સંગ સદ્?કાર્યોથી થઈ શકે છે. પણ અજ્ઞાત મનને શુદ્ધ કરવા મૂર્તિપૂજા જ કરવી પડે.
મૂર્તિપૂજામાં જ્ઞાત અને અજ્ઞાત બંને મન એકરૂપ બનીને તે તે પોતે જ મૂર્તિનું રૂપ ધારણ કરે છે. મન જ પોતે મૂર્તિરૂપ બને છે અને જેનું રૂપ ધારણ કરે છે તેની શક્તિ અને ગુણ બંને ગ્રહણ કરે છે. બીજું તે મૂર્તિરૂપ ભગવાનના ઉપકારોનું સ્મરણ કરતાં ભાવરૂપ પણ બને છે, પુષ્ટ બને છે, લાગણીશીલ બને છે, તે મનને ભગવાન આકર્ષક, આવશ્યક, અને આત્મીય લાગવા જાેઈએ તો જ તલ્લીનતા, તદ્રુપતા આવે. ભગવાન તમે પારકા નથી.
દૂર નથી અને મારાથી જુદા નથી. નરસિંહ મહેતાએ કહ્યું કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરી ઝુજવેરૂપે અનંત ભાસે દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, પાણી તું, પવન તું, ભૂમી તું ભુધરા વિવિધ રચના કરી અનેક રસ લેવાને શિવથકી જીવ થયો એ જ આશે, આ ન્યાયે ભગવાન તું મારાથી જુદો નથી, દુર નથી.
હું જ તારો અંશ છું, આવું વારંવાર ચિંતન કરતાં જીવ જ શીવરૂપ બને, શિવનો બને, આ બધું તત્વજ્ઞાન જ્ઞાત-અજ્ઞાત મન શુદ્ધ થાય તો જ અંતઃકરણમાં ઠરે તે માટે વૈદિક મૂર્તિપૂજા શાસ્ત્રીય છે. તે થવી જાેઈએ તે થતાં મન શક્તિશાળી પ્રગમનશીલ, સંવેદનશીલ, ભાવવાન બને અને તેવુ મન સંસારના સમરાંગણમાં રહીને જીવનનો સર્વાંગીણ વિકાસ કરી શકે. અડીખમ રહીને પ્રભુમાન્ય, ઋષિમાન્ય સંસ્કૃતિના કામો કરી શકે અને તેવુ બનેલુ મન પ્રભુને જરૂર ગમશે.