RBIના રિટેલ ડાયરેક્ટ પ્લાનમાં એફડીથી વધુ વ્યાજ
નવી દિલ્હી, આરબીઆઈ દ્વારા નવેમ્બરમાં લોન્ચ કરવામાં આવેલ રિટેલ ડાયરેક્ટ પ્લાનમાં સરકારી જામીનગીરીઓમાં રિટેલ રોકાણકારોનો રસ વધતો જ જાેવા મળી રહ્યો છે અને આરબીઆઈ દ્વારા સરકાર પાસે માંગવામાં આવેલ છૂટ મંજૂર થશે તો રિટેલ ઈન્વેસ્ટર માટે ગવર્મેન્ટ સિક્યોરિટીસ પણ એક ઉત્તમ રોકાણ માધ્યમ બની શકે છે.
એક અહેવાલ અનુસાર ૩૫,૦૦૦થી વધુ વ્યક્તિગત રોકાણકારો આરબીઆઈના રિટેલ ડાયરેક્ટ પ્લેટફોર્મ પર સીધા સરકારી બોન્ડ ખરીદી રહ્યા છે. આ સિવાય સરકારી જામીનગીરીમાં ટ્રાન્ઝેકશન સુગમતા, સંપત્તિની સલામતી અને યિલ્ડના તફાવતોને કારણે આવી રિટેલ પાર્ટિસિપેશન ઝડપી બનશે.
રસપ્રદ વાત એ છે કે સોવરિન બોન્ડ્સ હવે પરંપરાગત બેંક થાપણો કરતાં વધુ વળતર આપી રહ્યાં છે અને સરળતાથી વેચી પણ શકાય છે. ૧૦-વર્ષના સરકારી બોન્ડ અર્ધ-વાર્ષિક ૬.૮૦%ની આસપાસ યિલ્ડ ઓફર કરી રહ્યાં છે છે, જેની સામે સમાન-મેચ્યોરિટીવાળી ફિક્સ ડિપોઝિટ માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ૫.૪૦-૬.૩૦% ઓફર કરાઈ રહ્યાં છે.
આ બોન્ડ્સ સુધી રિટેલ રોકાણકારોની પહોંચ વધારવાની સાથે હવે તેના પર મળતું વ્યાજ રિટેલ ખરીદદારો માટે કરમુક્ત કરવાના કેન્દ્રીય બેંકના સૂચન પર સરકાર સહમત થાય તો વધુ રોકાણ રિટેલ રોકાણકારો તરફથી આ પ્લેટફોર્મ પર આવી શકે છે.
આ બાબતથી પરિચિત એક એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે જાે સ્લેબ અને ટોચમર્યાદાના આધારે વ્યાજની ચૂકવણીને આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવશે તો પ્રત્યક્ષ રોકાણ વધશે.
રિટેલ સહભાગિતાને વેગ આપવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ સૂચન કર્યું હોવાનું જાણવા મળ્યું છે કે રિટેલ ડાયરેક્ટ પ્લેટફોર્મ પર રોકાણકારોને મળતા વ્યાજને આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવે એટલેકે જેમ હાલ ટેક્સ-ફ્રી બોન્ડ પર રાહત મળે છે તેમ જ તેમને છૂટ મળે.
નવેમ્બર, ૨૦૨૧માં રિટેલ ડાયરેક્ટ પ્લેટફોર્મ આરબીઆઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતુ જેમાં સરકારી જામીનગીરીઓની લે-વેચ થાય છે. વ્યક્તિઓ ઓનલાઈન પોર્ટલનો ઉપયોગ કરીને આરબીઆઈ સાથે રિટેલ ડાયરેક્ટ ગિલ્ટ એકાઉન્ટ ખોલી શકે છે. લઘુત્તમ રોકાણ ૧૦,૦૦૦ નક્કી કરવામાં આવ્યું છે.SSS