ઔદ્યોગિક તાલીમ સંસ્થા સરસપુરના તાલીમાર્થી સાલ્વી પંકજભાઈએ ‘વર્લ્ડ સ્કીલ કોમ્પિટિશન-2024’માં રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું
રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ઈલેક્ટ્રોનિકસ સ્કિલમાં ભાગ લઈ ૧૦૦માંથી ૯૮ માર્ક્સ સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યો
ઔદ્યોગિક તાલીમ સંસ્થા, સરસપુર અમદાવાદ શહેરની મધ્યમાં આવેલી છે. આ સંસ્થા સને ઇ.સ.૧૯૩૯થી કાર્યરત છે. જેમાં વિવિધ પ્રકારના કૌશલ્યને લગતી અદ્યતન તાલીમ આપવામાં આવે છે. આ સંસ્થાના ટ્રેડ ઇલેક્ટ્રોનિક્સ મિકેનિકના તાલીમાર્થી સાલ્વી પંકજ રમેશભાઈની ‘વર્લ્ડ સ્કીલ કોમ્પિટિશન-2024’માં ઇલેક્ટ્રોનિક્સ સ્કિલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવી રાષ્ટ્રીય સ્પર્ધામાં પસંદગી થઇ છે, જે ઔદ્યોગિક તાલીમ સંસ્થા સરસપુર માટે ગૌરવપૂર્ણ છે.
આ અંગે વાત કરતા તાલીમાર્થી સાલ્વી પંકજે કહ્યું કે, હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું. મારા પિતા છૂટક દરજી કામ કરે છે. મેં ધોરણ 10માં સારા માર્કસ મેળવ્યા હતાં અને ત્યારબાદ હું હાયર એજ્યુકેશન મેળવવા માંગતો હતો. પરંતુ મારી આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે હાયર એજ્યુકેશનમાં પ્રવેશ મેળવી શકું એમ નહોતો. એટલે મેં વર્ષ ૨૦૨૨માં આઇ.ટી.આઇ સરસપુર ખાતે ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક ટ્રેડમાં બે વર્ષના કોર્ષમાં પ્રવેશ મેળવ્યો અને હાલમાં બીજા વર્ષમાં તાલીમ લઇ રહ્યો છું.
સાલ્વી પંકજે વર્લ્ડ સ્કિલ સ્પર્ધા-૨૦૨૪ની રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ઈલેક્ટ્રોનિકસ સ્કિલમાં ભાગ લઈ ૧૦૦માંથી ૯૮ માર્ક્સ સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જે અન્વયે તેને રૂ. ૫૧૦૦૦ની રકમનું પારિતોષિક ગુજરાત સરકાર દ્વારા જાહેર થયું છે. દિલ્હી ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા-૨૦૨૪માં ભાગ લઈ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે, જે ઔદ્યોગિક તાલીમ સંસ્થા સરસપુર માટે પ્રસંશનીય બાબત છે
તાલીમાર્થી સાલ્વી પંકજે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ટ્રેડ તાલીમ દ્વારા ઘણા બઘા પ્રોજેક્ટ પણ બનાવેલ છે. જેમાનો એક પ્રોજેક્ટ જે વન્યજીવોનાં રક્ષણ માટે અને તેઓને થતાં અકસ્માત નિવારણ માટે ‘Use of Ultrasonic Sensor to Warning Alarm’નો પ્રોજેક્ટ બનાવ્યો છે. આમ, પંકજ ઔદ્યોગિક તાલીમ સંસ્થાનો કોર્ષ પૂર્ણ કર્યા બાદ ભારતની પ્રતિષ્ઠિત સંસ્થા ISRO ખાતે રિસર્ચ સેન્ટરમાં યોગદાન આપવાની મહત્ત્વાકાંક્ષા ધરાવે છે.