‘સિંઘમ’ અને ‘ભૂલ ભુલૈયા૩’ની સીધી ટક્કરથી ૫૦ કરોડનું નુકસાન
એક જ ફિલ્મ રિલીઝ થઈ હોત તો ‘સિંઘમ અગેઈન’ એકલી જ પહેલા દિવસે ૫૫ કરોડથી વધુની કમાઈ શકત
મુંબઈ,દિવાળી વખતે જ્યારે ‘સિંઘમ અગેઇન’ અને ‘ભૂલ ભુલૈયા ૩’ એક સાથે રિલીઝ થવાની હતી ત્યારે લાંબા સમય સુધી આ બંનેમાંથી કોઈ ફિલ્મને નુકસાન થશે અને કોણ કમાણી કરી લેશે એ બાબતે ઘણી ચર્ચાઓ થઈ હતી. જોકે, આ બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ઘણું સારું પ્રદર્શન કર્યું. ટ્રેડ એક્સપર્ટ હવે આ ફિલ્મોની કમાણીના આંકડાઓનું એનાલિસીસ કરે છે, જે મુજબ આ સીધી ટક્કરને કારણે આ બંને ફિલ્મોને કમાણીમાં લગભગ ૫૦ કરોડથી વધુનું નુકસાન થયું છે.
જો તેમની વચ્ચે ટક્કર ન થઈ હોત તો તેઓ ઘણી વધુ કમાણી કરી શક્યા હોત. ટ્રેડ એક્સપર્ટ તરણ આદર્શે જણાવ્યું, “આ બંને ફિલ્મોને સોલો રિલીઝ મળી હોત તો ૨૫-૩૦ ટકા વધુ કમાણી થઈ હોત. આ બંને ફિલ્મો વચ્ચે છેલ્લી ઘડી સુધી સ્ક્રીન બાબતે પણ રસાકસી ચાલતી હતી, તેથી તેઓ બહુ જલદી એડવાન્સ બુકિંગ પણ શરૂ કરી શક્યા નહીં. લોકો તો બંને ફિલ્મો માટે ઘણા દિવસ પહેલાં ટિકિટ લેવા જતાં હતાં, પરંતુ કોને કેટલાં શો આપવા એ નક્કી ન હોવાથી તેઓ ટિકિટ આપી શકતા નહોતા. આ રીતે ખાલી હાથે જવાથી દર્શકો નિઃરાશ થતાં હતાં. તેથી આખરે બધું થોડું અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.”અન્ય એક એનાલિસ્ટ અતુલ મોહને જણાવ્યું,“તેમને ૩૦-૩૫ ટકાનું નુકસાન થયું છે, સોલો રિલીઝ હોત તો બંને ફિલ્મો પહેલાં જ દિવસે ૫૦ કરોડથી વધારેની કમાણી કરી શકી હોત.
સિંઘમ અગેઇનમાં તો ૫૫ કરોડથી વધુ કમાણી કરવાની ક્ષમતા હતી. બંને ફિલ્મો ત્રણ દિવસમાં ૧૦૦ કરોડનો આંકડો પાર કરી ગઈ હતી. જો સોલો રિલીઝ હોત તો આ આંકડો બે દિવસમાં પાર થઈ ગયો હોત અને વીકેન્ડમાં વધારાના ૧૩૦-૧૪૦ કરોડ કમાયા હોત. ટિકિટની કિંમતો ગડબડ થઈ ગઈ, પટનામાં પણ ટિકિટના ભાવ ૪૫૦ જેવા હતા, મને આ જોઈને આંચકો લાગેલો. જો એમણે વધુ લોકોને આકર્ષવા હોય તો ભાવ થોડા સામાન્ય માણસને પોષાય તેવા રાખવા જોઈએ. કમસેકમ સવારના અને બપોરના શોમાં વ્યાજબી ભાવ રાખી શકાયા હોત. તેથી ઘણા લોકોએ ભાવ ઘટવાની રાહ જોઈ અને એવું ના થયું એટલે ફિલ્મ જોવા જઈ શક્યા નહીં.”ફિલ્મ એક્ઝિબિટર અક્ષય રાઠીએ કહ્યું, “જો બંને ફિલ્મોના બધા શો હાઉસફૂલ હોત તો આજે સ્થિતિ કંઈક અલગ હોત. બંને ફિલ્મો સારી ચાલી પરંતુ ઘણા શહેરોમાં ઘણા શોમાં થિએટર ઘણા ખાલી પણ હતા. જોકે, ક્લેશ અને બંને ફિલ્મોની ઘણી ચર્ચાને કારણે લોકોમાં કશુંક ગુમાવ્યાની ભાવના પેદા થઈ, તેના કારણે પણ ઘણા લોકો ફિલ્મ જોવા ગયા. તેનાથી બંને ફિલ્મોને ફાયદો થયો છે.”ss1