અમેરિકા-ચીનમાં ફરી કોરોનાનો ફેલાવો-ભારતમાં પણ વધી શકે છે ખતરો
(એજન્સી)નવીદિલ્હી, બે વર્ષથી પણ વધુ સમય સુધી દુનિયાને ઘમરોળી નાખનાર મહાકાય સમાન બની રહેલા કોરોના સામે લડી-લડી દુનિયા માંડ ઝંપી હતી, ત્યાં ફરી એકવાર કોરોનાના કેસો વધતા જતાં દેખાય છે. છેલ્લાં કેટલાંક સપ્તાહોમાં અમેરિકામાં કોરોના સંક્રમિત લોકોને હોસ્પિટલાઇઝડ કરાયા હોવાના કેસો વધી રહ્યાં છે.
૧૧ નવેમ્બરે પૂરા થયેલાં સપ્તાહમાં ત્યાં કોરોના સંક્રમિત તેવા ૧૬,૨૩૯ દર્દીઓ હોસ્પિટલમાં ભરતી થયા છે. આ જાેતાં કોરોનાના કેસોમાં એક સપ્તાહમાં જ ૮.૬ ટકાનો વધારો જાેવા મળ્યો છે. સીડીસીના મેપ પ્રમાણે અમેરિકાનાં ૧૪ રાજ્યોમાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે.
રીપોર્ટસ પ્રમાણે અમેરિકાના અપર-મિડ-વેસ્ટ સાઉથ એટલાંટિક અને સઘર્ન માઉન્ટન્સમાં કોરોનાના કેસો ઝડપભેર વધી રહ્યા છે. જાણકારો કહે છે કે જેમ જેમ ઠંડી વધતી જશે તેમ તેમ સંક્રમક બિમારીઓ વધવાનો ખતરો પણ વધતો જશે. ૨૦૨૦નો સર્વે દર્શાવે છે કે કોરોનાના વાયરસ ઠંડીમાં અને સૂકી ઋતુમાં વધુ પડકારરૂપ બની રહે છે.
અમેરિકામાં જૂન પછી સપ્ટેમ્બર સુધીમાં કોરોનાના કેસોમાં વધારો જાેવા મળ્યો હતો. જાેકે ઓક્ટોબરમાં તેનો ફેલાવો પ્રમાણમાં ધીમો રહ્યો હતો. ગત વર્ષના જાન્યુઆરી કરતાં આ વર્ષે થોડા ઓછા કેસ નોંધાયા છે. ગત વર્ષે જાન્યુઆરીમાં ૧,૫૦,૬૦૦ કેસો નોંધાયા હતા. જાણકારોને આ સાથે તે આશંકા છે કે ઘણા એવા પણ દર્દીઓ હશે કે જે હોસ્પિટલ સુધી ગયા પણ નહીં હોય એવા પણ વિસ્તારો હશે કે જ્યાં કોરોનાના કેસો બન્યા હશે, પરંતુ તે વિષે સ્પષ્ટ માહિતી મળી શકે તેમ નથી.
બીજી તરફ ચીનમાં પણ કોરોનાના કેસો વધી રહ્યાં છે. શિયાળો બેસતાં તે કેસોમાં વૃદ્ધિ જાેવા મળી છે. આથી સરકારે જાહેર કર્યું છે કે લોકોએ વહેલી વહેલી તકે ‘રસી’ લઈ લેવી.
ઓક્ટોબર મહીનામાં ચીનમાં ૨૪ લોકોના કોરોનાને લીધે જાન ગયા હતા. નિષ્ણાતો જણાવે છે કે આ વખતે ચીનમાં કોરોનાનો એક્સ-એક્સ-બી વેરિયન્ટ પ્રસરી રહ્યો છે. આ વેરિયન્ટ શિયાળામાં વધુ એક્ટિવ થાય છે. તેમાં વળી મુશ્કેલી તે વધી છે કે ચીનમાં જે ‘રસી’ બનાવવામાં આવી છે તે આ નવા વેરિયન્ટ ઉપર બહુ અસરકારક નથી. આથી ચીનના લોકોમાં દહેશત ફેલાઈ રહી છે.