ગુજરાતના આ જાણીતા કલાકારે ડાયરામાં થયેલી સવા નવ કરોડની આવક સામાજિક સેવામાં વાપરીઃ PM મોદી
વડાપ્રધાને ગુજરાતના ડાયરાના કલાકાર જગદીશ ત્રિવેદીને મન કી બાતમાં યાદ કર્યા-ગુજરાતના પ્રસિધ્ધ કલાકાર જગદીશ ત્રિવેદીની સામાજિક સેવાને PM મોદીએ વખાણી
Ph.D. ની ડિગ્રી ધરાવતા જગદીશ ત્રિવેદીએ ૭૫ પુસ્તકો લખ્યાં છે.
નવી દિલ્હી, આજે ૨૦૨૩ ના વર્ષનો અંતિમ દિવસ છે. ૨૦૨૩ નું વર્ષ બસ થોડા જ કલાકનું મહેમાન છે, અને ૨૦૨૪નું વર્ષ થોડા જ કલાકમાં એન્ટ્રી કરશે. આવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વર્ષ ૨૦૨૩ના છેલ્લા દિવસે મન કી બાતમાં સંબોધન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (૩૧ ડિસેમ્બર) તેમના રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશની જનતાને સંબોધિત કરી હતી. આ વર્ષનો આ છેલ્લો મન કી બાત કાર્યક્રમ છે. પીએમ મોદીએ કહ્યું કે જે રીતે હું મારા પરિવારના લોકોને મળ્યા પછી અનુભવું છું, આ રેડિયો પ્રોગ્રામ દ્વારા તમારા લોકો સાથે વાત કર્યા પછી મને એવું જ લાગે છે. વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને ૨૦૨૪ની શુભેચ્છા પાઠવી હતી.
મોદીએ કહ્યું કે, ૨૦૨૩માં ભારતે અનેક વિશેષ ઉપલબ્ધિઓ મેળવી. નવી ઉર્જા સાથે હવે આપણે આગળ વધવાનું છે. આ સાથે જ PM મોદીએ દેશવાસીઓને નવા વર્ષની શુભકામના આપી. ત્યારે મન કી બાતમાં વડાપ્રધાને ગુજરાતના ડાયરાના કલાકાર જગદીશ ત્રિવેદીને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે ડાયરામાં આવેલા દાનનો એક રૂપિયો તેમણે પોતાની પાસે નથી રાખ્યો. વર્ષ ૨૦૧૭માં ૫૦ વર્ષના થયા બાદ તેમણે આવક દાન કરી.
મન કી બાતમાં પીએમ મોદીએ ગુજરાતના કલાકારનો ઉલ્લેખ કર્યો તેમજ તેમની કામગીરીને બિરદાવી હતી. લોક સાહિત્યકાર જગદીશ ત્રિવેદીના વડાપ્રધાને વખાણ કર્યા હતા. જગદીશ ત્રિવેદીએ સેવાનું સરવૈયું નામથી પુસ્તક લખ્યું છે. જેમાં ડાયરાથી થયેલી કમાણી અને તેના ખર્ચનો જગદીશ ત્રિવેદીએ હિસાબ આપ્યો છે. ૨૦૧૭ માં ૫૦ વર્ષના થયા બાદ જગદીશ ત્રિવેદી ડાયરાની કમાણી માત્ર સામાજિક કાર્યો માટે વાપરે છે.
જગદીશ ત્રિવેદીના સંકલ્પ અને કાર્યની પ્રધાનમંત્રીએ ભરપૂર પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, જગદીશ ત્રિવેદીના ડાયરા લોકોને ખૂબ જ પસંદ આવે છે. Ph.D. ની ડિગ્રી ધરાવતા જગદીશ ત્રિવેદીએ ૭૫ પુસ્તકો લખ્યાં છે. અત્યાર સુધીમાં પોણા ૯ કરોડથી વધુ રૂપિયા જગદીશ ત્રિવેદીએ દાનમાં આપ્યા છે. મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે આ વર્ષે આપણા ખેલાડીઓએ રમતગમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.
અમારા ખેલાડીઓએ એશિયન ગેમ્સમાં ૧૦૭ મેડલ અને એશિયન પેરા ગેમ્સમાં ૧૧૧ મેડલ જીત્યા છે. તો ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ખેલાડીઓએ પોતાના પ્રદર્શનથી દરેકના દિલ જીતી લીધા હતા. મોદીએ કહ્યું કે ભારતનું ‘ઈનોવેશન હબ’ બનવું એ દર્શાવે છે કે આપણે અટકવાના નથી. ૨૦૧૫માં આપણે ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સમાં ૮૧મા ક્રમે હતા. જો કે આજે આપણે ૪૦મા ક્રમે છીએ.ર્