Western Times News

Gujarati News

કોર્પોરેટરના ઘરમાં આગ લાગતાં પુત્રનું કરૂણ મોતઃ પરિવાર ધાબા પર ચઢી જતાં બચી ગયો

AAP ના જીતેન્દ્ર કાછડિયાનો 17 વર્ષીય પુત્ર પ્રિન્સ ધો. 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો અને સોમવારથી તેની વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ થવાનો હતો.

સુરત, મહાનગર પાલિકાના કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયાના (AAP) નિવાસ સ્થાને મોડી રાત્રે આગ ફાટી નીકળતાં તેમના પુત્રનું ગુંગળામણને કારણે મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી પ્રસરી જવા પામી છે. આગ ફાટી નીકળવાની ઘટનાને પગલે પરિવારના અન્ય સભ્યો ધાબા પર પહોંચવામાં સફળ રહ્યા હતા. જો કે, ધુમાડાને કારણે જીતેન્દ્ર કાછડિયાનો પુત્ર બેડરૂમમાં ફસાઈ ગયો હતો અને જેને કારણે તેનું મોત નિપજ્યું હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર મોટા વરાછા ખાતે આવેલ આનંદધારા સોસાયટીમાં સંયુક્ત પરિવાર સાથે વસવાટ કરતાં આમ આદમી પાર્ટીના વોર્ડ નં. 16 (પુણા – વેસ્ટ)ના કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયાના મકાનમાં મોડી રાત્રે અંદાજે દોઢ વાગ્યે અચાનક આગ ફાટી નીકળી હતી. જો કે, પરિવારના અન્ય તમામ સભ્યો નિંદ્રામાં હોવાને કારણે આગ પર કાબુ મેળવવામાં આવે તે પહેલાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

પહેલા માળે લાગેલી આગ જોતજોતામાં વિકરાળ બનતાં બીજા માળે બેડરૂમમાં સુઈ રહેલ જીતેન્દ્ર કાછડિયાના પત્ની અનીતા કાછડિયાને પોતાના દિયર નટુ કાછડિયા સહિત પરિવારના અન્ય સભ્યોને ઉઠ્યા હતા. પહેલા માળે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં ધુમાડો બીજા માળ સુધી પ્રસરી જતાં પરિવારના તમામે તમામ સાત સભ્યો ધાબા તરફ ઘસી ગયા હતા.

આ દરમિયાન જીતેન્દ્ર કાછડિયાનો 17 વર્ષીય પુત્ર પ્રિન્સ ધાબા પર જોવા ન મળતાં પરિવારજનોએ પુનઃ બીજા માળે પહોંચીને શોધખોળ હાથ ધરી હતી. ભારે શોધખોળ છતાં પ્રિન્સની કોઈ ભાળ મળી ન હતી. બીજી તરફ ઘટના સ્થળે પહોંચેલા ફાયર વિભાગના જવાનો દ્વારા પણ પ્રિન્સની શોધખોળ હાથ ધરવામાં આવતાં ભારે જહેમત બાદ ત્રીજા માળ પર આવેલા બેડરૂમમાં પ્રિન્સ ગંભીર હાલતમાં મળી આવ્યો હતો.

તાત્કાલિક પરિવારના સભ્યો દ્વારા પ્રિન્સને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવતાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મોડી રાત્રે સર્જાયેલી આ હોનારતને પગલે આસપાસના વિસ્તારમાં પણ ભારે ચકચાર મચી જવા પામી હતી.

જીતેન્દ્ર કાછડિયાનો 17 વર્ષીય પુત્ર પ્રિન્સ ધો. 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો અને સોમવારથી તેની વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ થવાનો હતો. જો કે, તેનું અકાળે નિધન થતાં તેની સાથે અભ્યાસ કરતાં વિદ્યાર્થી મિત્રોમાં પણ ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

આજે શિવરાત્રિને પગલે કાછડિયા પરિવારના તમામ સભ્યોએ ઘર પાસે આવેલા શિવજીના મંદિરે પુજા અર્ચના માટેની તૈયારી કરી હતી અને સવારે ચાર વાગ્યે ઉઠીને તમામ સભ્યો મંદિરે જવાના હતા. જો કે, ગણતરીનાં સમયમાં સર્જાયેલી હોનારતમાં પરિવારે માસુમ પુત્ર ગુમાવવાનો વારો આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.