પાટીદાર આંદોલન વખતે પિતા-પુત્રની હત્યા કરનાર બે ને 8 વર્ષની સજા
સુરતમાં રેલી વખતે ઝઘડો કરીને પિતા-પુત્રને રહેંસી નાખ્યા હતા
સુરત, વર્ષ ર૦૧પમાં પાટીદાર આંદોલન વખતે પાટીદાર સમાજની રેલી નીકળવાની હતી, તે વખતે અમરોલી શ્રીરામનગર ખાતે હીરાનું કારખાનું ચાલુ છે કે બંધ? તે બાબતે પુછપરછ કરવા ગયેલા યુવક સાથે ઝઘડો કરી વચ્ચે પડેલા યુવકના પિતા અને ભાઈની હત્યા કરી દેવાઈ હતી. હત્યા કરનાર ર આરોપીઓને ગુરુવારે સુરત કોર્ટે ૮ વર્ષની સખત કેદ ને રૂ.પ હજારનો દંડ ભરવા હુકમ કર્યો હતો.
આ કેસની વિગત અનુસાર અમરોલી ગુજરાત હાઉસીંગ બોર્ડ ખાતે રહેતો વિકાસ શેલેન્દ્રસીંગ રાજપુત અને ર૦૧પમાં તેના મામા ભાસ્કરસીંગ ગુ.હા.બોર્ડની બાજુમાં શ્રી રામનગરમાં ભાડેથી રહેતા હતા. નજીકમાં હીરાના કારખાનામાં કામ કરતા હતા. એટલે પાટીદાર સમાજની રેલી નીકળવાની હોવાથી કારખાનુ ચાલુ છે કે બંધ તે બાબતે શ્રીરામનગરમાં પુછપરછ કરવા ગયા હતા.
દરમિયાન ભાસ્કરસિંઘની રૂમમાં રહેતા આરોપી મહેશસીંગ ઉર્ફે મુન્નાસીંગ રામબાબુસીંગ રાજપુત (રહે. શ્રીરામનગર સોસાયટી, ગુ.હા.બોર્ડ, અમરોલી) રમેશસીંગ ઉર્ફે મંગલસીંગ રામબાબુસીંગ રાજપુત (રહે. સુધીર ગોપીનાથ જેમ્સ, અનાથ આશ્રમ રોડ, કતારગામ) એ વિકાસ રાજપુતને ગાળો આપી હતી. ઈધર તુજે તેરા મામા દિખાઈ દેતા હૈ.. તેમ કહ્યું હતું.
ગાળો આપવાની ના કહેતા મહેશસીંગ અને તેના ભાઈ રમેશસીંગ ઉશ્કેરાઈને લાકડાના ફટકા તેમજ ચપ્પુ વડે વિકાસ રાજપુત ઉપર હુમલોકરી દીધો હતો આ હુમલા વખતે વિકાસના પિતા શૈલેન્દ્રસિંહ રાજપુત અને તેનો ભાઈ નટવરસિંગ તેમજ રૂપેશસીંગ ઝઘડો છોડાવવા વચ્ચે પડયા હતા. જેમાં મહેશસીંગ અને તેના ભાઈ રમેશસીંગે ચપ્પુ વડે શૈલેન્દ્રસિંગ અને તેના પુત્ર નટવરસિંગ ઉપર જીવલેણ હુમલો કરી હત્યા કરી નાખી હતી.
આ બનાવ અંગે અમરોલી પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ અરવિંદ વસોયાએ હાજર રહી આરોપીઓને સખત સજા કરવા દલીલો કીર હતી. કોર્ટે બંને પક્ષની દલીલો બાદ મહેશસીંગ રાજપુત અને તેના ભાઈ રમેશસીંગ રાજપુતને કોર્ટે કસૂરવાર ઠેરવી બંને આરોપીને ૮ વર્ષ અને ૪ માસની સખત કેદની સજા અને રૂ.પ હજાર દંડ ભરવા હુકમ કર્યો હતો.