ભારત-ચીન સેનાની વચ્ચે સિક્કિમમાં થયું હતું સામાન્ય ઘર્ષણ, સ્થાનિક કમાન્ડરોએ વિવાદ ઉકેલ્યો – ભારતીય સેના
નવી દિલ્હીઃ ભારત અને ચીનની વચ્ચે સિક્કિમમાં સામાન્ય ઘર્ષણ થવાના અહેવાલ સામે આવી રહ્યા છે. બંને દેશોની સેનાઓની વચ્ચે LAC પર આ ઘર્ષણ 20 જાન્યુઆરીએ સિક્કિમના નાકૂ લા વિસ્તારમાં થયું હતું. આ વિવાદને સ્થાનિક કમાન્ડરો સ્તર પર ઉકેલી લેવામાં આવ્યો છે. ભારતીય સેના તરફથી સોમવારે તેની પુષ્ટિ કરવામાં આવી છે. સૂત્રો મુજબ, ચીનના સૈનિકોએ વાસ્તવિક નિયંત્રણ રેખા ને પાર કરવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ ભારતીય જવાનોએ તેમને રોકી દીધા. બંને તરફથી કેટલાક સૈનિકોને સામાન્ય ઈજા થઈ હોવાના અહેવાલ છે.
ભારતીય સેનાએ એક નિવેદનમાં કહ્યું કે, સિક્કિમમાં ભારતીય સેના અને PLA સૈનિકોની વચ્ચે ઘર્ષણ સાથે જોડાયેલા અનેક સવાલ મળ્યા છે. એ સ્પષ્ટ કરવામાં આવે છે કે 20 જાન્યુઆરીએ ઉત્તર સિક્કિમના નાકૂ લા વિસ્તારમાં ચીની સૈનિકો અને ભારતીય જવાનોની વચ્ચે સામાન્ય ઘર્ષણ થયું હતું. જેને નિર્ધારિત પ્રોટોકોલ હેઠળ કમાન્ડર સ્તરે ઉકેલી લેવામાં આવ્યું.
સૂત્રો મુજબ, ચીની સૈનિકોએ LAC પાર કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાં સરહદ પર તૈનાત ભારતીય જવાનોએ તેમને રોક્યા. કહેવામાં આવી રહ્યું છે કે ચીની સૈનિક યથાસ્થિતિમાં ફેરફાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેને ભારતીય જવાનોએ નિષ્ફળ બનાવી દીધો.