નવા હોદ્દેદારોના હસ્તે પાંચ વોટર ડી. સ્ટેશનના લોકાર્પણ થાય તેવી શક્યતા

Files Photo
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શાસક પક્ષના હોદ્દેદારોએ પદભાર સંભાળતા જ ખાતમર્હુત અને લોકાર્પણની સીઝન શરૂ થશે. કોરોના અને લોકડાઉનના કારણે ગત્ ટર્મના હોદ્દેદારો જે કામના લોકાર્પણ કરી શકયા ન હતા તેના લોકાર્પણ નવા હોદ્દેદારો કરશે જેની શરૂઆત પાંચ વો.ડી. સ્ટેશનથી કરવામાં આવે તેવી શક્યતા છે.
મ્યુનિ. વોટર પ્રોજેકટ વિભાગ દ્વારા પાંચ વો.ડી. સ્ટેશન કામ પૂર્ણ કરવામાં આવ્યા છે જેના લોકાર્પણ નવા હોદ્દેદારો દ્વારા કરવામાં આવે તેવી શક્યતા છે.
સુત્રોએ જણાવ્યા મુજબ ઉત્તર ઝોનના સરદારનગર વોર્ડમાં રૂા.૧૭.૦૩ કરોડ, સોલા વો.ડી. સ્ટેશનમાં રૂા.૬.૭૯ કરોડના ખર્ચથી વિસ્તૃતીકરણ ઉત્તરઝોનના નરોડા વોર્ડમાં રૂા.૪.૦ર કરોડના ખર્ચથી તયાર થયેલ વો.ડી. સ્ટેશન, સ્ટેડીયમ વોર્ડમાં મહેસાણા સોસાયટી પાસે રૂા.૧૯.૧૬ કરોડ તથા બહેરામપુરા વોર્ડમાં ચંડોળા તળાવ પાસે રૂા.ર.ર૪ કરોડના ખર્ચથી વો.ડી. સ્ટેશન તૈયાર થઈ ગયા છે. તથા બે ત્રણ દિવસમાં જ લોકાર્પણની તારીખ નકકી થઈ શકે છે.
સરદારનગર વોર્ડમાં હાઈડ્રો ટેસ્ટીંગની કામગીરી ચાલી રહી છે જયારે નરોડા વોર્ડમાં હયાત લાઈન જાેડાણનું કામ ચાલે છે જે ર૦ માર્ચ સુધી પૂર્ણ થઈ જશે. તેવી જ રીતે સ્ટેડીયમ અને બહેરામપુરા વોર્ડના વો.ડી. સ્ટેશનમાં ર૦ માર્ચ સુધી તમામ કામ પુરા થઈ જશે.
આ તમામ વો.ડી. સ્ટેશનના કામ ત્રણ વર્ષ પહેલા જનરલ બજેટમાં મંજુર કરવામાં આવ્યા હતા. ર૦ર૦-ર૧ ના બજેટમાં જે વો.ડી. સ્ટેશનના કામ મંજુર કરવામાં આવ્યા છે તે પ્લોટ ઉપલબ્ધ થયા બાદ કરવામાં આવશે. શહેરમાં હાલ ૩૯ સ્થળે વો.ડી. સ્ટેશનના કામ ચાલી રહયા છે. જયારે ર૦૯ હયાત વો.ડી. સ્ટેશન છે પૈકી ૬૮ ઓવરહેડ ટાંકીઓ છે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.