દસકોઈ તાલુકાનાં નાંદેજ અને સેજા ખાતે પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી.
પ્રધાનમંત્રીશ્રી દ્વારા વર્ષ ૨૦૧૮ માં શરુ કરાયેલ પોષણ અભિયાન એક હિતકારી યોજના છે. જેનો હેતુ બાળકો અને સ્ત્રીઓમાં રહેલ કુપોષણને દૂર કરવા અને દરેકને આરોગ્ય અને પોષણ સુનિશ્ચિત સ્વરૂપે મળે તે માટે જનભાગીદારી થકી દેશમાથી કુપોષણને દૂર કરવાનો છે. જે અંતર્ગત ૩૧ માર્ચ સુધીપોષણ પખવાડિયાની ઉજવણી કરવાનુ આયોજન હાથ ધરવામાં આવ્યુ હતું.
અમદાવાદ જિલ્લા આઇસીડીએસ દ્વારા પોષણ અભિયાન અંતર્ગત સમગ્ર જીલ્લામાં ઉજવણી કરવામાં આવી રહી છે.જે અંતર્ગત દસક્રોઈ તાલુકાના ICDS ઘટક-૨ના નાંદેજ -૦૧ સેજામાં વાનગી અને મહેંદી હરિફાઈનું આયોજન કરવામાં આવ્યુ હતું.
મેડિકલ ઓફિસર સુશ્રી ધનેશ્રીબહેન દ્વારા કોરોનાની રસીકરણ અંગેની માહિતી આપવામાં આવી. પૂર્ણા કન્સલટન્ટ સુશ્રી જવનિકાબેને સેનેટરી પેડ તથા મહિલાઓની યોજનાકીય બાબતોથી માહિતગાર કર્યા હતા.
કોરોનાની મહામારી વચ્ચે આરોગ્યલક્ષી સંદેશો પહોંચાડવા પૌષ્ટિક ખોરાક, સેનિટેશન, અને આંગણવાડીમાં આપવામાં આવતા પૂર્ણા, માતૃ અને બાલશક્તિ પ્રીમિક્સ પેકેટમાંથી અવનવી વાનગીઓ બનાવીને તેના ગુણો વિશે લોકોને વિસ્તૃત માહિતી CDPO દ્વારા આપવામાં આવી હતી.
વિસરાતી જતી અનેક વાનગીઓ આંગણવાડીની બહેનો અને હેલ્પર બહેનો દ્વારા બનાવવામાં આવી હતી જેમાં કેક, થેપલા, હાંડવો બીટના રસગુલ્લા, સુખડી, સલાડનું ડેકોરેશન સાથે નિદર્શન કરવામાં આવ્યું હતુ. પૌષ્ટિક ખોરાકથી રોગપ્રતિકારક શક્તિ વધારવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં તલાટીશ્રી, સરપંચ, અને ગ્રામ પંચાયતના સભ્યો, NNM સ્ટાફ, તથા આંગણવાડી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.