ઝઘડિયાના દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયતમાં માહિતી અધિકાર કાયદા મુજબ માંગેલ માહિતી નહીં આપતા TDOને અપીલ
દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયતના નાગરિક દ્વારા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ વિકાસના કામો બાબતે ગ્રામ પંચાયતમાં માહિતી માંગવામાં આવી હતી.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ઝઘડિયા તાલુકાના દુમાલા વાઘપુરા ગામે રહેતા અજય સુનિલ વસાવા નામના ઈસમે ગત જૂન માસમાં ગ્રામ પંચાયતના તલાટી પાસે માહિતી અધિકારી કાયદા હેઠળ દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયતની હદમાં સરકારી ગ્રાન્ટમાંથી કરવામાં આવેલ વિવિધ વિકાસના કામોની માહિતી માંગી હતી.
જેમાં છેલ્લા પાંચ વર્ષમાં સરકાર તરફથી મળેલ કુલ ગ્રાંટની માહિતી,તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત તરફથી છેલ્લા પાંચ વર્ષની કુલ ગ્રાંટની માહિતી,સંસદ સભ્ય તરફથી મળેલ ગ્રાન્ટ ની માહિતી, ગ્રામ પંચાયતની હદમાં બનાવવામાં આવેલ મત્સ્ય ઉદ્યોગ માટે ફાળવવામાં આવેલ ગ્રાંટની માહિતી,
ગ્રામ પંચાયતની હદમાં બનાવવામાં આવેલ બાગ ની ગ્રાંટની માહિતી, ગ્રામ પંચાયતની હદમાં આવેલ ચંદન નગરીમાં બનાવવામાં આવેલ પાણીની ટાંકી બાબતે મેળવવામાં આવેલ કુલ ગ્રાંટની માહિતી વિગેરે અરજદાર અજય ચુનીલાલ વસાવા દ્વારા માંગવામાં આવી હતી,
પરંતુ માહિતી માંગનારને ગ્રામ પંચાયત દુમાલા વાઘપુરા દ્વારા માંગવામાં આવેલી માહિતી આજદિન સુધી આપવામાં આવેલ નથી જેથી તેણે અપીલ સત્તા અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત ઝઘડિયા ને રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટ ૨૦૦૫ હેઠળ અપીલ કરી છે.