Western Times News

Gujarati News

રાજકોટ : પત્નિએ જ પ્રેમી સાથે મળી હત્યા કરી હતી

અમદાવાદ: રાજકોટ શહેરની ભાગોળે કોઠારિયા સોલવન્ટ પાસેના મચ્છોનગરમાં રહેતા પરેશ નાથાભાઇ ગોહેલ નામના યુવકની ગળાટૂંપો દઇ હત્યા કરાયેલી લાશ મળવાના ચકચારી પ્રકરણનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. રાજકોટ પોલીસે તેની પત્ની કિરણબેન અને તેના પ્રેમી મયુર ઉર્ફે મયલો ચંદુભાઇ ચાવડીયાની ધરપકડ કરી છે. પરેશ તેની પત્ની કિરણ અને બાળકોને અવારનવાર મારતો હતો. આથી કિરણે તેના પ્રેમી મયુરને સાથે રાખી પરેશનું ગળુ દબાવી હત્યા કરી હતી.

રાજકોટના કોઠારિયા સોલવન્ટ પાણીના ટાંકા નજીક આદર્શ ગ્રીન સોસાયટી સામે ખુલ્લા પટમાંથી શનિવારે મચ્છોનગરના યુવક પરેશ નાથાભાઇ ગોહેલ (ઉ.વ.૪૨)ની લાશ મળી આવી હતી. મૃતકના ગળાના ભાગે ઇજાના નિશાન હોવાથી આજી ડેમ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ રાઠોડ સહિતના સ્ટાફે લાશનું ફોરેન્સિક નિષ્ણાંત પાસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
પરેશને ગળાટૂંપો દઇ મોતને ઘાટ ઉતારી દેવાયાનો પર્દાફાશ થતાં પોલીસે મૃતકના મોટાભાઇ કાળુભાઇ નાથાભાઇ ગોહેલની ફરિયાદ પરથી હત્યાનો ગુનો નોંધ્યો હતો.

લાશ જ્યાંથી મળી તે સ્થળે સીસીટીવી કેમેરા ના હોય તેમજ મૃતક મોબાઇલ રાખતો નહીં હોવાથી હત્યારા સુધી પહોંચવું પોલીસ માટે પડકારરૂપ બન્યું હતું. પોલીસે બાતમીદારોને કામે લગાડતાં હત્યાનો ભેદ ઉકેલાઇ ગયો હતો. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, પરેશ અને તેની પત્નીને લાંબા સમયથી મનમેળ નહોતો. પરેશ તેની પત્ની અને સંતાનોને છોડી મચ્છોનગરમાં તેની માતા સાથે રહેતો હતો. પત્નીએ આખરે પોતાના પ્રેમી સાથે મળી પતિનું ઠંડા કલેજે કાસળ કાઢી નાંખ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.