Western Times News

Gujarati News

‘અનુબંધમ’ વેબ પોર્ટલ રોજગાર મેળવવા અને નોકરી દાતા માટે સેતુ સમાન

ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ ૨૦૨૧-૨૨માં યોજાયેલા વિવિધ ૨૯ રોજગાર મેળા દ્વારા ૨,૫૯૨ તેમજ વર્ષ ૨૦૨૨-૨૩માં ૪૨ રોજગાર મેળામાં ૨,૭૩૯ એમ છેલ્લા બે વર્ષમાં કુલ ૫૩૩૧ યુવક-યુવતીઓને વિવિધ નોકરીદાતા દ્વારા રોજગારી આપવામાં આવી છે તેમ વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય શ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહ રાજપુતે જણાવ્યુ હતું.

મંત્રીશ્રીએ પેટા પ્રશ્નનો ઉત્તર આપતા કહ્યું હતું કે વિશેષ કૌશલ્ય ધરાવતા યુવક-યુવતીઓને રોજગારી આપવા વિવિધ શાળા કોલેજો અને આઇ.ટી.આઇ.માં ૨૯ રોજગાર ભરતી મેળા તેમજ વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ ૪૨ રોજગાર ભરતી મેળા યોજાયા હતા. જેમાં કુલ ૧૫૬ નોકરીદાતા કંપનીઓએ ભાગ લીધો હતો.

મંત્રીશ્રી રાજપૂતે વધુ વિગતો આપતા ગૃહમાં જણાવ્યું હતું કે રોજગાર વાંચ્છુ યુવક-યુવતીઓને ઓનલાઇન માધ્યમથી તમામ વિગતો મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા ‘અનુબંધમ’ વેબ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ રોજગાર ઇચ્છુક યુવાનો અને નોકરી દાતા વચ્ચે સેતુ સમાન છે તેમ મંત્રીશ્રી એ ઉમેર્યુ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.