Western Times News

Gujarati News

અમરનાથની યાત્રા દરમિયાન એક ગુજરાતીનું મોત નિપજ્યું

File

(એજન્સી)વડોદરા, હાલમાં અમરનાથ યાત્રા ખરાબ વાતાવરણને કારણે અટકાવી દેવામાં આવી છે. ત્યારે બાબા અમરનાથની યાત્રાએ ગયેલા શહેરના વેમાલી ગામના માજી પંચાયત સભ્ય રાજેન્દ્ર ભાટીયા અસહ્ય ઠંડીનો સામનો ન કરી શકતા મોતને ભેટ્યા હોવાનું સામે આવ્યું છે.

વડોદરાના વેમાલી ગામમાં રહેતા રાજેન્દ્રભાઇ મોહનભાઇ ભાટીયા અમરનાથ યાત્રામાં ગયા હતા. તેઓની સાથે વેમાલી ગામમાં રહેતા રમણભાઇ પરમાર તેમજ હોમગાર્ડમાં ફરજ બજાવતી બે મહિલાઓ અને દુમાડ ગામના એક યાત્રાળુઓ પણ બાબા અમરનાથના દર્શને ગયા હતા.

વેમાલી ગામના માજી સરપંચ રાજેન્દ્રભાઇ ભાટીયા સહિત તેઓની બસના યાત્રિકો પહેલગાંવથી બાબાની ગુફા તરફ યાત્રા શરૂ કરી દીધી હતી. પરંતુ, વાતાવરણ સારું ના હોવાથી યાત્રિકોને પંચતરણી ખાતે રોકી દેવામાં આવ્યા હતા.

પંચતરણીમાં ભારે વરસાદ અને માઇનસ ડિગ્રી ઠંડી હોવાથી અનેક યાત્રીકોથી ઠંડી સહન ન થતાં બીમાર પડવાનું શરૂ થયું હતું. જેમાં વેમાલી ગામના રાજેન્દ્રભાઇ ભાટીયાની તબિયત બગડતા તેમનું મોત નીપજ્યું હતું.

અમરનાથ યાત્રા દરમિયાન મોતને ભેટેલા રાજેન્દ્રભાઇ ભાટીયા વેમાલી ગામમાં સલુન ચલાવતા હતા. ઉપરાંત તેઓ છેલ્લા કેટલાંક વર્ષોથી હોમગાર્ડમાં પણ સેવા આપતા હતા. રાજેન્દ્રભાઇને પરિવારમાં પત્ની, બે દીકરી અને એક પુત્ર છે. ઉપરાંત ભાઇ-ભાભી સહિતનો બહોળો પરિવાર છે.

વેમાલીના નિલેશભાઈ પટેલે જાણવ્યા અનુસાર રાજેન્દ્રભાઈ ભાટિયાનું મોત થતાં તેમનો મૃતદેહ પ્લેન દ્વારા વડોદરા લાવવામાં આવશે. જે માટેની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.