Western Times News

Gujarati News

નારોલમાં ખાડામાં ફસાતા સ્કૂલ રિક્ષા પલટી ખાઈ ગઈ

પ્રતિકાત્મક

બાળકોને ઈજા પહોંચવાની આટલી મોટી ઘટનાના પગલે તંત્રની બેદરકારી સામે આવી

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરમાં ઠેર-ઠેર મહાનગરપાલિકાએ ખાડા ખોદી નાંખ્યા છે. ત્યારે તેને કારણે શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ખાડાઓમાં અમદાવાદની જનતા જ પડી રહી છે. તંત્રના પાપે શહેરીજનોને હેરાન થવાનો વારો આવ્યો છે. ત્યારે નારોલની એક ઘટના બાદ શહેરીજનોમાં આક્રોશ ફેલાયો છે.

મળતી માહિતી પ્રમાણે, નારોલ વિસ્તારમાં કાદવમાં એક સ્કૂલ રીક્ષા ફસાઈ હતી અને સ્કૂલ રીક્ષા પલટી ખાઈ જતા સ્કૂલ રિક્ષામાં સવાર બાળકોને ઈજાઓ પહોંચી છે. મહત્વનું છે કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ બાળકોને ઈજા પહોંચવાની આટલી મોટી ઘટના બાદ તંત્રની બેદરકારી સામે આવી છે

અને સ્થાનિકો દ્વારા તંત્ર પ્રત્યે રોષ ઠાલવવામાં આવી રહ્યો છે.નારોલ વિસ્તારમાં શક્તિ વિદ્યામંદિર સ્કૂલના બાળકો શાળાએ જવા સ્કૂલ રિક્ષામાં જઈ રહ્યા હતા. ત્યારે કાદવમાં રીક્ષા ફસાઈ જતા પલટી ખાઈ ગઈ હતી. રિક્ષા પલટી મારી જતા સવાર બાળકો પણ કાદવમાં પડ્યા હતા.

આ ઘટના બાદ સ્થાનિકોના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રીક્ષાને સીધી કરી હતી. આ ઘટનાની જાણ થતા વાલીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. રિક્ષા પલટી ખાતા બાળકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. રંગોલી નગર પાસે રહેતા સ્થાનિક લોકોએ જણાવ્યું હતુ કે, ‘વરસાદનો વિરામ થઈ જવા છતાં આ વિસ્તારમાં પાણી ઓસરતા નથી

અને તેના કારણે આ પ્રકારે કાદવ થાય છે. આ પહેલીવાર નથી આ કાદવમાં અનેકવાર વાહનો ફસાઈને પડ્યાં છે. હવે આ સ્કૂલ રિક્ષા પણ કાદવમાંથી બહાર નીકળવા જતા પલટી મારી ગઈ હતી. આ કોર્પોરેશનની બેદરકારી નહીં તો બીજુ શું કહેવાય.

જ્યારે જ્યારે વરસાદ પડે છે ત્યારે આ પ્રકારે અહીં કાદવ કિચડ થાય છે. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અહીં નથી. જેથી કરીને વરસાદ બાદ દિવસો સુધી અહીં પાણી ભરાયેલા રહે છે. અહીં રોગચાળો તો ફેલાવાની શક્યતા છે જ સાથે સાથે આ પ્રકારે કાદવના કારણે વાહનોની અકસ્માતની ઘટનાઓ પણ બની રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.