PGVCLના ડેપ્યૂટી ઇજનેર વિરુદ્ધ એટ્રોસિટી તેમજ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો
પીજીવીસીએલમાં ડેપ્યુટી ઇજનેર તરીકે ફરજ બજાવનારા અંકિત અગ્રાવત વિરુદ્ધ એટ્રોસિટી તેમજ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવ્યો છે
રાજકોટ, શહેરમાંથી અવારનવાર દુષ્કર્મના અનેક કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરની ૨૩ વર્ષીય યુવતીએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં પીજીવીસીએલમાં ડેપ્યુટી ઇજનેર તરીકે ફરજ બજાવનારા અંકિત અગ્રાવત વિરુદ્ધ એટ્રોસિટી તેમજ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવ્યો છે.છેલ્લા અઢી વર્ષથી ફરિયાદી યુવતી તેમજ આરોપી અંકિત અગ્રાવત લીવ ઇન રિલેશનશિપમાં રહેતા હોવાનું પણ સામે આવ્યું છે.
તેમજ બંને વચ્ચે યુવતીની ઉંમર ૧૭ વર્ષની હતી ત્યારથી લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું પણ સામે આવ્યું છે. અંકિત અગ્રાવત દ્વારા લગ્ન કરવા બાબતે ના પાડવામાં આવતા યુવતીએ શુક્રવારે રોજ એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. ફરિયાદીએ આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, સગીર વયની હતી ત્યારે અંકિત અગ્રાવત દ્વારા અવારનવાર મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધવામાં આવ્યા હતા.
સાથે જ છેલ્લા ત્રણ વર્ષથી બંને લીવ ઇન રિલેશનશિપનો કરાર કરી સાથે રહેતા હતા. અંકિત અગ્રાવત દ્વારા યુવતી ને કહેવામાં આવ્યું હતું કે ‘તું વાલ્મીકિ સમાજની હોવાથી મારે તારી સાથે લગ્ન નથી કરવા’ આ બાબતનું ભોગ બનનાર યુવતીને લાગી આવતા તેણે એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. તેમજ હાલ સારવાર અર્થે તેને રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ભોગ બનનાર યુવતીએ એમબીએ સુધીનો અભ્યાસ કર્યો છે. દસ દિવસ પૂર્વે તેની તબિયત નાદુરરસ્ત હોવાથી અંકિત અગ્રાવત તેને મૂકીને જતો રહ્યો હતો. આ સમગ્ર મામલે ભોગ બનનારની ખબર અંતર પૂછવા તેના કાકા તેના ઘરે આવ્યા હતા. ત્યારબાદ તેના કાકાએ અંકિત અગ્રાવતને ફોન કરીને મારી ભત્રીજીને છોડીને કેમ જતા રહ્યા છો લગ્નની હવે કેમ ના પાડો છો તેવું પૂછ્યું હતું.
જેના જવાબમાં અંકિત અગ્રાવતે ફોનમાં કહ્યું હતું કે, ‘મારે તેની સાથે લગ્ન નથી કરવા તમે તેને તેના માતા પિતાના ઘરે લઈ જાઓ.’ જેથી મારા કાકા મારા માતા-પિતાના ઘરે મને લઈ ગયા હતા.ભોગ બનનાર જ્યારે સગીર હતી ત્યારે છ વર્ષ પૂર્વે તે પાડોશમાં રહેતા અંકિત અગ્રાવત નામના વ્યક્તિ સાથે પરિચયમાં આવી હતી. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ પણ બંધાયો હતો જેના કારણે તેઓ અવારનવાર એકબીજાને મળતા પણ હતા.
બંને વચ્ચે પ્રેમ હોવાથી ૨૦૧૭માં પહેલીવાર તેઓ હોટલમાં જમવા ગયા હતા જ્યાં અંકિત અગ્રાવતે રૂમ ભાડે રાખ્યો હતો અને ત્યાં શરીર સંબંધ પણ બાંધ્યો હતો. ત્યારબાદ અંકિત અવારનવાર ભોગ બનનારને બહારગામ ફરવા માટે લઈ જતો હતો જ્યાં માઉન્ટ આબુ, મુંબઈ, જુનાગઢ સહિતના સ્થળે ભોગ બનનારની મરજી વિરુદ્ધ શરીરસંબંધ બાંધ્યા હતા.
શરીરસંબંધ બાંધતા સમયે અંકિત ભોગ બનનારને કહેતો હતો કે, આપણે લગ્ન કરી જ લઈશું તું ચિંતા ન કર. ત્યારે ૯ એપ્રિલ ૨૦૨૧ના રોજ ભોગ બનનાર પોતાનું ઘર છોડીને અંકિત સાથે મોરબી રોડ પર રહેવા જતી રહી હતી અને ત્યારબાદ બીજા દિવસે એટલે કે ૧૦ એપ્રિલ ૨૦૨૧ના રોજ બંને લીવ ઇન રિલેશનશિપમાં રહેવાનો કરાર પણ કર્યો હતો.