‘ન્યુ ઇન્ડિયા વાઇબ્રન્ટ હેકાથોન-2023’ના વિજેતાઓને પુરસ્કૃત કરવામાં આવ્યા
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખર, રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં #VGGS2024 ના પૂર્વાર્ધરૂપે ગાંધીનગર ખાતે આયોજિત ‘સ્ટાર્ટ-અપ કોન્ક્લેવ 2023’ નો શુભારંભ કરાવ્યો હતો.
આ અવસરે મહાનુભાવોના હસ્તે રાજ્યના વિવિધ સરકારી વિભાગો-ઔદ્યોગિક ગૃહોને સ્પર્શતી વિવિધ સમસ્યાઓના નિરાકરણ સૂચવતા ‘ન્યુ ઇન્ડિયા વાઇબ્રન્ટ હેકાથોન-2023’ના વિજેતાઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા તેમજ ‘ઇન્વેસ્ટર્સ પિચ’ના વિજેતાઓને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, New India Vibrant Hackathon-2023 ના રિપોર્ટ તેમજ 75 જેટલા ટેક્નોલોજીકલ સ્ટાર્ટ-અપ્સને દર્શાવતી કોફી ટેબલ બુકનું વિમોચન પણ સંપન્ન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની યુવાશક્તિના સામર્થ્યને પ્રોત્સાહન આપી ‘વિકસિત ભારત@2047
’ નું લક્ષ્ય પાર પાડવા માટે સ્ટાર્ટ-અપ ઇનોવેશનને અગ્રતા આપી છે. તેમણે કહ્યું કે, માનનીય વડાપ્રધાનશ્રીના વિઝનરી નેતૃત્વમાં દેશના ટેલેન્ટ પૂલને પ્રોત્સાહન, વિશેષ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મિકેનિઝમ પૂરું પાડવા વર્ષ 2016 માં #StartUpIndia ની શરૂઆત થયેલ
અને આજે ભારત 108 યુનિકોર્ન સ્ટાર્ટ-અપ્સ સાથે વિશ્વની ત્રીજા નંબરની સૌથી મોટી સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ ધરાવતો દેશ બન્યો છે. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ દેશની પ્રથમ ‘સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ એન્ડ ઇનોવેશન પોલિસી’ (SSIP) સહિત સ્ટાર્ટ-અપને પ્રોત્સાહન આપતી વિવિધ નીતિઓ અને તેનાં સફળ પરિણામો-સિદ્ધિઓની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે,
માનનીય વડાપ્રધાનશ્રીના સંકલ્પ અને પરિયોજનાઓના અમલમાં ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે અને દેશમાં વિકાસનું રોલ મોડેલ બન્યું છે. મુખ્યમંત્રીશ્રીએ આ સ્ટાર્ટ-અપ કોન્કલેવ યુવા સ્ટાર્ટ-અપ્સને દુનિયા સાથે જોડવા તેમજ ઇનોવેટિવ આઇડિયાઝ અને નોલેજ શેરિંગ માટેનું ઉત્તમ માધ્યમ બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.