Western Times News

Gujarati News

અમેરિકા અને યુરોપમાં પણ ખોડલધામના માધ્યમથી સેવા પ્રવૃત્તિ ચાલે છેઃ નરેશ પટેલ

જૂનાગઢમાં ખોડલધામ સમિતિનો સમારોહ

જૂનાગઢ, ખોડલધામ દ્વારા અત્યાધુનિક કેન્સર હોસ્પિટલ સાકાર થાય તે હેતુ ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ જૂનાગઢ જિલ્લાના લેઉવા પટેલ સમાજના બાંધવોને ખાતમુહૂર્ત પ્રસંગે સહભાગી બનવા આમંત્રીત કરવા જૂનાગઢ આવ્યા હતા. જૂનાગઢના લેઉવા પટેલ પરિવારના સભ્યોએ ખોડલધામ નિર્મિત કેન્સર હોસ્પિટલના ભૂમિદાનના સંકલ્પને ઘેર-ઘેર પહોંચાડી આર્થિક સહયોગી બની રહેવા પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી.

શિવમ પાર્ટી પ્લોટ ખાતે જૂનાગઢના વિવિધ ગામના અગ્રણીઓ, જૂનાગઢના નગરજનોને સંબોધતા નરેશભાઈએ જણાવ્યું હતું કે, આપણો સમાજ હંમેશા સર્વસમાન સાથે ભાતૃભાવથી વણાયેલો સમાજ છે ત્યારે કુદરતે આપેલ સંપત્તિ દ્વારા આપણે અન્ય સમાજને પણ સાથે લઈને લોકહીતના આયામો સર કરવા આગળ વધી રહ્યા છીએ. હવે ખોડલધામ માત્ર માતાજીનું મંદિર બની રહેવાને બદલે એક સેવા ભાવનાનો નવો વિચાર બન્યું છે.

યુરોપ અને અમેરિકામાં વસવાટ કરતા લેઉવા પટેલ સમાજના ભાઈ-બહેનો દ્વારા ત્યાં પણ ખોડલધામની સ્થાપના કરીને સર્વકલ્યાણ કાજે આગળ વધવાની નેમ વ્યકત કરી છે. આ પ્રસંગે અમેરિકામાં વસતા અને ખોડલધામના વિચારો સાથે સેવારત નેહલભાઈ પટેલનું નરેશભાઈના હસ્તે બહુમાન કરાયુ હતું. જૂનાગઢની નાનકડી ચાર્મિ વિપુલભાઈ તળાવીયાએ રાષ્ટ્રભાષામાં અતિથીઓને આવકારી ખોડલધામની સેવા પ્રવૃતિને બિરદાવી હતી.

આ પ્રસંગે અગ્રણી કરશનભાઈ ધડુક, અનિલભાઈ પટોળીયા, મુકેશભાઈ ભંડેરી, ટ્રસ્ટના સભ્ય ગોપાલભાઈ રૂપાપરા, ડો. જી.કે. ગજેરા, જેન્તીભાઈ વઘાસિયા, ભાવેશભાઈ વેકરીયા, સવજીભાઈ સાવલીયા, વસંતભાઈ કાવાણી સહિત જિલ્લાના વિવિધ ગામના ખોડલધામ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

જૂનાગઢ ખોડલધામ સમિતિના કન્વીનર પરેશ ડોબરીયા, દિલીપ રાબડીયા મનસુખ કયાડા, તથા યુવા સમિતિના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમ પ્રારંભે પટોળીયાએ સ્વાગત અને અંતે નિલેષ રાદડીયાએ આભાર દર્શન કર્યું હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.