ગોધરાના બામરોલી રોડ વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની ઝુંબેશ હાથ ધરાઈ
(પ્રતિનિધિ)ગોધરા, ગોધરા શહેરમાં વિકટ બની રહેલી ટ્રાફિકની સમસ્યાને લઈને અવારનવાર નાના મોટા જીવલેણ અકસ્માતો સર્જાતા હોય છે. જેમાં નિર્દોષ વાહન ચાલકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે.
ત્યારે જાહેર જનતાની સલામતી સુરક્ષાને તકેદારીના ભાગરૂપે ગોધરા શહેર ના વહીવટી તંત્રે બી.વી ગાંધી પેટ્રોલ પંપ સામે આવેલ વિશાલ કોમ્પલેક્ષથી લઈને બામરોલી રોડ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાની અડચણરૂપ અને સરકારી જમીન પર કરેલ દબાણ દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી.
પંચમહાલ જિલ્લામાં ગોધરા શહેરમાં ટ્રાફિકની સમસ્યાનો પ્રશ્ન પેચીદો બન્યો છે, ગોધરા શહેરમાં વારંવાર સર્જાતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં લઇ ગોધરા પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જૈતાવત, શહેરના મામલતદાર હર્ષદભાઈ ભોઈ, નગર પાલિકા ચિફ ઓફીસ આર.એ.પટેલ, આર એન્ડ બી વિભાગ, એમજીવીસીએલ, પોલીસ તંત્ર સહિતની ટીમે નગરમાં ટ્રાફિકને અડચણરૂપ અને સરકારી જમીન પર આડેધડ દબાણને દૂર કરવાની ઝુંબેશ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ટ્રાફિકની સમસ્યાને હલ કરવા પ્રયાસ કરતા નગરજનોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી. જો કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી દબાણ હટાવ ઝુંબેશની કામગીરીને નગરજનોએ બિરદાવી અગામી દિવસો દરમિયાન પણ દબાણ હટાવવા ઝુંબેશની કામગીરી ચાલુ રાખવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.