ચૂંટણીમાં વપરાતી શાહી કર્ણાટક સરકાર બનાવે છે
નવી દિલ્હી, ભારતમાં લોકસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. ચૂંટણી પંચે આ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે કુલ ૭ તબક્કામાં ચૂંટણી યોજાશે. આ માટે ચૂંટણી પંચ તમામ તૈયારીઓ કરી રહ્યું છે.
પરંતુ શું તમે જાણો છો કે મતદાન કરતી વખતે તમારી આંગળી પર જે શાહી લગાવવામાં આવે છે તે ક્યાંથી આવે છે? શું તમે જાણો છો કે આ શાહીની કિંમત કેટલી છે? તમને જણાવી દઈએ કે ૧૯૬૨ની લોકસભા ચૂંટણીમાં પહેલીવાર પારદર્શિતા માટે અને નકલી વોટિંગને રોકવા માટે આંગળીઓ પર શાહી લગાવવાની પ્રથા શરૂ કરવામાં આવી હતી.
ત્યારથી, આ નક્કર શાહીનો ઉપયોગ દરેક લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં થાય છે. જ્યારે પ્રથમ વખત શાહીનો ઉપયોગ કરવામાં આવ્યો ત્યારે ચૂંટણી પંચનું માનવું હતું કે શાહી લગાવવાથી કોઈ ફરી મતદાન કરી શકશે નહીં અને હેરાફેરી અટકાવી શકાશે.
તમને જણાવી દઈએ કે અત્યાર સુધી માત્ર એક જ કંપની ચૂંટણીમાં વપરાતી આ શાહીનું ઉત્પાદન કરી રહી છે. આ કંપનીનું નામ મૈસૂર પેઇન્ટ્સ એન્ડ વાર્નિશ લિમિટેડ છે. તે કર્ણાટક સરકારની કંપની છે અને તેની શરૂઆત વર્ષ ૧૯૩૭માં થઈ હતી.
એમપીવીએલનો પાયો નલવાડી કૃષ્ણ રાજા વાડિયારે નાખ્યો હતો. શરૂઆતમાં આ કંપનીનું નામ મૈસુર લોક ફેક્ટરી હતું. ૧૯૪૭માં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે આ કંપનીને સરકારે પોતાના કબજામાં લઈ લીધી અને તેનું નામ મૈસૂર લોક એન્ડ પેઈન્ટ્સ લિમિટેડ રાખવામાં આવ્યું.
વર્ષ ૧૯૮૯માં, કંપનીએ વાર્નિશનું ઉત્પાદન શરૂ કર્યું અને તેની સાથે તેનું નામ પણ બદલ્યું. ભારતની ચૂંટણી યાત્રામાં એમપીવીએલનું ખૂબ મહત્વનું યોગદાન છે. ૭૦ના દાયકાથી લઈને આજ સુધી માત્ર આ કંપનીને ચૂંટણીમાં વપરાતી શાહી બનાવવાની મંજૂરી છે.
શાહીની ફોર્મ્યુલા પણ એક રહસ્ય છે અને કંપની આ ફોર્મ્યુલા અન્ય કોઈની સાથે શેર કરી શકતી નથી. એમપીવીએલ આ શાહી નેશનલ ફિઝિકલ લેબોરેટરીની મદદથી તૈયાર કરે છે. મૈસૂર પેઇન્ટ્સ એન્ડ વાર્નિશ લિમિટેડ આ શાહી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના અન્ય ૨૫ દેશોમાં પણ નિકાસ કરે છે.
એમપીવીએલ દ્વારા ઉત્પાદિત શાહીની એક બોટલમાંથી ઓછામાં ઓછી ૭૦૦ આંગળીઓ પર શાહી લગાવી શકાય છે. મળતી માહિતી મુજબ દરેક શીશીમાં ૧૦ મિલી શાહી હોય છે.
ફાઈનાન્શિયલ એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, ૧૦ મિલીલીટરની શાહીની બોટલની કિંમત લગભગ ૧૨૭ રૂપિયા છે. આ સંદર્ભમાં, ૧ લીટરની કિંમત લગભગ ૧૨,૭૦૦ રૂપિયા હશે. જ્યારે એક એમએલ એટલે કે એક ડ્રોપની કિંમત ૧૨.૭ રૂપિયાની આસપાસ હશે.SS1MS