સ્ટેડિયમમાં ક્રિકેટ રસિકોએ મતદાન પર્વમાં સહભાગી થવા બતાવ્યો જુસ્સો
‘ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ’ અભિયાન સ્ટેડિયમમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું -અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ‘મતદાન જાગૃતિ’ અન્વયે સ્ટેડિયમમાં સ્ટેન્ડી, બેનર્સ અને પોસ્ટર્સ મુકાયા
અમદાવાદ જિલ્લામાં આગામી તા.7મી મે, 2024ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને ‘મતદાન જાગૃતિ’ અન્વયે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અવનવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વધુમાં વધુ લોકો મતદાન કરે અને ખાસ કરીને યુવાનો મતદાન પર્વમાં ભાગ લે તેવા હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઠેર-ઠેર વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરાઇ રહ્યું છે.
અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાયેલ IPL મેચ જોવા મોટી સંખ્યામાં પ્રેક્ષકો આવ્યા હતા તેવામાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ‘મતદાન જાગૃતિ’ માટે સ્ટેન્ડી, વિવિધ પોસ્ટર્સ અને બેનર સ્ટેડિયમમાં અનેક ઠેકાણે મૂકવામાં આવ્યા હતા. મતદાન અંગે લોકોમાં અને ખાસ કરીને યુવાનોમાં જાગૃતિ લાવવાનો આ સ્તુત્ય પ્રયાસ હતો.
યુવાનોથી લઈને તમામ લોકો મતદાન પર્વમાં સહભાગી થાય તેવા ઉદ્દેશ સાથે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરાયેલો આ અનોખો પ્રયાસ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. વધુમાં સ્ટેડિયમમાં ચાલી રહેલી મેચ દરમિયાન વિશાળ LED સ્ક્રીન પર પણ ‘મતદાન જાગૃતિ’ અંગેનો મેસેજ અપાયો હતો.
સ્ટેડિયમમાં ઉપસ્થિત યુવાનોથી લઈ તમામ લોકોએ ઉત્સાહભેર સ્ટેન્ડી, પોસ્ટર્સ અને બેનર સાથે ફોટો પડાવી ‘અચૂક મતદાન કરીશું’નો જુસ્સો દર્શાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેર તથા જિલ્લામાં મહતમ લોકો મતદાન પર્વમાં સહભાગી થાય તે દિશામાં અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર કાર્યરત છે.