દારૂની પાર્ટીમાં બેઠેલા ત્રણ મિત્રોએ ચોથા મિત્રની હત્યા કરી
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં નવા વર્ષની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી દરમિયાન દારૂ પીને નશો કરતા શખ્સો વિરૂધ્ધ પોલીસતંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે અને ૩૦૦થી વધુ નશાખોર યુવાનોને ઝડપી લેવામાં આવ્યા છે .
આ અંગેની વિગત એવી છે કે નવા વર્ષની ઉજવણી દરમિયાન દારૂ પીને ધમાલ કરતા શખ્સો સામે પોલીસતંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી આ દરમિયાનમાં શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ભાર્ગવ રોડ (Bhargav road, Meghaninagar, Ahmedabad) પર ચાર જેટલા મિત્રો દારૂ પીવા બેઠા હતાં અને નવા વર્ષ નિમિતે આ પાર્ટી યોજવામાં આવી હતી. ચારેય મિત્રો દારૂ પીતા હતા ત્યારે અચાનક જ એક મિત્ર સાથે બોલાચાલી થવા લાગી હતી
જેના પરિણામે અન્ય ત્રણ મિત્રો નશાની હાલતમાં ઉશ્કેરાટમાં આવી ગયા હતાં ચારેય મિત્રો નશાની હાલતમાં હોવાથી સામ સામે બોલાચાલી થવા લાગી હતી અને વાતાવરણ તંગ બની ગયું હતું આ દરમિયાનમાં ત્રણ મિત્રોએ ભેગા થઈ ચોથા મિત્ર પર હુમલો કર્યો હતો અને તીક્ષ્ણ હથિયારના ઘા મારતા તેનું સ્થળ પર જ મોત નીપજયું હતું.
મિત્રની હત્યા કર્યાં બાદ અન્ય ત્રણ મિત્રો ભાગી છુટયા હતાં બીજીબાજુ લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતાં ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતાં અને આરોપીઓની ઓળખ કરી તેઓને ઝડપી લેવાની તજવીજ શરૂ કરી હતી ગણતરીની મીનીટોમાં જ એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો જયારે અન્ય બે આરોપીઓ હજુ ફરાર છે આ અંગે મેઘાણીનગર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.