“વન નેશન વન ઈલેક્શન” બિલ લોકસભામાં આજે રજૂ નહીં થાય
(એજન્સી)નવી દિલ્હી, દેશમાં વન નેશન, વન ઇલેક્શન છેલ્લાં ઘણાં દિવસોથી ચર્ચામાં છે. તેની સાથે જોડાયેલા બે બિલ સોમવારે લોકસભામાં રજૂ થવાના હતં. હવે જણાવવામાં આવી રહ્યું છે કે, બંને બિલ સોમવારે લોકસભામાં રજૂ નહીં કરાય. સંશોધિત કાર્યસૂચિથી બિલને દૂર કરી દેવામાં આવ્યા છે. આ પહેલાં શુક્રવારે રજૂ કરવામાં આવેલી કાર્યસૂચીમાં કહેવામાં આવ્યું હતું કે, બિલને સોમવારે લોકસભામાં રજૂ કરવામાં આવશે.
હજુ કારણ સ્પષ્ટ નથી કે, સરકારે સોમવારે બિલ ન લાવવાનો નિર્ણય કેમ કર્યો અને હવે કયા દિવસે આ બિલ સંસદમાં રજૂ કરવામાં આવશે? નોંધનીય છે કે, લોકસભાનું શિયાળુ સત્ર ૨૦ ડિસેમ્બરે સમાપ્ત થઈ જશે. સરકારે વન નેશન, વન ઇલેક્શન પર આધારિત બિલને લોકસભામાં રજૂ કરવામાં મોડું કરી દીધું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ બિલ નાણાંકીય વ્યવસાયને પૂરા થયા બાદ ગૃહમાં લઈ જઈ શકાય છે.
પહેલાં આ બિલ, બંધારણ (૧૨૯મું સંશોધન) બિલ અને સંઘ શાસિત પ્રદેશ કાયદો (સંશોધન) બિલ, સોમવારે લોકસભામાં રજૂ કરવા માટે લિસ્ટ કરવામાં આવ્યા હતાં. લોકસભા સચિવાલય દ્વારા બહાર પાડવામાં આવેલી સુધારેલી યાદીમાં આ બિલોને સોમવારના કાર્યસૂચિમાં સામેલ કરવામાં આવ્યા નથી.
જોકે, લોકસભા સ્પીકરની મંજૂરી બાદ સરકાર બિલને સપ્લીમેન્ટ્રી લિસ્ટિંગના માધ્યમથી ગૃહમાં ઇંતિમ ઘડીએ રજૂ કરી શકે છે. આ બંને બિલ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓ માટે એકસાથે ચૂંટણી કરાવવા સંબંધિત છે.