Western Times News

Gujarati News

5 હજારની લાંચ લેતા ઝડપાયો ફતેપુરા તાલુકા મામલતદાર કચેરીનો સર્કલ ઓફિસર

પ્રતિકાત્મક

દાહોદ, ફતેપુરા તાલુકા પંચાયત તથા તાલુકા મામલતદાર કચેરી જાણે રામ ભરોસે ચાલી રહી હોય તેમ કર્મચારીઓ પોતાની રીતે વર્તન કરતા તાલુકાની જનતા પરેશાન થઈ રહી છે. અને‘પૈસા હોય તો પેસ,નહીં તો બહાર બેસ’ની નીતિ અપનાવતી હોવાની બૂમો અવાર-નવાર ઉઠતી રહે છે.

તેવીજ રીતે ફતેપુરા તાલુકાના એક જાગૃત નાગરિકને દારપણાના દાખલાની જરૂરત પડતા ફતેપુરા તાલુકા સર્કલ ઓફિસર સુખસર વિભાગના ઓએ દાખલો આપવા રૂપિયા ૫,૦૦૦ લાંચની માંગણી કરતા અરજદાર તે નાણા આપવા માંગતા ન હોય તેઓએ લુણાવાડા એ.સી.બી નો સંપર્ક કરી ફરિયાદ આપતા આજ રોજ સર્કલ ઓફિસર લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયેલ હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના એક નાગરિકને દારપણાના દાખલાની જરૂરિયાત હોય અરજદાર દ્વારા મામલતદાર કચેરી ફતેપુરા ખાતે જઈ ધારણાનો દાખલો મેળવવા અરજદારના કાકાના છોકરા નામે મિલકત આવેલ હોય જેથી તેઓના નામની અરજી તૈયાર કરાવી મામલતદાર કચેરી ટપાલ શાખામાં તારીખ ૨૫-૧૦-૨૦૨૪ ના રોજ આપેલ.

તેમ છતાં એકાદ મહિનાનો સમય થતાં દારપણાનો દાખલો ન મળતા ફરિયાદી ફરીથી મામલતદાર કચેરી ફતેપુરા ખાતે ઓફિસમાં સુખસર વિસ્તારના સર્કલ ઓફિસર મંથનકુમાર જીવાભાઇ પરમારના ઓને મળતા તેઓએ જણાવેલ કે,અરજીના કાગળો કંઈક મુકાઈ ગયેલ છે.

જે શોધી કાઢી તમને જણાવીશ. ત્યારબાદ ફરિયાદી ફરીથી તારીખ ૭/ ૧/૨૦૨૫ ના રોજ મામલતદાર કચેરી ફતેપુરા ખાતે જઈ આ કામના આરોપી સર્કલ ઓફિસર સુખસરના ઓને મળતા આરોપીએ ફરિયાદીને અરજીમાં સુધારો તથા રૂપિયા ૫૦ નો સ્ટેમ્પ નવીસરથી કરી

રૂપિયા ૫,૦૦૦ લઈ આવવા જણાવેલ.જે લાંચના નાણા ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીએ મહીસાગર એ.સી.બી ને ફરિયાદ કરતા ફરિયાદીની ફરિયાદના આધારે ગોઠવાયેલ લાંચના છટકા દરમિયાન આ કામના આરોપી ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા ૫,૦૦૦ ની લાંચની માંગણી કરી લાંચના નાણા પંચ ૧ ની હાજરીમાં સ્વીકારી પકડાઈ જઈ ગુનો કરવા બાબતે એ.સી.બી દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

એ.સી.બી ની સફળ ટ્રેપ પાર પાડનાર અધિકારીઓમાં મહીસાગર એ.સી.બી પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ તેજોત તથા સુપર વિઝન અધિકારી બી.એમ.પટેલ મદદનીશ નિયામક એ.સી.બી પચમહાલ એકમ ગોધરા નાઓએ લાંચિયા કર્મચારીને ઝડપી પાડતા મામલતદાર કચેરીમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.અને લાંચીયા કર્મચારી અધિકારીઓમાં ભયની લાગણી ફેલાઈ જવા પામી હોવાનું જાણવા મળે છે.

લાંચના છટકામાં ઝડપાઈ જનાર સર્કલ ઓફિસરની સામે કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.