Western Times News

Gujarati News

પતંગની પ્રતિબંધિત દોરીના સંગ્રહ અને વેચાણ કરનારા ૬૦૯ સામે ફરિયાદ

ચાઇનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધની માગ સાથે થયેલી રિટમાં રાજ્ય સરકાર તરફથી સોગંદનામું કરીને હાઇકોર્ટને જણાવવામાં આવ્યું છે

અમદાવાદ,  ચાઇનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધની માગ સાથે થયેલી રિટમાં રાજ્ય સરકાર તરફથી સોગંદનામું કરીને હાઇકોર્ટને જણાવવામાં આવ્યું છે કે કોર્ટના નિર્દેશ મુજબ પોલીસની કામગીરી અંતર્ગત નવથી ૧૨મી જાન્યુઆરી સુધીના ચાર દિવસમાં પ્રતિબંધિત દોરીના ૫૦ સંગ્રાહકો અને ૪૦૪ વેચાણકર્તા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

કુલ ૬૦૯ એફઆઈઆર અને ૬૧૨ લોકોની અટકાયત કરવામાં આવી છે. અમદાવાદમાં પાંચ, સુરતમાં ૫૪, વડોદરામાં ૩૫ અને રાજકોટમાં ત્રણ એફઆઈઆર થઈ છે. કુલ ૨૩.૭૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ૧૩થી ૧૫મી જાન્યુઆરી સુધી પોલીસનું ચેકિંગ ચાલુ રહેશે.

આ કેસની સુનાવણી દરમિયાન એવી ટકોર કરવામાં આવી હતી કે બજારમાં આવી પ્રતિબંધિત વસ્તુઓને આવતી અટકાવવા પહેલાથી જ પગલાંની જરૂર હોવાથી આ જાહેરહિતની અરજી ઉપર હવેથી ઉત્તરાયણના ચાર મહિના પહેલા એટલે કે સપ્ટેમ્બર મહિનામાં સુનાવણી યોજવામાં આવશે. હાઇકોર્ટ સમક્ષ અમદાવાદના કોટન માંજા ઉત્પાદકો આવ્યા હતા.

જેમણે જણાવ્યું હતું કે ૧૫ લાખ પરિવારોની રોજી રોટી આ તહેવાર સાથે જોડાયેલ છે. હાઇકોર્ટે અગાઉ ટકોર કરી હતી કે સરકારના જાહેરનામા મુજબ ગ્લાસ કોટિંગ દોરી ઉપર પણ પ્રતિબંધ જ છે. ગ્લાસ પાવડર હાનિકારક છે જ છે. આ દોરી પણ ચાઇનીઝ દોરી જેટલી જ ખતરનાક છે. અગાઉ સરકારે કોર્ટને જણાવ્યું હતું કે ઉત્તરાયણના તહેવારને લઈને રોજ સાંજે ડીજીપી મીટિંગ યોજે છે, તે બાબત કોર્ટને જણાવવામાં આવી હતી.

રાત્રે આઠથી એક વાગ્યા સુધીમાં પતંગ બજારોમાં પ્રતિબંધિત દોરી અને ચાઇનીઝ ટુક્કલ અંગે ચકાસણી કરવામાં આવે છે. ૧૧થી ૧૫મી જાન્યુઆરી સુધી સાંજે છ વાગ્યાથી રાત્રિના એક વાગ્યા સુધી પતંગ બજારોમાં તપાસ હાથ ધરવામાં આવશે. ગ્લાસ કોટેડ દોરી અને સિન્થેટિક દોરીની ઘાતકતા અંગે બાળકોને શાળાઓમાં જઈને જાગરૂક કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૬માં ગુજરાત હાઇકોર્ટમાં ચાઇનીઝ, નાયલોન, સિન્થેટિક દોરી અને ગ્લાસ કોટેડ કોટન દોરી અને આગની દુર્ઘટના માટે જવાબદાર ચાઇનીઝ તુક્કલ ઉપર પ્રતિબંધની માગ સાથે જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી.નોંધનીય છે કે હાઇકોર્ટે અગાઉ આપેલા આદેશ મુજબ રાજ્ય સરકારે ચાઇનીઝ તુક્કલ, નાયલોન દોરી, ચાઇનીઝ દોરી, સિન્થેટીક દોરી, ગ્લાસ કોટેડ દોરીના ઉત્પાદન, સ્ટોક કરવા, વેચાણ, ખરીદ અને વપરાશ ઉપર પ્રતિબંધ લગાવેલો છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.