અકબર-ઔરંગઝેબ વિશે ભણાવાય છે, આપણા સૈનિકોનાં વિશે નહીં: અક્ષય
અક્ષય કુમારે ઇતિહાસના પુસ્તકો પર સવાલ ઉઠાવ્યા
અક્ષયે કહ્યું, ઇતિહાસના પાઠ્ય પુસ્તકોમાં સુધારાની જરૂર છે, ઘણા સુધારા કરવાની જરૂર છે
મુંબઈ,અક્ષય કુમારના એક નિવેદનથી તે ચર્ચામાં છે, તેણે તાજેતરનાં એક ઇન્ટરવ્યુમાં ઇતિહાસના પાઠ્ય પુસ્તકોમાં સુધારાની વાત કરી છે. તેની તાજેતરમાં આવેલી ફિલ્મ ‘સ્કાય ફોર્સ’ના પ્રમોશન દરમિયાન અક્ષયે આપણા ઓછા જાણીતા દેશના સુપરહિરોઝના મહત્વ વિશે વાત કરી હતી.
તેણે કહ્યું કે આપણને ઇતિહાસમાં અકબર અને ઔરંગઝેબના પ્રકરણ ભણાવવામાં આવે છે, પણ આપણા સૈનિકોનાં નહીં.અક્ષયે કહ્યું કે આપણા સૈનિકોની વીરતાના કિસ્સા આપણાં ઇતિહાસના પુસ્તકોનો ભાગ હોવા જોઈએ. તેણે કહ્યું,“એવી ઘણી બાબતો છે, જે આપણા પુસ્તકોમાં છે જ નહીં. હું ઇરાદાપૂર્વક એવા રોલ કરું છું, જેના વિશેની વાતો આપણાં પુસ્તકોમાં મળતી નથી. મારે આવું જ કરવું છે.
એ બધાં જ અજાણ્યા હિરો છે. લોકો તેમના વિશે નથી જાણતા કારણ કે આપણને ઊંડા ઉતરવાની ટેવ જ નથી. તેથી હું આવા પ્રકારના રોલ કરું છું.”અક્ષયે આગળ કહ્યું,“ઇતિહાસના પાઠ્ય પુસ્તકોમાં સુધારાની જરૂર છે. ઘણા સુધારા કરવાની જરૂર છે. આપણે અકબર અને ઔરંગઝેબ વિશે ભણીએ છીએ પણ આપણા પોતાના હિરો વિશે નથી ભણતા. એમનો પણ ઉલ્લેખ હોવો જોઈએ.
”આ ઇન્ટરવ્યુમાં અક્ષયે ભારતની સેનાનું સર્વાેચ્ચ સન્માન પરમ વીર ચક્ર મેળવી ચૂકેલા સૈનિકોની વાતો કરી હતી. તેણે કહ્યું,“આર્મીમાંથી એવી ઘણી વાર્તાઓ છે. ઘણા સૈનિકોને પરમવીર ચક્ર મળ્યો છે. મને લાગે છે કે ઇતિહાસમાં ફેરફાર થવા જોઈએ અને આ પ્રકારના હિરો લોકોના ધ્યાનમાં આવવા જોઈએ અને આવનારી પેઢીઓને તેનો પરિચય થવો જોઈએ.”‘સ્કાયફોર્સ’માં અક્ષય કુમાર વિંગ કમાન્ડર કેઓ આહુજાનો રોલ કરે છે,
જે વિંગ કમાન્ડર ઓમ પ્રકાશ તનેજાના જીવન પર આધારીત છે. તેઓ ૧૯૬૫માં ભારત-પાકિસ્તાનનું યુદ્ધ લડ્યા હતા. તેમને સપ્ટમ્બર ૧૯૬૫માં વીરતા ચક્ર મળ્યો હતો. આ ફિલ્મમાં અક્ષય સાથે વીર પહારિયા, નિમ્રત કૌર અને સારા અલી ખાન પણ છે. આ ફિલમ અભિષેક અનિલ કપુર તેમજ સંદીપ કેવલાણીએ ડિરેક્ટ કરી છે અને ૨૪ જાન્યુઆરીએ આ ફિલ્મ રિલીઝ થશે. ss1