લેબોરેટરીમાં તૈયાર થતાં ડાયમંડ આગામી દિવસોમાં કિલોનાં ભાવે વેચાશે
જૂનાગઢની ખાનગી યુનિ.માં રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ કહ્યું, લેબ ડાયમંડ વૈશ્વિક બજારમાં પ્રભુત્વ મેળવશે
સુરત, જૂનાગઢની ખાનગી યુનિ.માં અયાજિત કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવતા ડાયમંડ વૈશ્વિક બજારમાં પ્રભુત્વ મેળવશે અને આગામી દિવસોમાં કિલો અને ટનના ભાવે વેચાશે એવું નિવેદન કરતાં ઉદ્યોગકારોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
જૂનાગઢની નોબલ યુનિ. ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ પોતાના પ્રવચન અંતર્ગત ડાયમંડ ઉદ્યોગની વૈશ્વિક મંદી અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. ગોવિંદ ધોળકિયાએ જણાવ્યું હતું કે, લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવતા હીરાની પ્રસિદ્ધિ વધી છે અને વૈશ્વિક બજારમાં તેની માંગ વધતા નેચરલ ડાયમંડમાં મંદી જોવા મળી રહી છે.
જો કે, લેબમાં તૈયાર કરવામાં આવતા ડાયમંડના વધતા ચલણ વચ્ચે નેચરલ ડાયમંડમાં મંદીમાંથી ધીમે-ધીમે બહાર આવી રહ્યો છે. બીજી તરફ લેબમાં તૈયાર કરવામાં આવતા ડાયમંડનો નેચરલ ડાયમંડ ઉદ્યોગકારો સાક્ષી બન્યા છે અને હાલમાં ભલે કેરેટ ઉપર વેચાણ થતું હોય પરંતુ આગામી દિવસોમાં કિલો અને ટનમાં વેચાણ થશે.
ઉપરાંત વૈશ્વિક હીરા બજારમાં પ્રભુત્વ મેળવશે. લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવતા ડાયમંડ અંગે સાંસદના નિવેદનને પગલે લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગકારોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.