Western Times News

Gujarati News

ડોનાલ્ડ ટ્રમ્પે લશ્કરી સહાય બંધ કરતાં યુક્રેને રીતસરની શરણાગતિ સ્વીકારી

વોશિંગ્ટન, યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડીમીર ઝેલેન્સ્કી સાથે તીખી જીભાજોડીના થોડા દિવસો પછી અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તાત્કાલિક અસરથી યુક્રેનને તમામ અમેરિકન સૈન્ય સહાય અસ્થાયી રૂપે સ્થગિત કરવાનો આદેશ આપ્યો હતો.

ટ્‌મ્પે સહાય બંધ કરતાંની સાથે જ ઝેલેન્સ્કીએ રીતસરની શરણાગતિ સ્વીકારી લીધી છે. તેમણે અમેરિકાના વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ સાથે થયેલી જીભાજોડીની ઘટનાને ‘ખેદજનક’ ગણાવી હતી અને કહ્યું હતું કે તેઓ શાંતિ સ્થાપન માટે ટ્રમ્પની મજબૂત નેતાગિરી હેઠળ કામ કરવા તૈયાર છે.

ઝેલેન્સ્કી એક્સ પર એક સોશિયલ મીડિયા પોસ્ટમાં વધુ માહિતી આપી હતી કે તેઓ અમેરિકા સાથે મિનરલ્સ અને સિક્યોરિટી અંગે ફળદાયી ડીલ હાથ ધરવા માટે તૈયાર છે. યુક્રેનના નેતાએ સ્પષ્ટ કર્યું હતું કે શાંતિને શક્ય એટલી ઝડપે સ્થાપિત કરવા માટે તેઓ વાટાઘાટની ટેબલ પર ફરી બેસવા તૈયાર છે. યુક્રેનવાસીઓથી વધુ શાંતિ કોઇને જોઇતી નથી. હું અને મારી ટીમ ટ્રમ્પની નેતાગિરી હેઠળ કામ કરીશ.

હવે તમામ બાબતોને ઠીક કરવાનો સમય છે. અમે ભવિષ્યમાં સહકાર અને સંવાદ રચનાત્મક રહે તેવું ઇચ્છીએ છીએ.વ્હાઇટ હાઉસના એક અધિકારીએ સોમવારે જણાવ્યું હતું કે ટ્રમ્પ આશરે ત્રણ વર્ષથી ચાલતા યુદ્ધનો અંત લાવવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યાં છે અને ઝેલેન્સ્કી આ હેતુ માટે પ્રતિબદ્ધ રહે તેવું ઇચ્છે છે.

અમેરિકા તેની સહાયને સ્થગિત કરી રહ્યું છે અને તેની સમીક્ષા કરી રહ્યું છે, જેથી તે યુદ્ધનો ઉકેલ લાવવામાં યોગદાન આપી શકે. પ્રેસિડન્ટની ચૂંટણી જીત્યા પછી પણ ટ્રમ્પે યુક્રેન યુદ્ધનો ઝડપથી અંત લાવવાનું વચન આપ્યું હતું.

ટ્રમ્પ વહીવટીતંત્રના એક વરિષ્ઠ અધિકારીને જણાવાયું હતું કે ટ્રમ્પે યુક્રેનને તમામ લશ્કરી સહાયની ડિલિવરી અસ્થાયી રૂપે સ્થગિત કરી છે અને આ આદેશ તરત જ અમલમાં આવે છે. તેનાથી આશરે એક બિલિયન ડોલરથી વધુના શસ્ત્રો અને દારૂગોળોના લશ્કરી સહાયને અસર થશે.

યુરોપિયન કમિશનના વડા ઉર્સુલા વોન ડેર લેયેને યુરોપના દેશોની લશ્કરી તાકાતમા વધારો કરવા અને યુક્રેનને લશ્કરી સહાય આપવા માટે ૮૦૦ અબજ યુરો (૮૪૧ અબજ ડોલર)ના જંગી પેકેજની દરખાસ્ત કરી છે.

અમેરિકાએ યુક્રેનને સહાય સ્થગિત કરી છે અને નાટોમાંથી નીકળી જવાના સંકેત આપ્યા છે ત્યારે યુરોપે આ હિલચાલ કરી છે. યુરોપના ૨૭ દેશોના વડાઓ ગુરુવારે બ્રસેલ્સમાં એક ઇમર્જન્સી બેઠક યોજશે અને તેમા આ રીઆર્મ યુરોપ પેકેજ રજૂ કરાશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.