ટ્રમ્પ સામે યુરોપિયન દેશોએ યુક્રેનને સાથ આપી મોરચો માંડયો?! ત્યારે ભારત સાર્વ ભૌમત્વની શક્તિ દેખાડશે ?!

“વિશ્વમાં લોકશાહી, સામ્યવાદી અને સરમુખત્યારશાહી વિચારધારા વચ્ચેનું યુદ્ધ હવે ફાયદાનું રાજકારણ બન્યું છે ?!”
તસ્વીર અમેરિકાની સંસદની છે ! બીજી તસ્વીર વ્હાઈટ હાઉસની છે ! અને ત્રીજી તસ્વીર અમેરિકાની સુપ્રિમ કોર્ટની છે ! અને ઈન્સેન્ટ તસ્વીર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની છે ! સર્વેનો સાથ અમેરિકાનો ઉદ્ધારની વાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકનોએ સત્તા સોંપ્યા પછી ધીરે, ધીરે ડોનાલ્ડ ટ્રમ્પનું પોત પ્રકાશ્યું ! એણે ચૂંટણી જીત્યા પછી લોકશાહીના રખેવાળ બનવાનું,
સમગ્ર માનવ જાતના અધિકારોનું વિચારવાનું બંધ કરી તેમના સિવાય કોઈ “અમેરિકનનું હિત” વિચારતું નથી એવી છાપ ઉભી કરવા કેટલાક અજુગતા પગલા પણ લીધા છે ! જેને લઈને સમગ્ર વિશ્વના રાજકારણમાં અને આર્થિક વ્યુહરચનામાં ભુકંપ સર્જાયો છે ! અમેરિકાની સમૃÂધ્ધની વાતો કરવામાં બીજા દેશની આઝાદી છીનવી લેવા સુધી ટ્રમ્પ આગળ વધી રહ્યા છે !
ટ્રમ્પે ઝેલેન્સકી અમેરિકાથી ડરીને સમાધાન કરશે પરંતુ ટ્રમ્પ એ ભુલી ગયા કે જે ઝેલેન્સકીએ ડર્યા વગર મહાસત્તા રશિયાને હંફાવ્યું એ પોતાની પ્રજાની સ્વતંત્રતા અને સાર્વભોમત્વને બચાવવા ટ્રમ્પની શરણાગતિનો સ્વીકાર કરશે ?! ચુપ રહેશે ?! અપમાનનો ઘુંટડો ગળી જશે ?! ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના દૂત કેઈથ કેલોગનને યુક્રેન મોકલ્યા પરંતુ સામે ટકકર લઈ વળતો આક્ષેપ કરીને દૂતને રવાના કરી દીધો !
પુતિન યુક્રેનને પાછું પોતાના દેશ જોડે જોડવા માંગતા હતાં, સ્વતંત્રતા છીનવી લેવા માંગતા હતાં ! તેમનાથી જ યુદ્ધ થયું હવે ડોનાલ્ડ ટ્રમ્પની નજર યુક્રેનના જમીન ખનિજો પર છે માટે એણે પણ પુતિનની ભાષા કે માર્ગ અપનાવ્યો છે ! આવી જ વાત હવે ભારત સાથે ડોનાલ્ડ ટ્રમ્પ કથિત મિત્ર તરીકે કરી રહ્યા છે ! ભારતીયોને બેડીઓ અને હથકડી પહેરાવી પાછા મોકલ્યા તેનો કોઈ ઈલાજ ભારત સરકાર કરી શકી નથી !
અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને સમૃધ્ધ દેશ ગણાવી ભારતને ચૂંટણી ફંડની જરૂર નથી કહ્યું તો પણ સરકારે ચુપ રહેવાનું પસંદ કર્યુ છે ! ભારત જેટલો ટેકસ નાંખશે એટલો જ ટેકસ નાંખશે કહી ભારતનું નાક દબાવ્યું છે ! પણ સરકારે ચુપ રહેવાનું પસંદ કર્યુ છે ! પરંતુ એપ્રિલથી રેસિથ્રોકલ ટેકસ નાંખશે તો ભારતીયોની આર્થિક સ્થિતિ કેવી થશે ?! એ તો ભારતની રાજકીય મુત્સદ્દીગીરી નકકી કરશે ! પરંતુ ભારત હવે યુરોપીયન દેશો તરફ જોડાવવાની જરૂર છે !
ઝેલેન્સકીએ જ નહીં ફ્રાન્સના પ્રમુખ મેક્રોએ પણ ટ્રમ્પને પણ કહી દીધું હતું કે, તમે ખોટું બોલી રહ્યા છો ?! હવે સમગ્ર યુરોપના દેશો યુક્રેન સાથે. વિચાર ધારા આધારિત રશિયા સાથે બાથ ભીડી છે ! જર્મની, ફ્રાન્સ, ઈટાલી સહિતના ૨૭ દેશો હવે યુક્રેન સાથે ઉભા રહેશે ! કોઈપણ દેશના સાર્વભૌમત્વ, સ્વતંત્રતા અને દેશના બંધારણીય ગૌરવના ભોગે સમાધાન કરવું એ વિશ્વમાં બીજા હીટલરને પેદા કરવા સમાન છે !!
આઝાદીના ભોગે વિકાસ પણ ન હોઈ શકે ?! તેમ છતાં અમેરિકાની સુપ્રિમ કોર્ટ એટલી મજબુત છે કે જયારે કોઈ અમેરિકન નાગરિક ડોનાલ્ડ ટ્રમ્પ સામે અવાજ ઉઠાવશે ત્યારે અમેરિકાની સુપ્રિમ કોર્ટના નિર્ણયો અભૂતપૂર્વ હશે ???!(તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)
હીટલરે શાંતિ દૂતની ભાષા બોલી ૬૦ લાખ યહુદીની કતલ કરી અને અંતે આત્મહત્યા કરી ?!
અમેરિકાના પ્રમુખ અને લોકશાહી મૂલ્યોના પ્રહરી અબ્રાહમ લિંકને કહ્યું હતું કે, “પ્રતિકૂળતા સામે તો બધાં જ ઉભા રહી શકે, પરંતુ જો તમે કોઈનું ચારિત્ર ચકાસવા માંગતા હોવ તો સત્તા આપો”!! અમેરિકાના પ્રમુખ જહોન વિવન્સી એડમ્સે કહ્યું છે કે, “હંમેશા સિધ્ધાંતોને મત આપતા રહો ભલે તમે એકલા હો તમને એ વાતની આત્મસંતુષ્ટિ રહેશે કે તમારો મતે એળે નથી ગયો”!!
અમેરિકાના પ્રમુખ જહોન એફ. કેનેડી કહે છે કે, “તમે મને એ ના પુછો કે અમેરિકાએ તમારા માટે શું કર્યું તમે મને એ પુછો કે તમે અને હું આપણે ભેગા મળીને માનવજાતના સ્વતાંત્ર્ય માટે શું કરીશું ?!”! અમેરિકાના પ્રમુખ એડ લાઈ ઈ. સ્ટીવન્સને કહ્યું છે કે, “પ્રત્યેક વ્યક્તિને હકક છે કે, તેનું સાંભળવામાં આવે કોઈ એકના અવાજને આધારે લોકતંત્રના ગળે ફાંસો લગાવી દેવાનો અધિકાર કોઈને નથી”!! અમેરિકાના પ્રમુખ ફ્રેન્કલીન રૂઝવેલ્ટે કહ્યું હતું કે, “જો અખબારી સ્વાતંત્રને પડકારવામાં આવશે તો અંતરઆત્મા, શિક્ષણ, વાણી, સભાનું સ્વાતંત્ર્ય…. આ બધાં સ્વાતંત્ર્ય અર્થહીન બની જશે અને લોકશાહીનો પાયો હચમચી જશે”!!
અમેરિકાને આવા ઉમદા, શ્રેષ્ઠ વિચારો ધરાવતા પ્રમુખો મળ્યા ! જેમણે પોતાની જ સ્વતંત્રતાની રખેવાળી ન કરી પણ લોકશાહી અને સ્વાતંત્ર્યની વિચારધારાની રખેવાળી કરી ! માટે અમેરિકા મહાન રાષ્ટ્ર બન્યું ! આટલી પ્રગતિ કરી ! અમેરિકાને અત્યાર સુધી મળેલા ૪૭ પ્રમુખોમાં ફકત ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાની સમતુલા જાળવ્યા વગર દેશના બંધારણીય મૂલ્યો સામે જ પડકાર ફેંકી ઉભા રહી ગયા છે ?!
જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલરની ભાષા આજના રાજકારણમાં કોણ બોલી રહ્યું છે ?! તેના જેવું વર્તન અને વાણી – વિલાસ કોણ કરી રહ્યું છે ?! એ જોવાનો સમય આવી ગયો છે !
“એક દિવસ જર્મન વિશ્વ પર રાજ કરશે અને નહીં તો માટીમાં મળી જશે”!! એડોલ્ફ હીટલરે આગળ એમ પણ કહ્યું હતું કે, “માણસ કુદરત જેટલો ક્રુર શા માટે નથી થતો એ હું સમજી શકતો નથી”!! અને હીટલરે એમ પણ કહ્યું હતું કે, “શત્રૂને ભીતરથી તોડી નાંખો આશ્ચર્ય, આંતક, નુકશાન, કતલ…. ભવિષ્યમાં અવાજ યુદ્ધ લડાશે”!! એડોલ્ફ હીટલરે એવું પણ કહ્યું કે, “આ વિશ્વમાં માત્ર એક જ અધિકારનું શાસન છે એ અધિકાર છે વ્યક્તિને પોતાની તાકાત”!!
સરમુખત્યાર એડોલ્ફ હીટલરે એવું પણ કહ્યું હતું કે, “અસત્યને મોટું બનાવો, અને સરળ બનાવી નાંખો અને બધાંને વારંવાર કહેતા ફરો કે લોકો તેને માનવા પણ લાગશે”!! આ હીટલર આખા વિશ્વમાં છવાઈ જવાની ઘેલછા રાખતો હતો ! અન્ય દેશો સમક્ષ તેણે શાંતિનું નાટક કર્યું પોતે જાણે શાંતિ દૂત હોય એમ કહેતો હતો ! અમેરિકાના રાષ્ટ્રપતિ રૂઝવેલ્ટ નિઃશસ્ત્રીકરણનો સંદેશો મોકલ્યો ત્યારે તેણે ઉદારતાથી આવકાર્યાે તમને એમ લાગે કે હીટલર ખરેખર શાંતિ દુત છે ! તે સાથે આત્મસન્માનના અધિકારનો ચાલાકીથી વાતો કરતો અને લોકો માની પણ લેતાં !
હિટલર સૈનિક હતો અને પછી રાજકારણમાં પડેલો ! અને જર્મનીનો માત્ર તે જ ઉદ્ધારક છે એવી વાતો લોકોને ગમતી ને લોકોએ ભરોસો મુકયો ! તેનો રાજકીય પક્ષ નાઝી પક્ષ હતો ૨૦ એપ્રિલ, ૧૮૮૯ માં જન્મેલ એડોલ્ફ હીટલરે ૬૦ લાખ યહુદીઓની કતલ કરી ધર્મ અને કોમનું રાજકારણ ખેલ્યું હતું ! હીટલરે કરેલા અપકૃત્યોને લઈને તેણે છેલ્લે ૫૬ વર્ષ અને ૧૦ દિવસની ઉંમરે આત્મહત્યા કરી લીધી હતી !!
જયારે તમે કોઈ નેતાને સાંભળો અને તેની વાતમાં આવી જાવ ત્યારે તમે લોકશાહી, વિશ્વ નાગરિકતા, માનવતા, રાજધર્મ અને ન્યાયધર્મનો મૃત્યુ ઘંટ તો નથી વગાડી રહ્યા ?! એ જોવું જોઈએ ! અમેરિકન પ્રજા ડોનાલ્ડ ટ્રમ્પને સત્તા સોંપી પણ માનવજાતના ઉદ્ધારની વાત ભુલી ગયા એ પણ “ફકત અમેરિકનોની” વાત કરે છે ! આજે દુનિયાને એકબીજા વગર ચાલે તેમ નથી પછી તમારો “ધર્મ, જાતિ, જ્ઞાતિ, કોમ, વિચારો ગમે તે હોય ?!” કોરોના સામે સમગ્ર માનવજાત એક થઈ લડી હતી ?!
આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.