ગ્વાલિયા સ્વીટ્સના છોલે-ભટુરેમાંથી વંદા નીકળ્યા: રૂ.રપ હજારનો દંડ

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં મણિનગર વિસ્તારમાં આવેલ મહાલક્ષ્મી કોર્નરમાંથી આઈસ્ક્રીમના કોનમાંથી ગરોળીની પૂંછડી નીકળી હતી. હજુ આ ઘટના શાંત થઈ નતી ત્યાં તો વળી ફરી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
જેમાં એક ગ્રાહકે ઓનલાઈન એપ્લિકેશન પરથી છોલે ઓર્ડર કર્યા હતા. પરિવારનાં સભ્ય દ્વારા ગ્વાલિયામાંથી મંગાવેલા છોલે ભટૂરેમાંથી વંદો નીકળ્યો હોવાનો આક્ષેપ થયો હતો છોલે ભટૂરેમાંથી એક નહીં પણ બે વંદા નીકળ્યા હોવાનો દાવો પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો તેમની ફરિયાદને ધ્યાનમાં લઈ મ્યુનિ. ફ્રુડ વિભાગે ગ્વાલિયા સ્વીટ સામે કાયદેસર કાર્યવાહી કરી રૂ.રપ હજારની પેનલ્ટી કરી છે.
અમદાવાદનાં સરખેજ વિસ્તાર નજીક રહેતા પટેલ પરિવારનાં એક સભ્ય દ્વારા ઓનલાઇન એપ્લિકેશન થકી પ્રહલાદનગરમાં આવેલા ગ્વાલિયામાંથી છોલે ભટૂરેનો આર્ડર કરવામાં આવ્યો હતો. જેમાં તેણે છોલેનો ડબ્બો ખોલ્યો તો તે ચોંકી ગયા હતા કારણકે તેમાં એક નહીં પણ ૨ વંદા નીકળ્યા હતા. જે પરિવારે ઓર્ડર કર્યો હતો તે શહેરના સરખેજ વિસ્તારમાં રહે છે.
શહેરમાં અવારનવાર આવા બનાવો સામે આવતા હોય છે. પરિવારનો દાવો છે કે જ્યારે ખાવા માટે છોલે ભટુરેનું પેકેટ ખોલવામાં આવ્યું અને ચેક કર્યું તેમાંથી એક નહીં પણ બે વંદા નીકળ્યા હતા. આ ઘટનાનો ગ્રાહક દ્વારા વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો તથા મ્યુનિ. કોર્પોરેશનના ફ્રુડ વિભાગ સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી જેને ધ્યાનમાં લઈ ફ્રુડ વિભાગના કર્મચારીઓએ ગ્વાલિયા સ્વીટ્સની પ્રહલાદનગરમાં આવેલી શાખા પર તપાસ કરી હતી તથા રૂ.રપ હજારનો દંડ પણ કર્યો છે.