વેજિટેબલ ઓઈલની આયાત મે મહિનામાં સતત ૬ઠ્ઠા મહિને ઘટી

સનફ્લાવર ઓઈલની આયાત રશિયા અને યુક્રેનમાંથી થાય છે
કુલ આયાતમાં પામ ઓઈલનો હિસ્સો સાત મહિનામાં ૫૮ ટકાથી ઘટીને ૪૨ ટકા થયો છે
નવી દિલ્હી,દેશમાં વેજિટેબલ ઓઈલની આયાત સતત છઠ્ઠા મહિને ઘટી છે. મે મહિનામાં આયાત ૨૨.૩૬ ટકા ઘટીને ૧૧.૮૭ લાખ ટન થઈ હતી. સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશનંએ ગુરુવારે કહ્યું હતું. તેણે કહ્યું કે તાજેતરમાં આયાત ડ્યૂટીમાં ઘટાડો કરાયો તેનાથી કુલ વોલ્યૂમ પર ખાસ અસર નહીં થાય. ખાદ્યતેલ અને બિનખાદ્યતેલ બન્ને મળીને કુલ વેજિટેબલ ઓઈલની આયાત મે મહિનામાં ૧૧.૮૭ લાખ ટન થઈ હતી, જે ગત વર્ષે આ ગાળામાં ૧૫.૨૯ લાખ ટન હતી.
ઓઈલ માર્કેટિંગ વર્ષ (નવેમ્બરથી ઓક્ટોબર)ના પ્રથમ સાત મહિનામાં વેજિટેબલ ઓઈલની કુલ આયાત ઘટીને ૭૮.૮૪ લાખ ટન થઈ હતી, જે ગત વર્ષે આ ગાળામાં ૮૬.૭૮ લાખ ટન હતી. એસોસિએશનના ડેટ અનુસાર પામ ઓઈલની આયાત મે મહિનામાં ૨૨.૩૨ ટકા ઘટીને ૫.૯૨ લાખ ટન થઈ હતી, જે ગત વર્ષે આ ગાળામાં ૭.૬૩ લાખ ટન હતી. ક્રૂડ પામ ઓઈલપની આયાત ૫.૦૩ ટકા ઘટીને ૫.૦૫ લાખ ટન થઈ હતી. સોફ્ટ ઓઈલમાં સોયાબીન ઓઈલની આયાત ૨૩ ટકા ઘટીને ૩.૯૮ લાખ ટન થઈ હતી, જ્યારે સનફ્લાવર ઓઈલની આયાત ૫૫.૩૦ ટકા ઘટીને ૧.૮૩ લાખ ટન થઈ હતી.
કુલ આયાતમાં પામ ઓઈલનો હિસ્સો સાત મહિનામાં ૫૮ ટકાથી ઘટીને ૪૨ ટકા થયો છે, જ્યારે સોફ્ટ ઓઈલનો હિસ્સો ૪૨ ટકાથી વધીને ૫૭ ટકા થયો છે. ૧ જૂનના રોજ દેશમાં ખાદ્યતેલનો ૧૩.૩૩ લાખ ટન સ્ટોક હતો. સરકારે ૩૦ મેના રોજ પામ, સોયાબીન અને સનફ્લાવર ઓઈલની આયાત પર ડ્યૂટી ૨૦ ટકાથી ઘટાડીને ૧૦ ટકા કરી હતી જેને કારણે વાસ્તવિક કુલ આયાત ડ્યૂટી ૨૭.૫ ટકાથી ઘટીને ૧૬.૫ ટકા થઈ હતી.એસોસિએશને કહ્યું હતું કે રિફાઈન્ડ પામોલીનની આયાત નબળી પડશે અને માંગ ફરી ક્રૂડ પામ ઓઈલ તરફ વળશે અને તેને પગલે સ્થાનિક રિફાઈનિંગ સેક્ટરને બળ મળશે.
બીજી તરફ ક્રૂડ ઓઈલ પરની ડ્યૂટી ઘટાડાતા સ્થાનિક ભાવ ઘટશે અને ગ્રાહકોને ફાયદો થશે. એસોસિએશને તેના સભ્યોને અપીલ કરી છે કે ડ્યૂટીમાં ઘટાડનો લાભ ગ્રાહકોને તેઓ આપે. એસોસિએશને કહ્યું હતું કે નેપાળથી દર મહિને ૬૦-૭૦ હજાર ટન રિફાઈન્ડ ખાદ્યતેલની આયાત થાય છે, જે કુલ આયાત પર અસર કરી રહી છે. ઈન્ડોનેશિયા અને મલેશિયામાંથી ભારત મોટાપાયે પામ ઓઈલની આયાત કરે છે, જ્યારે સોયાબીન તેલની આયાત આર્જેન્ટિના, બ્રાઝિલ, રશિયામાંથી કરે છે. સનફ્લાવર ઓઈલની આયાત રશિયા અને યુક્રેનમાંથી થાય છે.ss1