ગુજરાતમાં LRD ભરતી માટે ૧૫ જૂને લેખિત પરીક્ષા

પ્રતિકાત્મક
(એજન્સી)અમદાવાદ, રાજ્યમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલની ૧૨૪૭૨ જગ્યા પર ભરતી પ્રક્રિયા શરૂ છે. જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટર ની ૪૭૨ જગ્યા માટે કુલ ૧,૦૨,૯૩૫ ઉમેદવારોએ ૧૩ એપ્રિલ, ૨૦૨૫ના રોજ લેખિત પરીક્ષા આપી હતી.
જ્યારે હવે લોકરક્ષક કેડરની ૧૨ હજાર જગ્યા પરની ભરતી માટે આગામી ૧૫ જૂન ૨૦૨૫ના રોજ ૨.૪૭ લાખથી વધુ ઉમેદવારો લેખિત પરીક્ષા આપશે. રાજ્યમાં લોકરક્ષક સંવર્ગની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પો.કો., જેલ સિપાઈ, એસઆરપીએફ સહિતની ૧૨૦૦૦ જેટલી જગ્યા પર ભરતી પ્રક્રિયા શરૂ છે, ત્યારે પોલીસ વિભાગ દ્વારા ભરતીની શારીરિક કસોટી પૂર્ણ કર્યા બાદ
લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા ૧૫ જૂને યોજાવાની છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, આણંદ અને ગાંધીનગર સહિત ૮૨૫ કેન્દ્ર-શાળા ખાતે પરીક્ષા યોજાશે. પરીક્ષાને લઈને પોલીસ વિભાગ દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે. જેમાં પરીક્ષા કેન્દ્ર ખાતે સીસીટીવી હેઠળ દેખરેખ, ૮૦૦૦થી વધુ પોલીસ અધિકારીઓ તથા ૧૮૦૦૦ શિક્ષણ વિભાગના અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.