Western Times News

Gujarati News

અમદાવાદમાં ઓટોરીક્ષામાં ફલેગ મીટરો શોભાના ગાંઠિયા સમાન

ઉચ્ચક ભાડાનો આગ્રહ રાખતા રીક્ષાચાલકો પેસેન્જરોનો વાંક કાઢે છે

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટની સાથેસાથે લોકો ઓટોરીક્ષાનો પણ મહત્તમ ઉપયોગ કરે છે. શહેરમાં વાહન વ્યવહાર વિભાગના નવા નિયમ પ્રમાણે રીક્ષાઓમાં “ફલેગ મીટર” અર્થાત્‌ રીક્ષા ડ્રાઈવરની ડાબી બાજુ એક મીટર લગાવાય છે.

તેમાં કીલોમીટર- પ્રાઈસ સહિતની જરૂરી વિગતો આવતી હોય છે રીક્ષા ઉપડે ત્યારે પેસેન્જરે મીટર ડાઉન કરીને બેસવાનું રહે છે. પછી મીટર ચાલુ રહે છે પરંતુ પેસેન્જરને મીટર પરથી ખ્યાલ આવે છે કે રીક્ષા કેટલા કીલોમીટર ચાલી રહી છે વળી તેની સાથે કિંમત પણ આવી જાય છે.

પેસેન્જર પોતાના ગંતવ્ય સ્થાને પહોંચે એટલે મીટરમાં જોઈને પૈસા ચૂકવવાની સરળ પધ્ધતિ અમલમાં આવી હોવા છતાં મોટાભાગના રીક્ષાવાળાઓના મીટર બંધ હાલતમાં જોવા મળે છે. રીક્ષાવાળા નીચેની તરફ પગ આગળ આવેલ મીટરનો ઉપયોગ કરે છે.

આ અંગે કેટલાક રીક્ષાવાળાઓને આડકતરી રીતે પૂછતા તેમણે જણાવ્યુ હતું કે પેસેન્જરો જ આ નવા મીટરનો ઉપયોગ કરવાની ના પાડે છે. જોકે રીક્ષાવાળાઓનો આ તર્ક કેટલો સાચો છે તે અલગ વાત છે. પરંતુ અમદાવાદ શહેરમાં રીક્ષામાં ફલેગ મીટરનો ઉપયોગ ઓછો થાય છે. ઓટો રીક્ષાવાળા જણાવે છે કે અમારે તો મીટર માટેનો ખર્ચો માથે પડયો છે

જોકે તેની સાથે સાથે હવે અમદાવાદમાં ઉચ્ચક ભાડાની પ્રથા જાણે કે અમલમાં આવી ગઈ છે અમદાવાદના પોશ ગણાતા વિસ્તારોમાંના એક મણીનગરમાં મીટર હોવા છતા રીક્ષાચાલકો ઉચ્ચકભાડા વસૂલતા હોવાનું ધ્યાન પર આવ્યુ છે તેમાંય એ લોકો પેસેન્જરનો વાંક કાઢે છે તેઓ જણાવે છે કે પેસેન્જરો મીટર નહી પરંતુ ઉચ્ચકભાડાનો આગ્રહ રાખે છે.

ખરેખર તો આમાં કોણ-કોને ઉલ્લુ બનાવે છે તે અલગ વાત છે. પરંતુ જાણે કે ફલેગ મીટરો શહેરમાં શોભાના ગાંઠિયા બની ગયા હોય તેવી પ્રતિતી થઈ રહી છે. સામે પક્ષે ઘણી મોટી સંખ્યામાં રીક્ષાવાળા એવા પણ હશે જે નિતિ નિયમોનું પૂર્ણ રીતે પાલન કરતા જોવા મળશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.